લંડનઃ ટોચની બ્રિટિશ ટીવી હોસ્ટ કેરોલિન ફ્લેકનું ૧૫ ફેબ્રુઆરીના રોજ નિધન થયું છે અને તેના પરિવારજનોએ હિટ રિયાલિટી શો ‘લવ આઈલેન્ડ’ સાથે સંકળાયેલા ત્રીજા સિતારાના અવસાનના સમાચારની પૃષ્ટિ કરી હતી. કેરોલિનના પરિવારજનોના કહેવા પ્રમાણે તેનો મૃતદેહ તેના લંડન ખાતેના એપાર્ટમેન્ટમાંથી મળી આવ્યો હતો.
તેમના પારિવારિક વકીલે કેરોલિને આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું હતું અને તે ૧૫ ફેબ્રુઆરીના રોજ મૃત્યુ પામી હતી. બોયફ્રેન્ડ લૂઈ બર્ટન સાથે મારપીટ મામલે ટૂંક સમયમાં જ કેરોલિન વિરૂદ્ધ સુનાવણી શરૂ થવાની હતી અને તેના પહેલા જ તેણીએ પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. કેરોલિનના પ્રશંસકોએ આ ટ્રાયલના દબાણમાં તેણે જીવન ટુંકાવ્યું હોવાની દલીલ સાથે તેની માનસિક હાલતને ધ્યાનમાં રાખી ટ્રાયલ પડતી મૂકવા માગણી કરી છે.
લવ આઈલેન્ડમાં હાલ તેના સ્થાને લૌરા વ્હિટમોરને કામ પર રાખવામાં આવી છે. ભારે લોકપ્રિય બનેલા કાર્યક્રમમાં અગાઉ પૂર્વ સ્પર્ધકો સોફી ગ્રેડોન (૩૨) અને માઈક થાલાસ્સિટિસ (૨૬)ની આત્મહત્યા પછી તેના સ્ટાર્સની વધુ કાળજી રાખવા પ્રોડ્યુસર્સ પર દબાણ વધી ગયું હતું.


