જ્ઞાતિ ભેદભાવ મુદ્દે અલગ કાયદા માટે યુકે સરકારનો ઈન્કાર

- રુપાંજના દત્તા Wednesday 25th July 2018 06:30 EDT
 
 

બ્રિટિશ સરકારે ભેદભાવ વિરોધી લેજિસ્લેશનમાં જ્ઞાતિને વંશના પરિબળ તરીકે માન્યતા ન આપવાનો નિર્ણય લીધો હતો. આ લેજિસ્લેશનને દલિત સંસ્થાઓએ વખોડી કાઢ્યો હતો પરંતુ, અન્ય ઘણાંએ તેને આવકાર આપ્યો હતો. જોકે, બ્રિટિશ હિંદુઓના એક જૂથે આ કન્સલ્ટેશન હિંદુ સમુદાયને બદનામ કરવા અને તેમાં ભાગલા પડાવવાના ઈરાદે કરાયું હોવાનો આક્ષેપ કર્યો હતો.

સરકારે ગયા માર્ચ ૨૦૧૭માં છ મહિના માટે હાથ ધરાયેલા પબ્લિક કન્સ્લ્ટેશનના તારણો જાહેર કર્યા હતા. ઈક્વોલીટીઝ ઓફિસે જણાવ્યું હતું કે તેઓ આખરે એવા તારણ પર આવ્યા છે કે ભારતીય ડાયસ્પોરા માટે કાસ્ટ ડિસ્ક્રિમિનેશન સામે યુકેને કોઈ અલગ લેજિસ્લેશનની જરૂર નથી અને ઈમર્જિંગ કેસ લો જરૂરી રક્ષણ આપવા માટે પૂરતો છે.

અહેવાલમાં જણાવાયું હતું કે જ્ઞાતિ ભેદભાવના ખૂબ ઓછા કિસ્સા બને છે અને બ્રિટિશ ડોમેસ્ટિક કાયદામાં ‘જ્ઞાતિ’ને અલગ તત્વ તરીકે દાખલ કરવું સ્પષ્ટપણે વિવાદાસ્પદ બનશે. કન્સલ્ટેશન દ્વારા મળેલી માહિતીની વિસ્તૃત વિચારણા બાદ સરકાર માને છે કે જ્ઞાતિને લીધે થતાં ગેરકાયદેસર ભેદભાવ સામે જરૂરી રક્ષણ પૂરું પાડવાનો શ્રેષ્ઠ માર્ગ કોર્ટ અને ટ્રિબ્યુનલ દ્વારા ઘડી કઢાયેલ ઈમર્જીંગ કેસ લો પર આધાર રાખવાનો છે.

૨૦૧૩માં હાઉસ ઓફ લોર્ડ્સે યુકે સ્થિત દલિત જૂથોએ લાંબો સમય અભિયાન ચલાવ્યા બાદ જ્ઞાતિ ભેદભાવને તિલાંજલિ આપવાની તરફેણમાં મતદાન કર્યું હતું.

મિનિસ્ટર ફોર વિમેન એન્ડ ઈક્વોલિટીઝ પેની મોર્ડન્ટે સંસદમાં જણાવ્યું હતું, ‘કોઈ પણ વ્યક્તિને તેની જ્ઞાતિ વિશે કોઈ માન્યતા સહિત કોઈપણ કારણસર પૂર્વગ્રહ અથવા ભેદભાવનો ભોગ બનવું ન પડે...’

કન્સ્લ્ટેશનમાં લોકોને જ્ઞાતિના ભેદભાવથી રક્ષણ પૂરું પાડવા માટે અલગ અલગ ઉપાયોની વિચારણા કરવામાં આવી હતી. કન્સલ્ટેશનમાં ૧૬,૦૦૦ પ્રતિભાવો મળ્યા હતા. ચોક્કસ સમુદાયમાં ઘણાં લોકો માટે આ મુદ્દાને મહત્ત્વનો માનવામાં આવ્યો હતો. તેમાંના ૫૩ ટકાએ હાલની કાનૂની ઉપાય પર આધારિત રહેવા અને ડ્યૂટીને રદ કરવા જણાવ્યું હતું, ૨૨ ટકાએ બન્ને વિકલ્પને નકારી કાઢ્યા હતા અને ૧૮ ટકાએ ડ્યૂટીને અમલી બનાવવા જણાવ્યું હતું.

નિરાશ થયેલા કાસ્ટવોચ, યુકેના અધ્યક્ષ સતપાલ મુમમે એશિયન વોઈસ/ગુજરાત સમાચારને જણાવ્યું હતું કે કાસ્ટવોચ, યુકેના ૧૫ વર્ષના સક્રિય અભિયાનનું પરિણામ સરકારના આ નિર્ણયને લીધે શૂન્ય બની ગયું છે. સરકારે બોલેલું પાળ્યું નથી. હિંદુ અને શીખ મતોને ધ્યાનમાં રાખીને નિશંકપણે રાજકીય કારણસર સરકારે આ નિર્ણય લીધો હોવાનું તેમણે જણાવ્યું હતું.

ઈક્વોલિટી ઈસ્યૂ માટેના લેબર પાર્ટીના પ્રવક્તા ડોન બટલરે જણાવ્યું હતું કે સરકારે જ્ઞાતિ ભેદભાવને ઈક્વોલિટી એક્ટ હેઠળ લાવવાના નિર્ણયમાં પીછેહઠ કરી છે તે નિરાશાજનક છે. જ્ઞાતિ આધારિત પૂર્વગ્રહ અને ભેદભાવ એ માનવ અધિકારનું ઉલ્લંઘન છે અને તેને સાંખી લેવાય નહીં.

સંસદની સંમતિ અને યુએન દ્વારા મંજૂર કરાયેલા કાયદાને રદ કરવાના નિર્ણયથી નાખુશ હોવાનું એન્ટિ - કાસ્ટ ડિસ્ક્રિમિનેશન એલાયન્સે જણાવ્યું હતું. આ કાયદાને ઈક્વોલિટીઝ એન્ડ હ્યુમન રાઈટ્સ કમિશનનું પણ સમર્થન હતું.

હિંદુ ફોરમ ઓફ બ્રિટન (HFB)ના વાઈસ પ્રેસિડેન્ટ રમેશ પટ્ટણીએ જણાવ્યું હતું કે યુકેમાં હિંદુ સમાજમાં કાસ્ટ લેજિસ્લેશન વિશે જાગૃતિ કેળવવા વર્ષોથી HFBએ ઘનિષ્ઠ પ્રયાસો કર્યા છે અને આ લેજિસ્લેશનનો શરૂઆતથી જ વિરોધ કર્યો છે. HFBએ સંસ્થાના પ્રમુખ તૃપ્તિ પટેલ અને તેમની ટીમના નેતૃત્વ હેઠળ કેટલાંક કાર્યક્રમોનું પણ આયોજન કર્યું હતું.

નેશનલ કાઉન્સિલ ઓફ હિંદુ ટેમ્પલ્સ (યુકે)ના મહામંત્રી સતીશ શર્માએ જણાવ્યું હતું કે સરકાર તટસ્થ પરંતુ ખુલ્લા દિલની રહી તેને માટે બ્રિટિશ હિંદુ સમાજ સરકારની આભારી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter