લંડનઃ બ્રેક્ઝિટવિરોધી કેમ્પેઈન જીના મિલર વિશે ફેસબુકમાં ધમકીપૂર્ણ પોસ્ટ મૂકવા બદલ એરિસ્ટોક્રેટ વાઈકાઉન્ટ રહોડ્રી કોલ્વીન ફિલિપ્સ સામે તેમના જ ફેસબુક મિત્ર મેથ્યુ સ્ટીપલ્સ દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. વાઈકાઉન્ટે મિસ મિલરને પ્રથમ પેઢીની નકામી માઈગ્રન્ટ ગણાવી કોઈ તેને અકસ્માત કરે તો ૫૦૦૦ પાઉન્ડ આપવાની ઓફર કરી હોવાનું કહેવાય છે.
વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં લોર્ડ સેન્ટ ડેવિડ નામે ઉલ્લેખ કરાયેલા ફિલિપ્સે ઓનલાઈન મેસેજ પોસ્ટ કર્યાનું સ્વીકાર્ય હતું પરંતુ, તે માત્ર એક રમૂજ હતી અને તેમના ફેસબુક પ્રાઈવસી સેટિંગના કારણે જાહેરમાં જોવા માટે ન હતી તેવી દલીલ પણ કરી હતી. ટ્રાયલ હજુ ચાલે છે.
ફરિયાદી મેથ્યુ સ્ટીપલ્સ વાસ્તવમાં જીના મિલરનો પણ મિત્ર છે.ભારતના પંજાબના મૂળની જીના મિલરનો ગુયાનામાં જન્મ થયો હતો. તેણે આ પોસ્ટ વિશે આઘાત વ્યક્ત કરી તેને પોતાના રક્ષણ માટે સિક્યુરિટી ભાડે રાખવાની જરૂર પડી હોવાનું કબૂલ્યું હતું.


