બીજા વિશ્વયુદ્ધ પછી બહેતર જીવન જીવી શકાય તે માટે ભારતીય ઉપખંડના વિવિધ ગામોમાંથી માઈગ્રન્ટ્સ ઈસ્ટ આફ્રિકા આવ્યા હતા. તે વખતે કોઈ સિવિલ એરલાઈન ન હતી. મોટાભાગે જહાજ દ્વારા જ મુસાફરી કરવી પડતી હતી. મુસાફરીના સમયગાળાનો આધાર હિંદ મહાસાગરમાં ફૂંકાતા પવનની દિશા પર રહેતો હતો. ઈસ્ટ આફ્રિકા પહોંચતા સામાન્ય રીતે ત્રણ મહિનાથી વધુનો સમય લાગતો હતો. તેમાં મોમ્બાસા અથવા દાર એ સલામના બંદરે ઉતરાતું હતું.
ઈસ્ટ આફ્રિકામાં વસતા કોઈપણ સમાજ પ્રત્યે કોઈને ક્યારેય કોઈ પૂર્વગ્રહ ન હતો. ત્યાં વસતા વિવિધ સમુદાયોના તમામ ધર્મ પ્રત્યે સૌને ખૂબ આદર હતો.
‘૬૦ના દાયકાના પાછળના ભાગમાં હિંદુ સમાજની ઈચ્છા નાઈલ નદીના ઉદગમસ્થાન એવા જીંજામાં બીજું મંદિર બાંધવાની હતી. ત્યાં એક વિશાળ ચર્ચ હતું. ત્યાંથી નજીક હિંદુ મંદિર હતું.
તે સમયે ઉમેશભાઈ બી પટેલ, MBE, Dlના સ્વર્ગસ્થ પિતાએ જીંજા આવવા અને મંદિરના પૂજારી તરીકે ફરજ બજાવવા રમણભાઈ મહારાજને અનુરોધ કર્યો. તેમના બધા ભાઈ પૂજારી હતા અને મંદિરના મહારાજ તરીકે ઓળખાતા હતા. જીંજા મંદિરના છેક છેડે રમણભાઈને મકાન અપાયું હતું. તેઓ દરરોજ પૂજા - આરતી અને મંદિરની વ્યવસ્થાનું કામકાજ સંભાળતા હતા. મંદિરમાં દરરોજ સાંજે સાત વાગે આરતી થતી હતી.
લોકો નાઈલ નદીના કિનારે આવેલા ગાર્ડનમાં એકાદ કલાક બેસીને કે પછી વોક કરીને અથવા ક્રિકેટ, રગ્બી, ટેનિસ, બેડમિન્ટન કે વોલીબોલ જેવી રમતો રમીને મંદિરે આવતા હતા.
રમણભાઈ ફુરસદના સમયે સત્યનારાયણની કથા કરવા, નવા જન્મેલા બાળકના જન્માક્ષર લખવા અથવા મહિલાઓનું જોશ જોવા કે લગ્નવિધિ કરાવવા માટે શહેરમાં જતા હતા.
તેના બદલામાં તેમને અનાજ અથવા થોડા નાણાં મળતા હતા. સૌ કોઈ તેમને ખૂબ માન આપતું હતું. તેઓ કદી પણ નાણાં માગતા ન હતા. પરંતુ, તેમને જે કંઈ મળે તે સ્વીકારી લેતાં હતા. કોઈએ તેમને કશું ન આપ્યું હોય તો પણ તેઓ કદી ફરિયાદ કરતા ન હતા. તેઓ ખૂબ પ્રામાણિક પૂજારી હતા.
દિવાળીમાં તેઓ શહેરના દરેક હિંદુ પરિવારની મુલાકાત લેતા હતા અને તેમને આશીર્વાદ આપતા હતા. દરેક પરિવારોને શુભાશિષ પાઠવવા રાખડી પણ આપતા હતા. બે વર્ષ અગાઉ ઉમેશભાઈએ આશીર્વાદ મેળવવા માટે તેમના નાના ઘરની મુલાકાત લીધી. તેમને તેઓ ખૂબ અશક્ત અને વૃદ્ધ લાગ્યા. પરંતુ, તેઓ ઉમેશભાઈને જોતાવેંત ઓળખી ગયા.
યુગાન્ડામાંથી એશિયનોને હાંકી કઢાયા ત્યારે થોડા સમય માટે રમણભાઈ ભારત ગયા હતા. પાછળથી તેઓ મંદિરના પૂજારી બનવા માટે લેસ્ટર આવ્યા હતા. ત્યાંથી તેઓ ઉમેશભાઈના ગામ ભાદરણ ગયા હતા અને મૃત્યુ સુધી ત્યાં જ રહ્યા હતા.
સૌને આ પ્રામાણિક, ઉદાર અને આદરણીય રમણભાઈ મહારાજ પ્રત્યે અપાર સ્નેહ હતો. સ્મૃતિઓ કદાચ વીસરાઈ જશે પરંતુ, આવું ઉમદા વ્યક્તિત્વ સૌના મન અને દિલમાં કાયમ માટે રહેશે.
પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે.....