જમવામાં જગલો અને કૂટવામાં ભગલોઃ આ છે, બીબીસીની ટીવી લાઈસન્સ નીતિ

Tuesday 22nd September 2020 02:51 EDT
 
 

લંડનઃ બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (BBC) દ્વારા તેના માનીતા સ્ટાફ અને સ્ટારના વેતનોમાં જંગી વધારો જાહેર કરાયો છે. BBCનું વેજબિલ ૩.૫ ટકાના વધારા સાથે ૧.૫૩ બિલિયન પાઉન્ડને આંબી ગયું છે. જોકે, ૭૫થી વધુ વયના ૧.૫ મિલિયન લોકો માટે ફ્રી ટીવી લાઈસન્સ રદ કરી દેવા બાબતે કોઈ ફેરફાર કરાયો નથી. તેની આ નીતિ ‘જમવામાં જગલો અને કૂટવામાં ભગલો’ જેવી જ કહી શકાય.

BBCએ તેની રેડિયો-૨ની પ્રેઝન્ટર ઝો બોલને ૧ મિલિયન પાઉન્ડનો પગારવધારો આપ્યો છે. આ સાથે તે સંસ્થાની સૌથી વધુ વેતન (૧.૩૬ મિલિયન પાઉન્ડ) મેળવનારી કર્મચારી બની છે. અત્યાર સુધી વેતનમાં પ્રથમ ક્રમે  રહેલા ગેરી લિનેકર (અગાઉ ૧.૭૫ મિલિયન પાઉન્ડ)ને વેતનકાપ પછી પણ ૧.૩૫ મિલિયન પાઉન્ડનું વેતન અપાશે. BBCએ જુલાઈ મહિનામાં તેના પ્રાદેશિક ટીવી ન્યૂઝ અને ઈંગ્લેન્ડમાં લોકલ રેડિયો કાર્યક્રમો અંગે ભારે ફેરફારની જાહેરાત કરી હતી જેના પગલે ૪૫૦ કર્મચારીની નોકરી જવાની હતી અને કોર્પોરેશનને ૨૫ મિલિયન પાઉન્ડની બચત થવાની હતી.

બીબીસી નેટફ્લિક્સ જેવી સ્ટ્રિમિંગ કંપનીઓની સ્પર્ધાનો સામનો કરી રહી છે ત્યારે યુવાનોને આકર્ષવાના કાર્યક્રમો વિચારી રહી છે પરંતુ, ૭૫થી વધુ વયના ૧.૫ મિલિયન પેન્શનર્સ અને વૃદ્ધો માટે ફ્રી ટીવી લાઈસન્સ રદ કરી દેવા મુદ્દે પીછેહઠ કરવા માગતી નથી. સ્ટાફને કરાયેલા વેતનવધારાનો ખર્ચ પેન્શનરો પાસેથી લાઈસન્સ ફી વસૂલીને સરભર કરવામાં આવનાર છે. સોશિયલ મીડિયા પર બીબીસીની આ નીતિની આકરી ટીકા થઈ છે અને લાઈસન્સ ફીનો ઉપયોગ બીબીસીના ડાયનોસોર્સને ખવડાવવામાં થતો હોવાને ક્રિમિનલ અપરાધ પણ ગણાવાયો છે.

બીબીસીના ડાયરેક્ટર જનરલ ટિમ ડેવીએ સ્ટાફ અને ખાસ કરીને ઝો બોલના વેતનવધારાનો બચાવ કર્યો છે. બીજી તરફ, ૨૬૮ પાનાના રિપોર્ટ અનુસાર બીબીસી યુવા દર્શકો, નોર્થ અને મિડલેન્ડ્સના ઓડિયન્સ તેમજ BAME કોમ્યુનિટીનો ભરોસો ગુમાવી રહી છે. તેનું બજાર નેટફ્લિક્સ સર કરી રહેલ છે. કોર્પોરેશને ભારપૂર્વક જણાવ્યું છે કે તમામ પેન્શનર્સ માટે રાહત આપવી પોસાય તેવી નથી. પેન્શન ક્રેડિટ મેળવનારા આશરે ૯૦૦,૦૦૦ લોકોને જ લાઈસન્સ ફીમાંથી મુક્તિ મળતી રહેશે.

ગયા વર્ષે ૨૩૭,૦૦૦ પરિવારોએ બીબીસી ફી ભરી નથી અને ૨૦૧૯-૨૦માં ૨૫.૯ મિલિયન લોકો લાઈસન્સ ધરાવે છે. આ લાઈસન્સ માટે વ્યક્તિદીઠ ૧૫૭.૫૦ પાઉન્ડની ફી ચૂકવવાની રહે છે. લાઈસન્સ ફીની આવક ૧૭૦ મિલિયન પાઉન્ડ ઘટવા સાથે ૩.૫ બિલિયન પાઉન્ડથી થોડી વધુ રહી છે. સરકારે ફ્રી લાઈસન્સ માટે બીબીસીને અપાતી રકમ પણ ઘટાડી દીધી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter