લંડનઃ વર્ષ 2026 માટે શ્રેષ્ઠ ટેલિવિઝન શોઝ, એક્ટર્સ અને પ્રેઝન્ટર્સને બિરદાવતા 2026 બાફ્ટા ટેલિવિઝન એવોર્ડ્સના વિજેતાઓની જાહેરાત રવિવાર10 મે 2026ના રોજ લંડનના રોયલ ફેસ્ટિવલ હોલમાં આયોજિત સિતારાઓથી છવાયેલા કાર્યક્રમમાં કરાઈ હતી. ગ્રેગ ડેવિસની યજમાની હેઠળના ઈવેન્ટમાં એડોલન્સ, ધ સેલેબ્રિટી ટ્રેઈટર્સ અને કોડ ઓફ સાયલન્સ સહિતના પ્રોગ્રામ્સ વિજેતા બન્યા હતા.
વિજેતાઓમાં જ્યોતિ મહેતા અને તેમની ટીમનો સમાવેશ થયો હતો જેમને ‘સિમોન સ્કામાઃ ધ રોડ ટુ ઓશવિટ્ઝ’ માટે સ્પેશિયાલિસ્ટ ફેક્ચ્યુઅલ એવોર્ડ એનાયત કરાયો હતો. ઈતિહાસકાર સિમોન સ્કામા દ્વારા પ્રસ્તુત કરાયેલી BBC Two/PBS ડોક્યુમેન્ટરી હોલોકાસ્ટના ઈતિહાસને ચકાસે છે જેમાં જ્યોતિ મહેતા મુખ્ય પ્રોડ્યુસર તરીકે છે. તેમણે ‘બ્લેક એન્ડ બ્રિટિશઃ એ ફોરગોટન હિસ્ટરી (2016), ડ્રેઈન ધ ઓશન્સ (2018) અને સિક્રેટ્સ ઓફ ધ મ્યુઝિયમ (2020) જેવા પ્રસિદ્ધ પ્રોજેક્ટ્સપર પણ કામ કર્યું છે.
જ્યોતિ મહેતા મજબૂત સાંસ્કૃતિક અને સામાજિક મૂળિયા ધરાવતા પરિવારમાંથી આવે છે. તેમના પિતા નીતિનભાઈ મહેતા MBEનો જન્મ કેન્યાના કિસુમુમાં થયો હતો અને લાંબા સમયથી યુકેમાં વસેલા છે. તેઓ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવા માટે જાણીતા છે તેમજ ભારતના આધ્યાત્મિક વારસા, શાકાહાર અને વીગનિઝમ વિષયો પર વક્તવ્યો આપે છે. પ્રાણીઓના અધિકારોના પ્રખર હિમાયતી નીતિનભાઈએ કેન્યા, મોરેશિયસ, નવી દિલ્હી, પેરિસ, લંડન, લિસ્બન તેમજ ભારતના પંજાબ અને આંધ્ર પ્રદેશ રાજ્યોમાં વેજિટેરીઅન સોસાયટીઝ સ્થાપવામાં મહત્ત્વની ભૂમિકા પણ ભજવી છે.


