લંડનઃ ફેમિલી કોર્ટ્સમાં જજીસ દ્વારા ડોમેસ્ટિક એબ્યુઝના કેસીસ કેવી રીતે હાથ ધરાય છે તપાસવા કેર્ટ ઓફ અપીલમાં લેન્ડમાર્ક સુનાવણી ચાલી રહી છે. લગ્નના અથવા અન્ય પાર્ટનર દ્વારા બળાત્કાર અને જુલમી નિયંત્રણોના આક્ષેપો સંબંધિત ચાર અપીલ્સના લીધે બાળકોની કસ્ટડી મેળવવા સહિતના વિવાદોમાં ફેમિલી કોર્ટ્સના વલણમાં ફેરફાર આવે તેવી ફેમિલી લોયર્સને આશા છે. સુનાવણી હજુ ચાલી રહી છે.
આ ખાનગી અપીલો બાળકોના પિતાઓ વિરુદ્ધ માતાઓ દ્વારા ગંભીર આક્ષેપો સાથે અને ગત ૧૮ મહિનામાં ફેમિલી કોર્ટ્સના સર્કિટ જજીસના ચુકાદાઓને પડકારવા માટે કરવામાં આવી છે. એક કેસ જજ રોબિન ટોલ્સનના ચુકાદા અંગે છે જેમાં જજે ઠરાવ્યું હતું કે મહિલા સામે બળાત્કાર થયો ન હોઈ શકે કારણકે મહિલાએ હુમલાખોરનો પ્રતિકાર કરવાના શારીરિક પગલાં લીધાં ન હતા. ગયા વર્ષે હાઈ કોર્ટના ફેમિલી ડિવિઝનના સીનિયર જજ મિસ. જસ્ટિસ રસેલે બળાત્કારના આક્ષેપો મુદ્દે જજ ટોલ્સનો ચુકાદાની આકરી ટીકાઓ કરી હતી. બીજી મહિલાએ પણ જજ ટોલ્સનના ચુકાદા વિરુદ્ધ અપીલ કરી છે. અન્ય બે મહિલાએ જજ જેન ઈવાન્સ –ગોર્ડન અને જજ રિચાર્ડ સ્કારાટના ચુકાદાઓને પડકાર્યા છે.
કોર્ટ્સ ઓફ અપીલ સમક્ષ બેરિસ્ટર ક્રિસ્ટોફર હેમ્સ QC ની રજૂઆત હતી કે જજ ટોલ્સન દ્વારા તેમની ક્લાયન્ટના સંમતિ વિનાના સેક્સ, બળજબરીના અંકુશ તેમજ સગર્ભા હોવાના ગાળામાં તેને માર મારવા સહિતના આક્ષેપોને લગભગ નજરઅંદાજ કર્યા હતા. પિતાએ શારીરિક હિંસાનો ઉપયોગ કર્યાની મહત્ત્વપૂર્ણ કબૂલાતો પણ જજે ધ્યાનમાં લીધી ન હતી. માતાના તેના પૂર્વ પાર્ટનર સાથે અસ્થિર સંબંધો હતા અને પાર્ટનરે તેમના બાળકને પોતાના ઘેર ગેરકાયદે રાખી લીધો હતો. બેરિસ્ટરે જણાવ્યું હતું કે જજે મહિલાના આક્ષો બાબતે ખુલ્લું મન રાખ્યું ન હતું.
પ્રતિવાદી વતી બેરિસ્ટર જેનેટ બેઝલી QCએ અપીલ જજીસ સર એન્ડ્રયુ મેકફારલેન, લેડી કિંગ અને લોર્ડ હોલરોઈડ સમક્ષ રજૂઆતમાં માતાના આક્ષેપોને મનગઢંત ગણાવ્યા હતા.


