લંડનઃ બ્રિટનમાં જાહેર સેવાઓ દ્વારા અલગ અલગ જાતિઓ સાથે કરાતા વ્યવહારની સમીક્ષાનો ‘વિસ્ફોટક’ રિપોર્ટ હવે ઓગસ્ટના બદલે ઓછામાં ઓછા સપ્ટેમ્બર મહિના સુધી પ્રસિદ્ધ થશે નહિ. આના પરિણામે, કોમન્સના ઉનાળુ વિરામ સુધી ટોરી વડા પ્રધાનને મુશ્કેલીઓનો સામનો કરવાનો સમય મળી જશે. સૂત્રોના જણાવ્યા અનુસાર રિપોર્ટના તારણોથી બ્રિટનનું ખરાબ ચિત્ર બહાર આવી શકે છે. વડા પ્રધાન થેરેસા મેએ ગયા વર્ષના ઓગસ્ટમાં આવી સમીક્ષાનો આદેશ કર્યો હતો.
એમ કહેવાય છે કે રિપોર્ટમાં જનતા સાથે શાળાઓ, હોસ્પિટલો, પોલીસ, કોર્ટ્સ અને કાઉન્સિલ દ્વારા કરાતા વ્યવહાર સંદર્ભે વિરોધાભાસી અનુભવો દર્શાવાયા છે.
સારી સ્થિતિ ધરાવતા શ્વેત લોકોને સરકાર દ્વારા સારી સેવાઓ અપાતી હોવાનો ડેટા તેમાં હોવાનું મનાય છે. આ સમીક્ષાનો આદેશ અપાયો ત્યારે બ્રિટનમાં અન્યાયોનો સામનો કરવાની પ્રતિજ્ઞા સાથે થેરેસા મેએ કહ્યું હતું કે સમીક્ષા મુશ્કેલ સત્યને બહાર લાવશે તેવી ધારણા છે. જોકે, ગ્રેનફેલ ટાવર દુર્ઘટના અને સામાન્ય ચૂંટણીમાં ખરાબ પરિણામો પછી આ રિપોર્ટ વડા પ્રધાન માટે રાજકીય મુશ્કેલી સર્જશે તેમ મનાય છે.
કન્ઝર્વેટિવ પાર્ટી ૨૦ જુલાઈથી આરંભાતા ઉનાળુ વિરામની છાયામાં સમય પસાર કરવા માગે છે. આ પછી વેસ્ટમિન્સ્ટર ઓછામાં ઓછાં છ સપ્તાહ સુધી ખાલી રહેશે અને સપ્ટેમ્બર સુધી સાંસદો ગૃહમાં મળશે નહિ.


