લંડનના ટ્રફાલ્ગર સ્ક્વેરમાં 9 ઓક્ટોબર રવિવારે હિંદુ ધર્મ, કલા, સંસ્કૃતિ અને વાનગીઓનો ઐતિહાસિક સંગમ જોવા મળ્યો. દિવાળી ઈન લંડન કમિટી (DIL) દ્વારા આયોજિત મેયરના વાર્ષિક ‘દિવાળી ઓન ધ સ્ક્વેર’ ઈવેન્ટમાં જાણે કે સમગ્ર ભારત અવતરિત થયું હતું. આ લાઇટ સેલિબ્રેશનમાં 200થી વધારે રંગ-બેરંગી આકર્ષક પોશાક પહેરેલા નર્તકોએ હિંદુ, શીખ અને જૈન સમુદાયોની સંસ્કૃતિ, ગીત, નૃત્યની પ્રસ્તુતિ આપી. પરિવાર સાથે આવેલા સેંકડો લોકો ભારતીય સંસ્કૃતિના રંગમાં રંગાયા અને ઉમળકાભેર દિવાળીની ઉજવણી કરી.
એક બાજુ સ્ટેજ અને ગ્રાઉંડમાં નૃત્ય અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓની રમઝટ ચાલતી હતી તો બીજી બાજુ નિહાળવા માટે વિવિધ બજાર અને સ્વાદિષ્ટ શાકાહારી દક્ષિણ એશિયાઈ ભોજનનો આનંદ માળવા માટે ફૂડ સ્ટાલ્સ હતા. નીસડન મંદિરનો ‘દિવાળી ઉત્સવનો અનુભવ’ ખાસ આકર્ષણનું કેંદ્ર હતું. આ સિવાય નૃત્ય કાર્યશાળાઓ, યોગ અને ધ્યાન, દેવીઓની ઝલક, સાડી અને પાઘડી બાંધવી, મહેંદી, ફેસ પેઈન્ટીંગ, દિવાળી કલ્ચર ઝોન, યુનિટી માર્કી, સોહો થિયેટર કોમેડી અને ચિલ્ડ્રન્સ માર્કી સહિતની પ્રવૃત્તિઓનું આયોજને આ દિવાળી ઉત્સવને મહોત્સવમાં પરિણમિત કર્યો.
દિયા લાઇટિંગ સેરેમની પછી પરંપરાગત ગરબાથી લઈને વિવિધ સંસ્કૃતિના નૃત્યો, બોલિવૂડ ગીતો અને વિશિષ્ટ નૃત્ય પ્રદર્શનની શરૂઆત થઈ. BAPS UKના ટ્રસ્ટી ડૉ. મયંક શાહે મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. ઓશવાલ સમાજ યુકેના વિધિકાર જયેશભાઈ શાહ, શીખ સમાજના ડો. સુરજીતસિંહ ભલ્લાએ દિવાળીનું મહત્વ જણાવ્યું.
યુકેમાં યુગાન્ડાના હાઈ કમિશનર નિમિષા માધવાણીએ નમસ્તે!, કેમ છો! કહીને બધાને આવકાર્યા અને કહ્યું કે યુગાન્ડામાં અમે દર વર્ષે દિવાળી ઉજવીએ છીએ. કૃપા કરીને યુગાન્ડાની મુલાકાત લો, તે સલામત છે, ત્યાં બિઝનેસ છે અને પાણીપુરી પણ છે. આપ સૌને આમંત્રણ છે.
યુકેમાં નેપાળના રાજદૂત જ્ઞાનચંદ્ર આચાર્યએ કહ્યું કે, આ ઉજવણી મને મારા દેશની યાદ અપાવે છે. નેપાળ પશુપતિનાથ, મુક્તિ અને બુદ્ધની ભૂમિ છે. આજે હવામાન પણ સંદેશ આપી રહ્યું છે- તમસો મા જ્યોતિર્ગમય...
યુકેમાં ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ જણાવ્યું હતું કે, લંડનના મેયર દ્વારા વાર્ષિક ધોરણે આયોજિત દિવાળી ઇવેંટ એ "શાનદાર ઉત્સવની ભાવના" તરીકે ઓળખાતો તહેવાર છે. મેયરનો ખૂબ ખૂબ આભાર. યુકેમાં દિવાળીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે આ દરેક દેશવાસી માટે ગૌરવની વાત છે. આપ સૌને તહેવારોની શુભકામનાઓ. ઉત્સવોના પ્રકાશમાં અમે જેટલો આનંદ એક-બીજાને વહેંચી શકિયે એટલી પ્રબળ માનવતા અને દેશભાવના થશે. લંડનની જે સ્પિટ છે, તે તહેવારોની ભાવના છે.
લંડનના મેયર સાદિક ખાને સૌને દિવાળીની શુભકામના પાઠવી હતી. તેમણે જણાવ્યું કે કેટલો સારો દિવસ છે જ્યારે હિન્દુ, જૈન અને શીખ ભેગા થયા છે અને સૂર્ય પ્રકાશવાન થઈને એક થવાની ભાવનાને વેગ આપે છે. અહીં નેપાળ, યુગાન્ડા અને ભારતના એમ ત્રણ હાઈ કમિશનર પણ ખાસ હાજર છે. દિવાળીના તહેવારને ઉજવવાનું સૌથી મહત્ત્વનું કારણ એ છે કે હજારો વર્ષ પહેલાંની દિવાળીની વાર્તાઓ આજે ઉદ્ભવે છે. જ્યારે ભગવાન રામ તેમના રાજ્યમાં સીતાને પાછા લાવ્યા. તે અંધકારમાંથી પ્રકાશ વિશેની વાર્તા છે, તે ખરાબ પ્રવત્તિઓ પર કાબુ મેળવવા માટે સારા પુરુષાર્થની વાર્તા છે.
મેયરે કહ્યું કે, તમે જાણો છો અને હું જાણું છું કે કેટલાક લોકો એવા છે જે સમુદાય, લોકો અને આસ્થા વચ્ચે સંઘર્ષ ઊભો કરવાનો પ્રયાસ કરે છે. શું આપણે તેમને સફળ થવા દઈશું? ના. તેથી જ દિવાળીનું ખૂબ મહત્વ છે. દિવાળી ઈન લંડન કમિટીએ ખૂબ જ મહેનત કરીને આ શાનદાર ઈવેન્ટનું આયોજન કર્યું હતું. લંડન વિશ્વનું સૌથી મહાન શહેર છે તેનું એક કારણ આપણા શહેરમાં હિન્દુ, જૈન અને શીખોએ આપેલું યોગદાન છે. ભલે તે NHS હોય, એન્ટરપ્રેન્યોર હોય, કલ્ચર હોય. લંડનને વિશ્વનું સૌથી મહાન શહેર બનાવવા બદલ આભાર. પેન્ડેમિક પછી આ પહેલી દિવાળીની ઉજવણી છે. વિવિધતા એ આપણી શક્તિ છે, તે આપણને મજબૂત, સમૃદ્ધ બનાવે છે.
દિવાળી ઈન લંડન કમિટી વતી ચેરપર્સન નીતિન પલાન MBE FCA એ જણાવ્યું હતું કે ‘મને આનંદ છે કે, લગભગ ત્રણ વર્ષની ગેરહાજરી પછી, લંડનમાં દિવાળી ટ્રફાલ્ગર સ્ક્વેરમાં દિવાળી સંપૂર્ણ ઉત્સાહથી ઉજવવામાં આવશે. આ વર્ષની થીમ ‘અન્યના આનંદમાં આપણું પોતાનું આનંદ’ દિવાળી અને સમગ્ર વિશ્વ બંને માટે સુસંગત છે, કારણ કે વર્તમાન સમયમાં દયા, સંવાદિતા અને નિઃસ્વાર્થ સેવાની જરૂરિયાત આનાથી વધુ ન હોઈ શકે. દિવાળી ઈન લંડન ટીમ વતી, અમે દરેકને ઘણી બધી ખુશીઓની શુભેચ્છા પાઠવીએ છીએ અને આશા રાખીએ છીએ કે તમે બીજાના જીવનમાં ખુશીઓ ઉમેરવા માટે પ્રેરિત થશો.’
મહેમાનોનો પરિચય સિસ્ટર જયમિનીબહેને આપ્યો હતો અને કાર્યક્રમનું સંચાલન નીલકુમારે કર્યું હતું.


