જીવનનિર્વાહ કટોકટીમાં વીજચોરીનો વિક્રમ

12 મહિનામાં ‘ઈલેક્ટ્રિસિટીના અપ્રામાણિક ઉપયોગ’ના 3600 રિપોર્ટ્સ

Tuesday 09th August 2022 12:54 EDT
 
 

લંડનઃ ગત વર્ષે ઈંગ્લેન્ડમાં લોકોએ વીજચોરી કર્યાની સંખ્યાબંધ ઘટનાઓ નોંધાઈ હતી. આ સમસ્યા વધી રહી છે છતાં, કેમ્પેઈન ગ્રૂપ નેશનલ એનર્જી એક્શન (NEA)ના જણાવ્યા અનુસાર એનર્જી કટોકટી વધી રહી છે ત્યારે વધુ પ્રમાણમાં લોકો પોતાની લાઈટ્સ ઓન રાખવા ગેરકાયદે રીતરસમ અપનાવી રહ્યા છે તે ખરેખર આઘાતજનક છે. વીજચોરી વીજલાઈન સાથે છેડછાડ અથવા મીટરને બાયપાસ કરવા થકી કરવામાં આવે છે અને ગંભીર શારીરિક કે માનસિક ઈજા કરી શકે છે તેમજ તે પાંચ વર્ષ સુધી જેલની સજા થઈ શકે તેવો ક્રિમિનલ અપરાધ છે.

હોમ ઓફિસના આંકડા મુજબ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં પોલીસ દળોને આ વર્ષના માર્ચ સુધીના 12 મહિનામાં ‘ઈલેક્ટ્રિસિટીના અપ્રામાણિક ઉપયોગ’ના 3600 રિપોર્ટ્સ મળ્યા હતા જે 2020-21ના વર્ષ કરતાં 13 ટકા વધુ છે અને 2012-13માં રેકોર્ડ્સની સરખામણી શરૂ કરાઈ ત્યારથી સૌથી વધુ વધારે છે. આમાંથી આશરે 1,100 ઘટના જાન્યુઆરીથી માર્ચ મહિનાના ગાળામાં નોંધાઈ હતી. ગત વર્ષે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં વીજચોરીના 57 ટકા કેસમાં કોઈ શકમંદની ઓળખ કરી શકાઈ ન હતી તેમજ પુરાવાના અભાવે 30 ટકા કેસ પડતા મૂકાયા હતા જ્યારે માત્ર 7 ટકા કેસમાં ચાર્જ અથવા સમન્સનું પરિણામ જોવાં મળ્યું હતું.

ક્રાઈમસ્ટોપર્સ દ્વારા સંચાલિત ‘સ્ટે એનર્જી સેફ’ દ્વારા ચેતવણી અપાઈ છે કે વીજળીના મીટર સાથે છેડછાડ કરવામાં આવે તો તેનાથી વીજતાર વધુ ગરમ થઈ જાય છે અને પરિણામે પ્રોપર્ટીને નુકસાન ઉપરાંત, જાનહાનિની શક્યતા પણ રહે છે. વીજચોરીના ક્રાઈમના લીધે એનર્જી કંપનીઓને દર વર્ષે ઓછામાં ઓછું 440 મિલિયન પાઉન્ડનું નુકસાન સહન કરવું પડે છે અને આ નુકસાન તેઓ આખરે તો ગ્રાહકો પર જ લાદે છે.

NEAના જણાવ્યા અનુસાર જીવનનિર્વાહ કટોકટીના કારણે લોકો લાઈટ્સના બદલે મીણબત્તીનો ઉપયોગ કરી રહ્યા છે અને ઘણા મુશ્કેલ સંજોગોમાં તેઓ વીજચોરીની આવી ગેરકાયદે સ્થિતિ તરફ વળે છે. આ ગેરકાયદે તો છે જ પરંતુ,ખતરનાક પણ છે. સામાન્યપણે શિયાળાની મોસમ આવે ત્યારે વીજચોરીની ઘટનાઓ વધે છે. પૂર્વ ચાન્સેલર રિશિ સુનાકે મે મહિનામાં કોસ્ટ ઓફ લિવિંગ સપોર્ટ પેકેજ જાહેર કર્યું ત્યારે ઓક્ટોબર મહિનાથી અંદાજિત સરેરાશ એનર્જી બિલ 2,800 પાઉન્ડ થવાની આગાહી હતી પરંતુ, હવે તે 3,358 પાઉન્ડ પહોંચવાની ધારણા છે.સરકારના કહેવા મુજબ કોસ્ટ ઓફ લિવિંગ કટોકટીમાં પરિવારોને 37 બિલિયન પાઉન્ડની સહાય કરાઈ રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter