લંડનઃ ઈન્સ્ટિટ્યુટ ફોર પબ્લિક પોલીસી રિસર્ચના રિપોર્ટને ખૂલ્લો મૂકતાં કેન્ટરબરીના આર્ચબિશપ જસ્ટિન વેલ્બીએ જણાવ્યું હતું કે ટેક્સ વધારો લોકોને સુખી હોવાનો અનુભવ કરાવે છે.
ફાઈનાન્સ એન્ડ ઈનીક્વોલિટી પરના થિંક ટેન્કના રિપોર્ટને જાહેર કરતાં તેમણે ઉમેર્યું હતું કે સમૃદ્ધિ સારા હોવાની સાથે સાથે આવક સાથે સંકળાયેલી છે. તેમણે સૂચવ્યું હતું કે ઉંચા ટેક્સથી પર્યાવરણ અને સંસ્કૃતિના સુધારા માટે ફંડ મળી શકે, જેનાથી એકંદરે સુખમાં વધારો થઈ શકે.
તેમણે ઉમેર્યું હતું કે સમૃદ્ધિનો આધાર માત્ર આપણે જે આવક મેળવીએ છીએ તેના પર જ નહીં પરંતુ, કામની ગુણવત્તા અને સલામતી પર તેમજ કામ તથા જીવન વચ્ચેના સંતુલન પર અને આપણા સંબંધોની ગુણવત્તા પર રહે છે.
તેમણે ઉમેર્યું હતું કે સૌના સારામાં રાજકીય સંવાદ, વિજ્ઞાન અને સંસ્કૃતિ તેમજ પર્યાવરણના સંરક્ષણનો સમાવેશ થાય છે.
બે વર્ષ અગાઉ થિંક ટેન્ક દ્વારા TUC અને અર્થશાસ્ત્રીઓના સમાવેશ સાથે સ્થપાયેલા પંચ દ્વારા આ અહેવાલ પ્રગટ કરાયો હતો.
પંચની ૭૩ ભલામણોમાં કામદારોનો કંપનીના બોર્ડમાં સમાવેશ, કોર્પોરેશન ટેક્સમાં વધારો અને ઝીરો અવર કોન્ટ્રાક્ટ્સ પર રખાયેલા કામદારોના વેતનમાં વધારો તેમજ ડિજીટલ મીડિયા કંપનીઓના નિયમનનો સમાવેશ થાય છે.
અહેવાલમાં જણાવાયું હતું કે આર્થિક કટોકટી પછીના દાયકામાં લાખો લોકોના જીવન ધોરણમાં કોઈ ફેરફાર થયો નથી. યુવાનો માટેની તકો ઘટતી જાય છે અને લંડન તથા સાઉથ ઈસ્ટ અને દેશના અન્ય ભાગો વચ્ચેની આર્થિક ખાઈ વધી ગઈ છે.


