લંડનઃ પોર્ટુગીઝ જેહાદી પતિઓ સાથે ૨૦૧૩માં યુદ્ધગ્રસ્ત સીરિયા પહોંચેલી બે બ્રિટિશ બહેનો રીમા અને ઝારા ઈકબાલનું નાગરિકત્વ જેહાદીઓ સાથે તેમનાં લગ્નના કારણે છિનવી લેવાયું હોવાના અહેવાલો બહાર આવ્યા છે. રીમા અને ઝારા ઈકબાલે યુકે પાછાં ફરવા માટે આજીજી કરી છે. હાલ તેઓ તેમનાં પાંચ બાળકો સાથે સીરિયાના ડિટેન્શન કેમ્પમાં છે. જેહાદી બ્રાઈડ શમીમા બેગમે તેના નવજાત બાળક સાથે બ્રિટનમાં પરત ફરવા દેવાની માગણી કરી હતી પરંતુ, તેના બાળકનું રેફ્યુજી છાવણીમાં જ મોત થયું છે.
અગાઉ, ઈસ્ટ લંડનમાં રહેતી બહેનો રીમા અને ઝારા ઈકબાલ તેમના બાળકો સાથે સીરિયા નાસી ગઈ હતી. રીમાં બે પુત્રોની અને ઝારા ત્રણ સંતાનની માતા છે. સીરિયામાં તેઓ પાંચ મજબૂત ત્રાસવાદી વિભાગની સભ્ય હતી. રીમા અને ઝારાના પેરન્ટ્સ મૂળ પાકિસ્તાનના છે. રીમા અને ઝારાના પોર્ટુગીઝ પતિઓ પ્રોફેશનલ ફૂટબોલરની કારકીર્દિ બનાવવા આવ્યા હતા બ્રિટનમાં જ કટ્ટરવાદના પાઠ ભણ્યા હોવાનું કહેવાય છે. જેહાદી જ્હોનના જાણીતા આ સાથીઓએ કટ્ટરવાદના કુખ્યાત ઉપદેશક અંજેમ ચૌધરી સાથે મુલાકાત પછી ઈસ્લામ ધર્મ સ્વીકાર્યો હતો. રીમા ઈકબાલના પતિ સેલ્સો રોડ્રિગ્સ દ કોસ્ટાએ બ્રિટિશ-જર્મન નાગરિકત્વ ધરાવતી નાટાલી બ્રેખ્ત સાથે પણ લગ્ન કર્યા હોવાનું કહેવાય છે.
જેહાદી બ્રાઈડ શમીમા બેગમના પુત્રનું રેફ્યુજી કેમ્પમાં મોત થયા પછી હોમ સેક્રેટરી સાજિદ જાવિદ શમીમાનું નાગરિકત્વ રદ કરવા બાબતે ફરીથી વિવાદમાં આવ્યા છે.


