આટલાન્ટાઃ યુએસએના ટેનેસી રાજ્ય દ્વારા સેનેટ જોઈન્ટ રેઝોલ્યુશન 442 થકી વૈશ્વિક આધ્યાત્મિક નેતૃત્વ અને માનવતાવાદી અસર માટે BAPS સ્વામિનારાયણ સંસ્થા અને ભૂજ ધરતીકંપ, કોવિડ-19 મહામારીમાં રાહતકાર્યોના સંકલન અને યુદ્ધ શરણાર્થીઓ માટે રાહતશિબિરોની સ્થાપનામાં અગ્રભૂમિકા બદલ પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામીનું 1 જુલાઈ 2025ના રોજ સત્તાવાર સન્માન કરવામાં આવ્યું છે.
આ સંયુક્ત ઠરાવમાં BAPS ના વૈશ્વિક આધ્યાત્મિક નેતૃત્વ અને માનવતાવાદી અસરને બિરદાવાયા છે તેમજ આધુનિક માનવ ઈતિહાસમાં વૈશ્વિક શાંતિની સ્થાપના માટેના સૌથી મહત્ત્વપૂર્ણ લેન્ડમાર્ક્સમાં એક અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરના નિર્માણમાં વડપણ સંભાળવા માટે પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામીની વિશિષ્ટ ભુમિકાને બિરદાવાઈ હતી. આ ઉપરાંત, 2001માં ભૂજ ધરતીકંપ દરમિયાન રાહતકાર્યોના સંકલન, COVID-19 મહામારીના ગાળામાં માનવતાવાદી સપોર્ટમાં અગ્રેસરતા તેમજ યુક્રેન-રશિયા સંઘર્ષમાં યુદ્ધ શરણાર્થીઓ માટે રાહતશિબિરો સ્થાપવાના કાર્યો બદલ પણ સ્વામીજીને સન્માનિત કરાયા હતા.
આ બધા કાર્યો પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામીના પ્રયાસોને સમર્પણ, સેવા અને સંવાદિતાના આજીવન ઉપદેશોથી સતત માર્ગદર્શન અને પ્રેરણા આપી રહેલા પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ અને માર્ગદર્શન સાથે કરી શકાયા હતા.
સમગ્ર રાજ્યમાં સ્વામીજી પ્રત્યે અપાર આદરને પ્રતિબિંબિત કરતા ગવર્નર બિલ લીએ તેમના વરિષ્ઠ સલાહકાર જ્હોન ડીબેરી અને હાઉસ રિપ્રેઝન્ટેટિવ માર્ક સ્પાર્ક્સ મારફત ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. તેઓ 2000થી વધુ લોકોની હાજરી સાથે ‘ઈન કન્વર્ઝેશન’ નામની વિશાળ આધ્યાત્મિક સભામાં પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામીને સન્માનિત કરવા ખાસ પહોંચ્યા હતા. આ સભામાં સમગ્ર જ્યોર્જિયા સ્ટેટમાંથી સરકારી મહાનુભાવોનો પણ સમાવેશ થયો હતો.
આ સન્માન ટેનેસીના હાર્દરૂપ મૂલ્યો અને BAPSના નિઃસ્વાર્થ સેવા, એકતા અને તમામ વ્યક્તિઓના ઉત્થાનના માર્ગદર્શક સિદ્ધાંતો વચ્ચે મજબૂત સમતુલાને હાઈલાઈટ કરે છે. આ પ્રતિષ્ઠિત સન્માન BAPS અને ટેનેસી સ્ટેટ વચ્ચેના સંબંધોને મજબૂત બનાવે છે એટલું જ નહિ, સહભાગી આદર અને સહકારની ભાવના સાથે બહેતર વિશ્વના નિર્માણની પારસ્પરિક પ્રતિબદ્ધતાને પણ ઉજાગર કરે છે.