ટ્રાન્સજેન્ડર ફ્રેડીનું પિતા તરીકે રજિસ્ટ્રેશન અસંભવઃ અપીલ કોર્ટ

અગાઉ, હાઈ કોર્ટે સપ્ટેમ્બર ૨૦૧૯માં ચુકાદો આપ્યો હતો કે માતૃત્વની વ્યાખ્યામાં સગર્ભા બની બાળકને જન્મ આપવાનો સમાવેશ થાય છે.

Thursday 07th May 2020 01:12 EDT
 
 

લંડનઃ બાળકને જન્મ આપતા પહેલા પુરુષ તરીકે જીવતા ટ્રાન્સજેન્ડર ફ્રેડી મેકકોનેલની પિતા તરીકે રજિસ્ટ્રેશન કરાવવાની માગણીને અપીલ કોર્ટે પણ ફગાવી દીધી છે. હવે ફ્રેડી તેનો કેસ સુપ્રીમ કોર્ટમાં લઈ જવા માગે છે. આ કેસમાં માતૃત્વ અને ટ્રાન્સજેન્ડરની કાનૂની વ્યાખ્યાઓ મુખ્ય મુદ્દો બની છે.

લોર્ડ ચીફ જસ્ટિસ લોર્ડ બર્નેટના વડપણ હેઠળની કોર્ટ ઓફ અપીલે ઠરાવ્યું હતું કે બાળકના જન્મના સર્ટિફિકેટમાં પેરન્ટની કાનૂની જાતિ લખાવવાના અધિકારની સરખામણીએ ટ્રાન્સજેન્ડર પેરન્ટને જન્મેલા બાળકને તેના જન્મની બાયોલોજિકલ વાસ્તવિકતા જાણવાનો અધિકાર વિશેષ છે. અગાઉ, હાઈ કોર્ટે સપ્ટેમ્બર ૨૦૧૯માં ચુકાદો આપ્યો હતો કે માતૃત્વની વ્યાખ્યામાં સગર્ભા બની બાળકને જન્મ આપવાનો સમાવેશ થાય છે. જન્મ આપનાર વ્યક્તિ કાયદાની દૃષ્ટિએ પુરુષ છે કે સ્ત્રી તે જોવાતું નથી. ફ્રેડી કાયદાનુસાર પુરુષ છે અને તે મુજબનું જાતિ ઓળખ સર્ટિફિકેટ પણ ધરાવે છે છતાં, બાળકના બર્થ સર્ટિફિકેટ પર પિતા તરીકે નોંધ કરાવી શકે નહિ.

૩૪ વર્ષના ટ્રાન્સજેન્ડર ફ્રેડી મેકકોનેલ ફ્રીલાન્સ જર્નાલિસ્ટ છે. તેણે હોર્મોન સારવાર અટકાવી બાળકને જન્મ આપ્યો તે અગાઉ ઘણા વર્ષ પુરુષ તરીકે વીતાવ્યા હતા. તેણે પુરુષ બનવા ૨૦૧૩થી ટેસ્ટોસ્ટેરોન થેરાપી શરુ કરાવી હતી અને ૨૦૧૪માં ડબલ માસ્ટેક્ટોમી શસ્ત્રક્રિયા કરાવી હતી પરંતુ, તેણે સ્ત્રી પ્રજનન અંગો જાળવી રાખ્યા હતા. તેણે હોર્મોન સારવાર બંધ કરાવી માસિક સાઈકલ ચાલુ કરાવવા સાથે ૨૦૧૮માં બાળકને જન્મ આપ્યો હતો.

બાળકના જન્મના રજિસ્ટ્રેશન સમયે તેણે બાળકના પિતા તરીકે નામ નોંધાવવા આગ્રહ રાખ્યો હતો પરંતુ, રજિસ્ટ્રારે નકારતા બે વર્ષ લાંબી કાનૂની લડાઈ શરુ થઈ હતી. લોર્ડ બર્નેટે ઠરાવ્યું હતું કે મોટા ભાગના હેતુઓ માટે જાતિ સર્ટિફિકેટ અપાય ત્યારે કાયદાનુસાર વ્યક્તિને તેણે હાંસલ કરેલી જાતિ તરીકે ઓળખાવાય છે પરંતુ, તેના અપવાદો પણ છે. પાર્લામેન્ટે પસાર કરેલા કાયદામાં માતાની ઓળખ તેની જાતિથી અળગી કરાઈ નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter