જાણીતા ગાયક અરવિંદ જોશીનું અમેરિકામાં લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માન

Tuesday 25th May 2021 16:18 EDT
 
 

‘વ્યક્તિના સત્કર્મોની સુવાસ વ્યક્તિને જ જો જણાવીએ, એનો આવિષ્કાર કરીએ અને એનો ઉત્સવ માનવીએ’ એ ભાવના સાથે જીવન સિદ્ધિ સન્માન સમારંભોનું આયોજન થતું હોય છે. લોસ એન્જલસમાં છેલ્લાં ચાર દાયકાથી વસવાટ કરતા શ્રી અરવિંદભાઈ જોશીનું આવી ઉમદાભાવનાથી લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ સેરીમનીનું આયોજન ગત શનિવાર, મે ૮ મી એ થયું હતું . અને અહીંતો અત્તરનો વેપાર કરવાનો હતો : લેનાર અને આપનાર બંને સુગંધિત થવાનાં હતાં ને ?

ભારતમાં જીવનના સાડા ચાર દાયકા દરમિયાન શ્રી અરવિંદભાઈએ રાજકોટ રેડિયો સ્ટેશન પર ઘણાં લોકગીતો , સુગમસંગીત અને ભક્તિગીતોની લ્હાણી કરી હતી. વળી દેશ સાથેનો નાતો પણ અખંડિત હોવાને કારણે ત્યાંના ગુજરાતી કલાકારો, સાહિત્યકારો અને સમાજસેવકો સૌએ આ ઉજવણીમાં ઉમળકાથી ભાગ લીધો હતો.

શ્રી અરવિંદભાઈએ લોસ એન્જલ્સમાં પણ સંગીત શાળાના માધ્યમ દ્વારા ગુજરાતી ભાષા, સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિનો દીપક અખંડ જલતો રાખ્યો છે, એટલે સ્થાનિક પ્રતિષ્ઠિત રાજકીય, સામાજિક અગ્રગણ્યોએ પણ શુભેચ્છાઓથી તેમને વધાવ્યા હતાં .

ભારતમાં રાત્રીના દસ વાગ્યાથી છેક બે વાગ્યા સુધી હિતેચ્છુઓ જાગતાં બેસી રહ્યાં હતાં. આ અરવિંદભાઈ પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે !

હા , સમય મર્યાદા હતી, પણ તોયે ચાર ચાર કલાક સુધી, અવિરત, એકધારો, સૌને છેક સુધી રસતરબોળ કરીને જકડી રાખનારો આ કાર્યક્રમ દાદ માંગી લે તેવો અજોડ હતો !

પ્રારંભમાં લોસ એન્જલસ ઓટલો કમ્યુનિટી ગ્રુપના પ્રણેતા શ્રી સુભાષ ભટ્ટે સૌને આવકાર્યા. ત્યાર બાદ લોસ એન્જલસ રત્ન સમિતિના સૂત્રધાર, ઉદ્યોગપતિ શ્રી સુરુભાઇ માણેકે ભારતથી જોડાયેલ વિદ્વાન, સાહિત્યકાર, અને સૌથી વધુ તો હાસ્ય કલાકાર અને સમાજ કાર્ય માટે જ “ પરોપકારાય ઈદમ શરીરમ” એમ ભેખધારી જગદીશભાઈ ત્રિવેદીનો પરિચય આપ્યો. જગદીશભાઈએ વડીલ અરવિંદભાઈ જોશી સાથેના સંસ્મરણોની લગભગ બસ્સો જેટલાં ઝૂમ કનેક્શન અને ત્રણસો જેટલાં પ્રેક્ષકોને જાણકારી આપી. સૌ મહાનુભાવો પોતે જ બે કલાકનો સ્વતંત્ર પ્રોગ્રામ આપી શકે તેવા સમર્થ હોવા છતાં ,સૌને માત્ર કેસર - તુલસીનું આચમન કરાવતાં હોય તેમ સંક્ષિપ્ત વક્તવ્યમાં ઘણું બધું જણાવ્યું . ..

જાણીતા વક્તા શ્રી જયભાઈ વસાવડાએ, જાણીતા સતિષભાઈ વિઠલાણી , લોકસાહિત્યના શિરમોર જોરાવરસિંહ જાદવ અને જાણીતા માનીતા ભજનિક હેમંતભાઈ ચૌહાણ સાથે શ્રી અરવિંદભાઈ જોશીના પરમ મિત્ર , ૯૩ વર્ષના વડીલ શાહબુદ્ધિનભાઈ રાઠોડે છેક સુરેન્દ્રનગરથી જોડાઈને ભગવાનને ધરાવેલ પ્રસાદ પર તુલસીપત્રનું કામ કર્યું. ફિલ્મ કલાકાર જિતેન્દ્ર ઠાકર સાથે લંડનથી જોડાયેલ મહાનુભાવ શ્રી સી . બી. પટેલ, સાથે વીડિયો સંદેશાઓ - લોર્ડ ડોલર પોપટ , આફ્રિકાથી સમાજ સેવક વનુભાઈ માણેક , સ્થાનિક ઉદારદાતા શ્રી નલીનીબેન ઉકાભાઇ સોલંકી અને રામજીભાઈ પટેલ વગેરેના સંદેશાઓ પણ માણ્યાં. ઘણાં સામાજિક, રાજકીય પ્રતિષ્ઠિત મહાનુભાવોએ પણ ૮૬ વર્ષના અરવિંદભાઈને પોંખ્યા અને શતાબ્દી ઉજવણીની માંગણી પણ કરી દીધી !

સુંદર ગીત , ગઝલ , ગરબા અને તબલા - કી બોર્ડની ધૂન વગેરેથી આટલા દીર્ઘ સમયમાં પથરાયેલ કાર્યક્રમ સૌ પ્રેક્ષકોએ અંત સુધી સતત નિહાળ્યો અને માણ્યો તેનું શ્રેય આ કાર્યક્રમમાં સૂઝ સાથે અથાગ પરિશ્રમ કરનાર સૌ પાયાનાં પથ્થરો સુરુભાઇ માણેક, સુભાષભાઈ ભટ્ટ અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરનાર ગીતાબેન ભટ્ટને જાય છે.

“સૌથી મહત્વની વાત તો એ બની કે આ રીતે સમાજની એક વખતની પ્રતિષ્ઠિત પ્રતિભાને ફરીથી એક વાર , એમની હયાતીમાં જ યાદ કરીને પોંખવાની એક નવી વિચારધારાનો ઓટલો પ્રસારક બન્યો!” અનેક વડીલોએ આશીર્વાદ પાઠવતા જણાવ્યું !


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter