ટ્રેઈની વકીલને પેપરવર્કની ભૂલથી કરાયેલી સજા આખરે રદ

Wednesday 18th September 2019 06:10 EDT
 
 

લંડનઃ પેપરવર્કમાં ભૂલને લીધે ટ્રેઈની વકીલ નસરુલ્લા મુર્સલિનને છ મહિનાની સસ્પેન્ડેડ જેલની સજા ફરમાવનારા જજ કામ્બીઝ મોરાદીફરને તેમનો ચુકાદો પાછો લેવાની ફરજ પડી છે. કોર્ટ ઓફ અપીલ દ્વારા તેમના ચુકાદાની ટીકા કરાઈ હતી અને નસરુલ્લા સામેનો કોર્ટના તિરસ્કારનો ગુનો તેમજ સજા બન્ને રદ કરી દીધા હતા. ત્રણ જજે જણાવ્યું હતું કે જજ મોરાદીફરે આપેલો મૂળ ચુકાદો કેટલીક ખામીભરેલો અને ‘યોગ્ય તથા પારદર્શી’ ન હતો.

ગયા જુલાઈમાં રેડિંગની ફેમિલી કોર્ટમાં સુનાવણી દરમિયાન કેસના પેપરો ભૂલથી અન્ય જજને મોકલી અપાયા હોવાનું સાંભળ્યા બાદ જજ મોરાદીફરે નસરુલ્લાને સજા ફરમાવી હતી. મુર્સલિન તરફથી રજૂઆત કરતા વકીલે અપીલ જજોને જણાવ્યું હતું કે અદાલતના તિરસ્કારની સુનાવણી સંબંધિત નિયમો પ્રત્યે ફર્સ્ટ જજે ‘શિષ્ટાચાર વિનાનો અભિગમ’ અપનાવ્યો હતો અને ‘અસાધારણ’ કાર્યવાહી હાથ ધરી હતી. અપીલ કોર્ટે જણાવ્યું હતું કે જજ મોરાદીફરના ચુકાદામાં કેટલીક બાબતો ચિંતા ઉભી કરે તેવી હોવાથી તેને રદ કરવો જ જોઈએ.

લોર્ડ જસ્ટિસ હેન્ડરસને જણાવ્યું હતું કે મુર્સલિનને સજા ફરમાવાઈ તે ‘કમનસીબ ઘટના’ હતી અને હવે તેમના ચારિત્ર્ય પર કોઈ કલંક ન લાગે તે રીતે તેમને આગળ વધવા દેવા જોઈએ. બેરિસ્ટર તરીકે ક્વોલિફાય થવાનું ધ્યેય રાખતા મુર્સલિન પ્રાઈવેટ ફેમિલી કોર્ટ પ્રોસિડિંગ્સ અને ઈમિગ્રેશન ટ્રિબ્યુનલ કેસ એમ બન્નેની કોર્ટમાં રજૂઆત કરતી સોલિસિટર્સની ફર્મમાં કામ કરતા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter