લંડનઃ યુકેના બજેટની રજૂઆતમાં ચાન્સેલર રીવ્ઝ નહિ, પરંતુ ડેપ્યુટી સ્પીકર નુસરત ઘનીએ મેદાન મારી લીધુ હતું જેનાથી નવા રાજકીય સિતારાનો ઉદય સ્પષ્ટપણે નજરે પડ્યો હતો. તાજેતરમાં જ હાઉસ ઓફ કોમન્સમાં ડેપ્યુટી સ્પીકર તરીકે ચૂંટાયેલા નુસરત ઘનીએ તેમના તીક્ષ્ણ હસ્તક્ષેપ, પોલાદ જેવી સત્તા અને અનપેક્ષિત રંગીન ચેકર્ડ ટાઈ પહેરવાં સાથે ભારે ધ્યાન આકર્ષિત કર્યું હતું. તેમના જોરદાર હસ્તક્ષેપોની ક્લિપ્સ તત્કાળ ઓનલાઈન ફરતી થઈ હતી અને રાજકીય ફલકમાં તેમના માટે પ્રસંશાના સૂર ઉઠ્યા હતા.
વેસ્ટમિન્સ્ટરમાં ઘણા માટે માત્ર નુસ તરીકે જાણીતા ઘનીએ એટલા આત્મવિશ્વાસ સાથે બજેટસભાનું સંચાલન કર્યું હતું કે પ્રતિષ્ઠિત નીરિક્ષકો પણ છક થઈ ગયા હતા. ચાન્સેલર રીવ્ઝ એક શબ્દ પણ ઉચ્ચારી શકે તે પહેલા જ ડેપ્યુટી સ્પીકરે બજેટની સંખ્યાબંધ લીક્સને નિરાશાજનક ગણાવી અને પાર્લામેન્ટ પાસેથી અપેક્ષિત માપદંડોથી ઊણાં ઉતરવા બાબતે ઠપકો આપવાં સાથે કાર્યવાહી આરંભી હતી. તેમણે કહ્યું હતું કે, ‘અન્ય ઘણા લોકોની માફક મેં પણ બહેતરની અપેક્ષા રાખી હતી.’
તેમણે પોતાના મજબૂત નિર્ણયો સાથોસાથ બળવાખોર સાંસદોની વાત કાને ધરવાનું નકાર્યું હતું, એક સાંસદને ‘મારે કોઈની મદદ જોઈતી નથી,’ તેમ કહી બેસાડી દીધા હતા. કન્ઝર્વેટિવ સાંસદ ડો. લ્યૂક ઈવાન્સે નસીબ અજમાવવા પ્રયાસ કર્યો ત્યારે ‘ઓર્ડર.. તમે ઘણો અવાજ કરો છો. મને તમારી પાસેથી વધુ સારાની અપેક્ષા હતી. તમારી કોમ્યુનિટીમાં તો તમે લીડર છો.’ કહી તેમની વાત અધવચ્ચેથી કાપી નાખી હતી.
53 વર્ષીય ડેપ્યુટી સ્પીકર નુસરત ઘની પાર્લામેન્ટ માટે નવા નિશાળિયા નથી. તેઓ 2015થી વીલ્ડેનના કન્ઝર્વેટિવ સાંસદ છે અને તેમણે કર્મઠતા, સ્વતંત્રતા અને જરા પણ ચલાવી નહિ લેવાના અભિગમ માટે પ્રતિષ્ઠા હાંસલ કરેલી છે. તેમણે ફોરેન ઓફિસ, કેબિનેટ ઓફિસ, ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ અને ડિપાર્ટમેન્ટ ફોર બિઝનેસ એન્ડ ટ્રેડમાં મિનિસ્ટર તરીકે કામગીરી બજાવેલી છે. તેમણે 2018માં ડિસ્પેચ બોક્સ તરફથી બોલનારાં પ્રથમ મુસ્લિમ મહિલા મિનિસ્ટર તરીકે ઈતિહાસ રચ્યો હતો. તેમણે જુલાઈ 2024માં ચેરમેન ઓફ વેઝ એન્ડ મીન્સ તેમજ ડેપ્યુટી સ્પીકર તરીકેની સૌથી મહત્ત્વપૂર્ણ ભૂમિકા હાથ પર લેવાં સાથે કોમન્સ ચેરમાં અધ્યક્ષસ્થાન સંભાળનારા વંશીય લઘુમતીના સૌપ્રથમ સાંસદ તરીકે નામના હાંસલ કરી હતી. તેમની જવાબદારીઓમાં સમગ્ર હાઉસની કમિટીઓનાં અધ્યક્ષસ્થાન ઉપરાંત, વેસ્ટમિન્સ્ટર હોલ મીટિંગ્સની વ્યવસ્થા અને પ્રાઈવેટ બિલ્સ પર દેખરેખ સહિતનો સમાવેશ થાય છે. આ તમામ કાર્યો તેઓ પોતાના ટ્રેડમાર્ક સમાન સ્પષ્ટતા અને શિસ્ત સાથે નિભાવે છે જે બજેટના દિવસે જોવા મળી હતી.
પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં જન્મેલાં અને બર્મિંગહામમાં ઉછરેલાં નુસરત ઘનીએ બોર્ડેસ્લી ગ્રીન ગર્લ્સ સ્કૂલમાં શિક્ષણ મેળવ્યાં પછી બર્મિંગહામ સિટી યુનિવર્સિટીમાં ગવર્મેન્ટ એન્ડ પોલિટિક્સનો અભ્યાસ કર્યો અને યુનિવર્સિટી ઓફ લીડ્ઝ ખાતે ઈન્ટરનેશનલ રિલેશન્સમાં માસ્ટર્સ કર્યું હતું. બજેટસત્રમાં તેમના અભ્યાસ નહિ, પરંતુ હાજરી એ જ બધા પાસે નોંધ લેવડાવી છે. તેમણે કોમન્સને શિસ્તમાં રાખ્યું એટલું જ નહિ, પોતે વેસ્ટમિન્સ્ટરના નોંધ લેવાપાત્ર સત્તાના નવા ખેલાડીઓમાં એક હોવાની પ્રતીતિ પણ કરાવી છે.


