લંડનઃ યુકેમાં કોરોના વાઈરસ ટેસ્ટિંગ કરાતા નથી તેવી કાગારોળ વચ્ચે બ્રિશરોની વિચિત્રતા સામે આવી છે. લોકડાઉનના નિયમો હળવાં થતાં જ લોકો મોટા પાયે સૂર્યસ્નાન, શોપિંગ, ભોજન માટે ઉમટી પડ્યા હતા પરંતુ, લંડનના ત્રણ મોટા કેન્દ્ર સહિત મોટા ભાગના NHS કોરોના ટેસ્ટિંગ સેન્ટર્સ ખાલીખમ જણાયાં હતાં. મેક્ડોનાલ્ડ્સ દ્વારા વધુ ડ્રાઈવ થ્રુ રેસ્ટોરાં ખોલવામાં આવ્યા હતા અને પોલીસને વાહનોની લાંબી લાઈનો સંભાળવામાં મુશ્કેલી પડી હતી. લોકો ફર્નિચર અને જાતે કરવાના ઉપકરણોની ખરીદી માટે Ikea સ્ટોર્સ પર ઉમટ્યાં હતા.
ઈંગ્લેન્ડમાં સોમવારે લોકડાઉનના નિયમો હળવા થવાની સાથે જ લોકો ઘરની બહાર નીકળી પડ્યા હતા. હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે બ્રિટિશરોએ કોરોના ટેસ્ટ કરાવી લેવો જરુરી હોવાની જાહેરાતો કરી હોવાં છતાં, યુકેના વિશાળ કોરોના વાઈરસ ટેસ્ટિંગ સેન્ટર્સ ખાલીખમ પડી રહ્યા હતા. વેસ્ટ લંડનમાં ટ્વિકેનહામ રગ્બી સ્ટેડિયમ, ચેસિંગ્ટન અને હીથ્રો નજીકની ટેસ્ટિંગ સાઈટ્સ ખાલી પડી હતી. એકલદોકલ કાર અગાઉથી બૂક કરાયેલા ટેસ્ટ માટે આવતી જણાઈ હતી. મેડિકલ સ્ટાફને સર્જિકલ માસ્ક, ગ્લોવ્ઝ સહિત PPEમાં બેસી રહેવાની ફરજ પડી હતી. કેટલાંકે તો સમય પસાર કરવા ઘોડાના મેસ્કોટ પણ લગાવ્યા હતા.
આનાથી વિપરીત, હજારો લોકોએ ફાસ્ટ ફૂડ ચેઈન મેક્ડોનાલ્ડ્સના ડ્રાઈવ થ્રુ રેસ્ટોરાં તેમજ Ikea સ્ટોર્સ પર લાંબી લાઈનો લગાવી હતી. પોલીસ અને સિક્યુરિટી સ્ટાફે ફાસ્ટ ફૂડ અને ફ્લેટ-પેક ફર્નિચર માટેની લાઈનો સંભાળવાની જહેમત કરવી પડી હતી. એડિનબરા, બાંગોર, બોલ્ટન, કોર્નવોલ, હલ, ગ્લાસગો, વેકફિલ્ડ, સેલિસબરી સહિતના સ્થળોએ વાહનોની એક માઈલ લાંબી કતારો જામી હતી અને લોકોને બે કલાક સુધી રાહ જોવાની ફરજ પડી હતી.