જોહાનિસબર્ગઃ સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગમાં BAPS મંદિર કોમ્પ્લેક્સ ખાતે 18મી સદીના યોગી અને આધ્યાત્મિક સ્વામી નીલકંઠ વર્ણીનું 42 ફૂટ ઊંચાઈની કાંસ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. સાઉથ આફ્રિકામાં આ સૌથી ઊંચી કાંસ્યપ્રતિમા છે. સમગ્ર આફ્રિકા ખંડમાં આ ચોથા ક્રમની સૌથી ઊંચી પ્રતિમા છે જે નાઈજિરિયામાં મોરેમી સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની સમકક્ષ છે.
વૃક્ષાસન તરીકે ઓળખાતી યોગમુદ્રામાં રહેલી આ પ્રતિમા બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના મંદિરના વિશાળ કોમ્પ્લેક્સના પ્રાંગણમાં આ પ્રતિમા રવિવાર 5 જાન્યુઆરીએ સ્થાપિત કરાઈ હતી અને તે શિસ્ત, યુવા આદર્શવાદ અને આંતરિક સમતુલાના પ્રતીક તરીકે હોવાનું BAPS દ્વારા જણાવાયું હતું. BAPSના મીડિયા પ્રવક્તા હેમાંગ દેસાઈએ જણાવ્યું હતું કે, ‘નીલકંઠ વર્ણીની આ પ્રતિમા ધાર્મિક સ્થાપનાથી વધુ સ્વશિસ્ત,ધીરજ, લક્ષ્યની સ્પષ્ટતા અને સમાજની સેવાના મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરે છે.’ મુખ્યત્વે તાંબા અને પિત્તળમાં ઢાળેલી પ્રતિમાનું વજન આશરે 20 ટન છે અને એક પગ પર ઉભેલી આ પ્રતિમાની મુદ્રા અદ્ભૂત ઈજનેરી ક્ષમતાનું પ્રદર્શન હોવાનું સ્થાનિક નિષ્ણાતોએ જણાવ્યું હતું.
રવિવારની સાંજે સ્વામિનારાયણ મંદિરના વરિષ્ઠ સ્વામી સ્વયંપ્રકાશ સ્વામીએ સાઉથ આફ્રિકાના ડેપ્યુટી ફાઈનાન્સ મિનિસ્ટર આશોર સારુપેનની હાજરીમાં આ પ્રતિમાનું સત્તાવાર અનાવરણ કર્યું હતું. આ પછી, 60 માણસોના ઈન્ડો-આફ્રિકન ઓરકેસ્ટ્રાએ સેંકડો મહેમાનોનું મનોરંજન કર્યું હતું.
પ્રવક્તા હેમાંગ દેસાઈએ જણાવ્યું હતું કે, ‘મંદિરની બાજુમા આવેલા BAPS વેજિટેરિયન રેસ્ટોરાં શાયોના સાથે મંદિર કોમ્પ્લેક્સ પરિવારો, મુલાકાતીઓ અને વ્યાપક કોમ્યુનિટી માટે આવકારદાયક પબ્લિક સ્પેસ પૂરી પાડે છે તેમજ ગ્રેટર જોહાનિસબર્ગ વિસ્તારમાં ટુરિસ્ટ માર્ગમાં વધારો પણ કરે છે.’ શ્રી નીલકંઠ વર્ણી ભગવાન સ્વામિનારાયણના બાળસ્વરૂપનું દર્શન કરાવે છે જેમણે 11 વર્ષની વયથી ભારતીય ઉપખંડમાં સાત વર્ષ સુધી 12,000 કિલોમીટરથી વધુ અંતરનું પરિભ્રમણ કર્યું હતું.


