લંડનઃ ફાર્માસિસ્ટ જેસિકા પટેલની હત્યાની તપાસમાં જણાયું છે કે ચિંતાતુર સ્ત્રીઓ તબીબી સલાહ લેતી હોય ત્યારે તેમને ડોમેસ્ટિક વાયોલન્સની સમસ્યા છે કે કેમ તેની પૂછપરછ કરવી જોઈએ. પતિ મિતેશ પટેલે પોતાના બોયફ્રેન્ડ સાથે વિદેશ ભાગી જવાની યોજનાના ભાગરુપે મે ૨૦૧૮માં મિડલ્સબરો ઘરમાં ચોરીનું નાટક ઘડ્યું હતું અને પત્ની જેસિકાનું ગળું દબાવી હત્યા કરી હતી. ડોમેસ્ટિક હોમિસાઈડ રીવ્યૂમાં જણાયું હતું કે મર્ડરની આગાહી કરી શકાય નહિ પરંતુ, ઘરેલુ હિંસાની ચેતવણીજનક નિશાનીઓની જાગૃતિ વિશે બોધપાઠ શીખવો જોઈએ.
મિડલ્સબરો કોમ્યુનિટી સેફ્ટી પાર્ટનરશિપ દ્વારા કરાયેલા રીવ્યૂમાં જણાવાયું છે કે નવ વર્ષના લગ્નજીવનમાં ૩૪ વર્ષીય મિસિસ પટેલ પર તેમના પતિ દ્વારા ઘરેલું હિંસા આચરાતી હોવાની નિશાનીઓ હતી. પેનલે જણાવ્યું હતું કે અંગત પરિવાર, મિત્રો અને સાથીઓને થોડીઘણી માહિતી હતી જે કદાચ તેમને ગણનાપાત્ર કે ચિંતાજનક લાગી ન હોય તે શક્ય છે. જો આ બધાને સાથે રાખે તો સહન કરવી પડેલી હિંસાનું ચિત્ર દેખાયું હોત.
આ ઘટનાઓમાં મરણપથારીએ રહેલા દાદાને મળવા ગયેલી પત્નીને ઘરમાં પ્રવેશવા દેવાનો ઈનકાર, બંને સાથે ચલાવતા હતા તે રોમન રોડ ફાર્મસી ખાતે સાથીઓ અને ગ્રાહકોની હાજરીમાં પત્ની સામે બૂમબરાડા, પત્નીને એકલી પાડવા હેલિફેક્સના ઘેરથી મિડલ્સબરો લઈ જવાઈ, પટેલે પત્નીના ઈજાગ્રસ્ત પગ પર ફોન ફેંક્યો, સહિતનો સમાવેશ થાય છે.
જેસિકા પટેલે તેમના જીપી પાસે ચિંતાતુરતા માટે મદદ માગી હતી પરંતુ તેમને ડોમેસ્ટિક એબ્યુઝ વિશે પૂછપરછ કરાયાની કોઈ સાબિતી નથી. માનસિક આરોગ્યની સમસ્સ્યાઓમાં ડોક્ટરે પેશન્ટને ઘરેલુ હિંસા વિશે સીધો પ્રશ્ન કરવો જોઈએ. પેનલના રુપોર્ટમાં જણાવાયું છે કે માતા બનવા ઉત્સુક મિસિસ પટેલ ફર્ટિલિટી ટ્રીટમેન્ટ મેળવી રહ્યાં હતા પરંતુ, તેમની જાણ વિના પતિ પટેલ સ્પર્મ કાઉન્ટ ઘટે તેવી દવાઓ લઈ રહ્યા હતા. મિ. પટેલ સમલિંગી સંબંધો ધરાવતા હતા અને પ્રેમી સાથે ઓસ્ટ્રેલિયા સ્થળાંતરની યોજના બનાવી હતી.