લંડનઃ બાળકોને તમાચા મારવા પર પ્રતિબંધ લગાવીને જર્સી બ્રિટિશ તાજના તાબામાં સર્વ પ્રથમ સ્થળ બન્યું છે. બ્રિટિશ આઈલ્સના હિસ્સારુપ જર્સીની પાર્લામેન્ટે તાજેતરમાં ૩૮ વિરુદ્ધ ત્રણ મતથી કાયદાને બદલાવ્યો હતો. આ સાથે જર્સી કોર્પોરલ પનિશમેન્ટને પ્રતિબંધિત કરનારા અન્ય ૫૩ દેશ સાથે જોડાઈ ગયું છે.
યુકેમાં સ્કોટલેન્ડ આ વર્ષના ઉત્તરાર્ધમાં બાળકોને તમાચા મારવા પર પ્રતિબંધ લગાવે તેવી ધારણા છે. અત્યાર સુધી યોગ્ય કે તાર્કિક હોય તો બાળકોને શારીરિક શિક્ષા કરવાની છૂટ આપતા કાયદાને રદ કરવાને એસેમ્બલીએ મતદાન કર્યા પછી પેરન્ટ્સ અને વાલીઓને તેમના બાળકોને શિસ્તમાં રાખવા શારીરિક શિક્ષાનો કાનૂની અધિકાર નહિ રહે.
આ વિશે પ્રસ્તાવ રજૂ કરનારાં ડેપ્યુટી મેરી લે હેગાર્ટે જણાવ્યું હતું કે,‘હિંસા જ હિંસાને જન્મ આપે છે. જર્સી પ્રગતિશીલ અને ભવિષ્યનું વિચારનાર સ્થળ છે તેમ આપણે દર્શાવીએ. આપણે બાળકોના અવાજને સાંભળીએ.’ જોકે, જર્સીના સેનેટર સારાહ ફર્ગ્યુસને જણાવ્યું હતું કે,આ પ્રતિબંધ આયા રાજ્ય બની જવાં જેવી પડતી છે.’
NSPCC Jerseyના કેથેરાઈન મેકગવર્ને જણાવ્યું હતું કે,‘અમારી ભલામણ એવી છે કે પેરન્ટ્સ આ પરિવર્તન સમજે તેની ચોકસાઈ માટે જાહેર કેળવણી અભિયાન ચલાવાય અને બાળઉછેરની સ્ટાઈલને બદલાવવા માટે મદદ પણ કરવામાં આવશે.’


