જેલમાં ધકેલાતા આરોપીઓનું પ્રમાણ બ્રિટનમાં સૌથી વધુ

Wednesday 26th June 2019 02:40 EDT
 
 

લંડનઃ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ૨૦૧૭માં આશરે ૧૪૦,૦૦૦ અપરાધી જેલમાં બંધ કરાયા હતા. પ્રિઝન રિફોર્મ ટ્રસ્ટના અભ્યાસ અનુસાર બાકીના યુરોપની સરખામણીએ બ્રિટનમાં વધુ આરોપી જેલભેગા કરાય છે. જેલની મુદતો વિશે સરકાર અને વરિષ્ઠ જજીસ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે આંકડા કહે છે કે બ્રિટનમાં ક્રિમનલ્સ જેલમાં જાય તેવી શક્યતા પ્રશ્ચિમ યુરોપની સરખામણીએ વધુ રહે છે.

ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ૧૪૦,૦૦૦ અપરાધી ૨૦૧૭માં જેલમાં બંધ કરાયા હતા, જે સંખ્યા જર્મની કરતાં ૪૦,૦૦૦ વધુ હતી. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં દરેક ૧૦૦,૦૦૦ લોકોમાંથી ૨૩૮ને જેલમાં મોકલાયા હતા, જે સંખ્યા ફ્રાન્સ અને જર્મની માટે અનુક્રમે ૧૪૩ અને ૧૨૧ની હતી. ટ્રસ્ટના રિપોર્ટ અનુસાર સ્પેન અને ઈટાલીમાં જેલમાં મોકલાવાના દર કરતાં યુકેમાં આ દર ત્રણ ગણો છે. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં જેલની વસ્તી હાલ ૮૨,૬૮૩ છે, જે એક વર્ષ અગાઉ ૮૨,૯૮૯ હતી.

સરકાર અને વરિષ્ઠ જજીસ વચ્ચે જેલની મુદતો વિશે વિવાદ ચાલે છે. જસ્ટિસ સેક્રેટરી ડેવિડ ગૌકે કહે છે કે જેલો ભરચક રહેતી હોવાથી અપરાધીને છ મહિનાથી ઓછી સજા કરવા જજીસને અટકાવવા જોઈએ. જોકે, જજીસ કહે છે કે કોર્ટે અવરોધક તરીકે આ સત્તા જાળવવી જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter