ડેથ ટેક્સમાં વધારો પડતો મૂકાયો

Monday 24th April 2017 09:43 EDT
 
 

લંડનઃ શોકાતુર પરિવારો પાસેથી હજારો પાઉન્ડ ડેથ ટેક્સ લેવાની યોજના આખરે પડતી મૂકવામાં આવી છે. ગયા મહિને જ જાહેર કરાયેલી યોજનામાં ૧૫૫ પાઉન્ડની પ્રોબેટ ફી એસ્ટેટના કદ અનુસાર ૨૦,૦૦૦ પાઉન્ડ સુધી વધી જવાની હતી. જોકે, ચૂંટણી જાહેર થવાથી મતદાન પર અસર થવાના ભયે આ પગલું પડતું મૂકાયું છે. આના માટે કારણ એ અપાયું છે કે કાયદાને પસાર કરાવવામાં ઘણો ઓછો સમય બાકી રહ્યો છે. આ ટેક્સવધારાથી સરકારને એકસ્ટ્રા ૧.૫ બિલિયન પાઉન્ડની આવક થવાની શક્યતા હતી.

સરકારે અગાઉ પણ સાંસદો અને નાગરિકોના વિરોધના કારણે સ્વરોજગાર ધરાવનારાઓ માટે નેશનલ ઈન્સ્યુરન્સ વધારવાના નિર્ણયને પાછો ખેંચ્યો હતો. ડેથ ટેક્સમાં વધારા સામે પણ રોષ ફેલાયો હતો અને ચૂંટણીમાં તે પ્રચાર મુદ્દો બને તેવી શક્યતા પણ હતી. જસ્ટિસ મિનિસ્ટ્રીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે હવે નવી સરકાર આ મુદ્દે નિર્ણય લેશે.

સ્નેહીજનોના મૃત્યુ પછી તેમની મિલકતોના વહીવટ માટે લગભગ દરેક પરિવારે પ્રોબેટ માટે અરજી કરવાની રહે છે. આ માટે ૨૧૫ પાઉન્ડની અરજી ફી છે. સરકારે આ ચોક્કસ ફીના બદલે એસ્ટેટના કદ અને મૂલ્ય અનુસાર ૫૦,૦૦૦ પાઉન્ડથી ઓછાં મૂલ્યની એસ્ટેટ માટે શૂન્ય અને ૨ મિલિયન પાઉન્ડથી વધુની એસ્ટેટ માટે ૨૦,૦૦૦ પાઉન્ડના ટેક્સની જોગવાઈ કરી હતી. આ મુજબ ૫૦,૦૦૦થી વધુની એસ્ટેટ માટે ૩૦૦ પાઉન્ડ, ૩૦૦,૦૦૦થી વધુની એસ્ટેટ માટે ૧,૦૦૦ પાઉન્ડ, ૫૦૦,૦૦૦થી વધુની એસ્ટેટ માટે ૪,૦૦૦ પાઉન્ડ, એક મિલિયન પાઉન્ડથી વધુની એસ્ટેટ માટે ૮,૦૦૦ પાઉન્ડ, ૧.૬ મિલિયન પાઉન્ડની એસ્ટેટ માટે ૧૨,૦૦૦ પાઉન્ડ તેમજ ૨ મિલિયન પાઉન્ડથી વધુની એસ્ટેટ માટે ૨૦,૦૦૦ પાઉન્ડના ટેક્સની જાહેરાત કરવામાં આવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter