ટ્રેનમાં હિન્દી એશિયન પરિવારની રંગદ્વેષી ટીકાઃ અભિનેતાને ધમકી

Monday 29th May 2017 12:19 EDT
 

લંડનઃ સધર્ન રેલ સર્વિસ દ્વારા ગત રવિવારે બ્રાઈટનથી લંડન વિક્ટોરિયા આવી રહેલા અને પોતાની ઓળખ ન આપવા માગતા ૨૧ વર્ષીય અભિનેતાએ જણાવ્યું હતું કે એક દંપતીએ રંગદ્વેષી ટીકા કરીને એક ભારતીય/હિંદી પરિવારને બૂમો પાડીને ‘અમારા દેશમાંથી ચાલ્યા જાવ’ તેમ કહ્યું હતું. બ્રિટિશ ટ્રાન્સપોર્ટ પોલીસ (BTP) એ તે દંપતીને ટ્રેનમાંથી ઉતારી મૂક્યું હતું અને ૪૧ વર્ષીય પુરુષની ધરપકડ કરી હતી.

અભિનેતાએ જણાવ્યું હતું કે રંગદ્વેષી ટીકાને લીધે તે રોષે ભરાયો હતો અને તેણે દંપતીને આ ખૂબ ખોટું થઈ રહ્યું હોવાનું કહ્યું હતું. બોલાચાલી દરમિયાન આ દંપતીએ અભિનેતા અને તેના મિત્રોને પણ અપશબ્દો કહ્યા હતા. કાર્યક્રમ પૂરો કરીને પરત ફરી રહેલો અભિનેતા ટ્રેનમાં મિત્રો સાથે ટેબલ પર બેઠો હતો ત્યારે આ બનાવ બન્યો હતો. તેમણે BTPને ફરિયાદ કરતા પોલીસે દંપતીને ઉતારી મૂક્યું હતું. ટ્રેનમાંથી ઉતરતા દંપતીએ અન્ય વંશીય લઘુમતી લોકોની ટીકા કરતાં પહેલા આ એક્ટરને માથું ફોડી નાખવાની ધમકી આપી હતી.

તે અગાઉ એશિયન પરિવાર બીજા કમ્પાર્ટમેન્ટમાં જતો રહ્યો હતો. દંપતીમાંથી પુરુષની અયોગ્ય વર્તણુંક તેમજ શસ્ત્ર રાખવાના ગુનાસર ધરપકડ કરી હતી. BTPના પ્રવક્તાએ જણાવ્યું હતું કે બ્રાઈટન અને ક્રોયડન વચ્ચે ટ્રેનમાં રંગદ્વેષી ટીકાના કથિત બનાવની અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. રેલવેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ટ્રેનમાં રંગભેદને લગતી કોઈપણ ઘટના સાંખી લેવાશે નહિ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter