વાચક મિત્રો, કેટલાક સબસ્ક્રાઇબર્સને ગુજરાત સમાચારના અંક ઘણા વિલંબથી મળતા હોવાની અમને કેટલીક ફરિયાદો મળી હતી. આ અંગે અમે રોયલ મેઇલનો ફોન અને મેઇલ પર સંપર્ક કરીને ડિલિવરીમાં વિલંબ અંગે તેમનું ધ્યાન દોર્યું હતું. આ સંદર્ભે તા. ૧૪ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ અમને રોયલ મેઇલના બિઝનેસ કસ્ટમર સર્વીસીસ વિભાગના ડેનેલ કારનો રિપ્લાય મળ્યો છે, જેમાં તેમણે પોસ્ટીંગમાં વિલંબ બદલ દિલગીરી વ્યક્ત કરી છે. ડેનેલ કારે જણાવ્યું છે તે પ્રમાણે, આ સમસ્યા અંગે તેમણે સંબંધિત ડિલિવરી ઓફિસ મેનેજરનો સંપર્ક કરીને વધુ તપાસ કરવા જણાવ્યું હતું. જેમાં જાણવા મળ્યું છે કે સ્ટાફની મોટી સંખ્યામાં ગેરહાજરી અને ફેરબદલના કારણે આમ બની રહ્યું છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા ડિલિવરી ઓફિસ મેનેજર ખૂબ જ મહેનત કરી રહ્યા છે અને વહેલામાં વહેલી તકે ડિલિવરી પહોંચાડવા પ્રયત્નશીલ છે. ડેનેલ કારે પોસ્ટીંગમાં વિલંબ બદલ દિલગીરી વ્યક્ત કરવાની સાથોસાથ મુશ્કેલીના આ સમયે ધીરજ જાળવવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી છે. - વ્યવસ્થાપક


