જાહેર જીવનમાં માપદંડોની ફિકર

Wednesday 15th September 2021 06:33 EDT
 
 

લંડનઃ લોર્ડ ભીખુ પારેખે ૨૦૨૧ની ૯મી સપ્ટેમ્બરે હાઉસ ઓફ લોર્ડ્સમાં જાહેર જીવનમાં ધારાધોરણો વિશેની ચર્ચામાં મનનીય સંબોધન કર્યું હતું. આ દેશની ફિકર કરતા લોકો માટે જાહેર જીવનમાં ધારાધોરણો ચિંતાનો મુખ્ય વિષય બની રહ્યો છે ત્યારે લોર્ડ પારેખ આ બાબતે ચારથી પાંચ ખાસ મુદ્દાઓની રજૂઆત કરી હતી.

લોર્ડ પારેખે જણાવ્યું હતું કે,‘ જાહેર જીવનના ધોરણો મુદ્દે સૌ પહેલી બાબત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે ભૂતકાળની સાથે મતેની સરખામણી યોગ્ય નથી. ૧૮મી સદી અથવા ૧૯મી સદીના બ્રિટન તરફ નજર નાખીએ તો કૌભાંડો ત્યારે પણ હતાં. આજે જે થઈ રહ્યું છે તેને ઓછું આંકવાની જરૂર નથી પરંતુ, કોઈ પણ યુગમાં સ્થાપિત માપદંડોનું હંમેશાં પતન થતું જોવાં મળે છે. બીજી મહત્ત્વની બાબત એ છે કે આપણે કયા પ્રકારના માપદંડની વાત કરીએ છીએ. જો આપણે મધ્યકાલીન સાધુને પૂછીશું તો તેઓ ધાર્મિક સ્ટાન્ડર્ડ્સની વાત કરશે. આ પછી લોકો નૈતિક ધોરણોના પતનની વાત કરશે. આપણે કયા માપદંડો – નાણાકીય, સ્ત્રીઓ સાથે વ્યવહાર અથવા અન્ય કોઈની વાત કરીએ છીએ? નોલાન સિદ્ધાંતો સુસંગત છે પરંતુ, મર્યાદિત છે. તેઓ કદી સેક્સ્યુઅલ કનડગત અથવા સ્ત્રીઓ સાથે વ્યવહારની વાત કરતા નથી જે આજે મહત્ત્વના વિષયો છે. આથી આપણે સૌ પહેલા તો માપદંડના પ્રકાર વિશે ચોક્કસ થવું પડશે.

બીજો મહત્ત્વપૂર્ણ મુદ્દો ભ્રષ્ટાચાર સંબંધિત છે અને ભ્રષ્ટાચારની ગંગા હંમેશાં ઉપરથી નીચે તરફ વહે છે. તળિયાનો માનવી માપદંડોને તોડવાની હિંમત કરતો નથી. તેને પકડાઈ જવાનો ડર છે. ટોચ પરની વ્યક્તિ ભ્રષ્ટાચાર આદરે છે ત્યારે તેને વિશ્વાસ હોય છે કે અન્ય લોકો તેને છોડાવી લેશે. જો આ પ્રક્રિયાને ડામવામાં નહિ આવે તો સમગ્ર સમાજમાં તે ફેલાશે અને પછી તેને હલ કરી શકાય નહિ તેવી સમસ્યા બની જશે. સમગ્ર સમાજ સંકળાયેલો હોય ત્યારે તમે કોની સમક્ષ ફરિયાદ કરશો? કોઈ પણ સમાજમાં ભ્રષ્ટાચાર કાયમી બની જાય છે કારણકે લોકો ઘણા સહનશીલ રહે છે.

લોર્ડ પારેખે કહ્યું હતું કે,‘ આખરે માપદંડો કે ધારાધોરણો શેના થકી કાયમી બની શકે? માપદંડોની પાછળ વ્યક્તિગત વિવેકબુદ્ધિની પવિત્રતા અને પ્રોફેશનલ નૈતિકતા કામ કરે છે, કદાચ તે કામ ન પણ કરે. આ ઉપરાંત, જાહેર મત પણ છે જે પબ્લિક લાઈફમાં માપદંડોનો સંરક્ષક છે. જ્યારે જાહેર મત આ માપદંડોમાં રસ ન દર્શાવે અથવા તેમના પ્રત્યે અવહેલના દર્શાવે ત્યારે માપદંડોની જાળવણીની ગેરન્ટી કોણ આપશે? આ મોટું જોખમ છે. આપણે અન્ય દેશોની સરખામણીએ બહેતર હોવાની ટીપ્પણી સાથે હું  સંમત નથી. આપણા સ્ટાન્ડર્ડ્સ અન્ય દેશો જેટલા કડક નથી તેમજ આપણે તેમનો કાળજીપૂર્વક અભ્યાસ કર્યો નથી. આપણા માપદંડો અન્યત્ર કરતાં સારાં પણ નથી કે ખરાબ પણ નથી.’

તેમણે કહ્યું હતું કે,‘સીધી સાદી વાત એ છે કે હું જ્યાંથી આવું છું તે ભારત સહિત દરેક દેશમાં જાહેર મતની નિષ્ફળતા સ્પષ્ટપણે વર્તાઈ આવે છે. પ્રશ્ન એ છે કે જાહેર મત પોતાની ભૂમિકા ભજવવામાં નિષ્ફળ જાય તો તમે ક્યાં જશો? બીજો પ્રશ્ન એ પણ છે કે પબ્લિક ઓપિનિયન કેવી રીતે કેળવી શકાય? આ જરા દેખાવ કરવા જેવું લાગે છે જાણે કે આપણે જાહેર મત કેળવવાના બિઝનેસમાં રોકાયેલા હોઈએ. પ્રજા આપમેળે વધુ યોગ્ય મત પર કેવી રીતે આવી શકે? આ માટે તમારી પાસે માહિતીની સ્વતંત્રતા અને પ્રજાને માહિતગાર રાખી શકાય તેવું વ્યવસ્થાતંત્ર હોવું આવશ્યક છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter