ટ્રાન્સજેન્ડર ફ્રેડીની ઓળખ બાળકના પિતા તરીકે નહિ, માતાની જ ગણાશે!

જનરલ રજિસ્ટર ઓફિસ વિરુદ્ધ કાનુની કાર્યવાહીમાં લંડનની હાઈ કોર્ટે ચુકાદો આપી માતા તરીકે જ નોંધણી કરવા જણાવ્યું

Saturday 05th October 2019 04:01 EDT
 
 

લંડનઃ પુરુષે બાળકને જન્મ આપ્યો તેવા સમાચાર આવતા રહે છે તેમાં હવે નવાઈ નથી પરંતુ, તેની ઓળખ માતા કે પિતાની ગણાય તેના વિશે નવા પ્રશ્નો સર્જાય છે. સ્ત્રીમાંથી પુરુષ બનેલા ૩૨ વર્ષીય ટ્રાન્સજેન્ડર ફ્રેડી મેક્કોનેલે બાળકને જન્મ આપ્યા પછી તેના બર્થ સર્ટિફીકેટ પર પોતાની ઓળખ પિતા અથવા પેરન્ટ તરીકે રાખવાનો આગ્રહ રાખ્યો હતો પરંતુ, લંડનની હાઈ કોર્ટે તેની વિરુદ્ધ ચુકાદો આપી તેની નોંધણી માતા તરીકે જ કરવાનું જણાવ્યું છે. આ ચુકાદા વિરુદ્ધ અપીલ કરવાનું વિચારાય છે. જો ક્લેઈમ સફળ થશે તો આ બાળક યુકેમાં કાયદેસર માતા નહિ ધરાવતો પ્રથમ વ્યક્તિ બનશે.

મૂળ ડીલ, કેન્ટના ફ્રેડીએ બાળકને જન્મ આપ્યો હતો પરંતુ, ઈંગ્લેન્ડ અને વેલ્સમાં જન્મ અને મરણની નોંધણી કરતા જનરલ રજિસ્ટર ઓફિસમાં બાળકના જન્મ પ્રમાણપત્રમાં પોતાની નોંધ પિતા કે પેરન્ટ કરવા આગ્રહ રાખ્યો હતો. રજિસ્ટ્રાર દ્વારા જણાવાયું હતું કે કાયદા અનુસાર જન્મ આપનારની નોંધ માતા તરીકે જ કરી શકાય છે. આથી, મેકકોનેલ દ્વારા જનરલ રજિસ્ટર ઓફિસ વિરુદ્ધ કાનુની કાર્યવાહી કરાઈ હતી.

લંડનની હાઈ કોર્ટના ફેમિલી ડિવિઝનના પ્રેસિડેન્ટ સર એન્ડ્રયુ મેકફારલેન સમક્ષ જણાવાયું હતું કે મેકકોનેલ સિંગલ પેરન્ટ છે જેમનો જન્મ સ્ત્રી તરીકે થયો હતો પરંતુ સર્જરી કરાવાયા પછી હાલ પુરુષ તરીકે રહે છે. તે જૈવિક રીતે ગર્ભાવસ્થા ધારણ કરી જન્મ આપવા સક્ષમ હતો પરંતુ, બાળકનો જન્મ થયો ત્યારે કાયદેસર પુરુષ બન્યો હતો. ફ્રેડીના વકીલની દલીલ છે કે યુકેમાં તેને પોતાના જ બર્થ સર્ટિફિકેટમાં જાતિ બદલાવવાનો અધિકાર છે તો તેના બાળકના બર્થ સર્ટિફિકેટ પર શા માટે નહિ.

સર એન્ડ્રયુએ ચુકાદામાં જણાવ્યું હતું કે, ‘વ્યક્તિના જાતિ-લિંગ અને પેરન્ટ તરીકે તેની ઓળખ વચ્ચે ભૌતિક તફાવત છે. માતાનો દરજ્જો કે ઓળખ અત્યાર સુધી સ્ત્રી સાથે જ સંકળાયેલાં રહ્યાં છે. ગર્ભધારણ અને બાળજન્મની શારીરિક અને જૈવિક પ્રક્રિયામાંથી પસાર થાય તેને આ દરજ્જો મળે છે. અત્યારે કાયદામાં જેની લૈંગિક ઓળખ પુરુષ હોય તે તબીબી અને કાયદેસર રીતે ગર્ભધારણ કરી બાળકને જન્મ આપી શકે છે. વ્યક્તિની જાતિ ‘પુરુષ’ હોય પરંતુ, પેરન્ટ તરીકેની ઓળખ બાળકને જન્મ આપવાની તેમની બાયોલોજિકલ ભૂમિકાના કારણે ઉદ્ભવે છે અને તે માતાની છે.’

ફ્રેડીએ ૨૫ વર્ષની વયથી પુરુષ હોર્મોન ટેસ્ટોસ્ટેરોન લેવાનું ચાલુ કર્યું હતું અને એક વર્ષ પછી છાતીનાં ટિસ્યુઝ દૂર કરાવ્યાં હતાં. જોકે, બાળકની ઈચ્છા હોવાથી ગર્ભાશય દૂર કરવાની હિસ્ટરેક્ટોમી શસ્ત્રક્રિયા કરાવી ન હતી. તેણે વીર્યદાતાના ઉપયોગ અને IVF સારવાર થકી ગર્ભધારણ કર્યો હતો. આ માટે તેણે ટેસ્ટોસ્ટેરોન લેવાનું પણ બંધ કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter