લંડનઃ આઈઝલવર્થ ક્રાઉન કોર્ટેના જજ માર્ટિન એડમન્ડ્સ QCએ મહેમુદને પાકિસ્તાન ક્રિકેટના પૂર્વ કેપ્ટન ઈમરાન ખાનની ૪૩ વર્ષીય પત્ની, જર્નાલિસ્ટ અને કેમ્પેઈનર જેમીમા ગોલ્ડસ્મિથને પરેશાન કરવાના ગુનામાં દોષિત ઠેરવ્યો હતો. જજ એડમન્ડ્સ આગામી ૨૬ ઓક્ટોબરે મહેમુદને સજા સંભળાવશે.
જેમીમાએ કેબ બુક કરવા માટે Hailoએપ્લીકેશનનો ઉપયોગ કર્યા પછી નોર્થ-ઈસ્ટ લંડનના ૨૭ વર્ષીય અશ્વેત કેબ ડ્રાઈવર હસન મહેમુદે તેના નંબર પર એક વર્ષમાં જુદા જુદા ૧૮ મોબાઈલ ફોનથી વોટ્સ એપ મેસેજીસ સહિત ૨૦૩ ટેક્સ્ટ મેસેજ મોકલ્યા હતા અને ૧,૧૮૨ કોલ કર્યા હતા.
મહેમુદના વકીલ ઉમર અલીએ કોર્ટને જણાવ્યું હતું કે હસનના હીરો ઈમરાન ખાન સાથે જેમીમાએ લગ્ન કરતા તે જેમીમાનો પ્રશંસક બની ગયો હતો. ગયા વર્ષે તેણે એક જાઝ ક્લબથી જેમીમા અને તેના મિત્રોને પીક કર્યા પછી જેમીમાએ તેની સાથે ફોટો પડાવવાની સંમતિ આપી હતી. થોડા દિવસ પછી તેણે જેમીમાને ટેક્સ્ટ અને ફોન કોલ દ્વારા હેરાનગતિ શરૂ કરી હતી. આ સિલસિલો લગભગ એક વર્ષ સુધી ચાલ્યો હતો.
ફરિયાદ પક્ષના વકીલ રૂક્સાના નાસિરે જણાવ્યું હતું કે મહેમુદે તે જેમીમાને ચાહતો અને તેને જાણવા માગતો હોવાનું કહેવા સાથે તે સારો મિત્ર કેમ ન બની શકે તે જાણવા માગ્યું હતું. મહેમુદ તેની પાછળ પાગલ થઈ ગયો હતો.


