લંડનઃ ઈંગ્લેન્ડ અને વેલ્સના સ્વતંત્ર ચેરિટી કમિશને હેરોસ્થિત ડેવોન ચેરિટેબલ ટ્રસ્ટ (1106720) સામે સ્ટેટ્યુટરી ઈન્ક્વાયરી શરુ કરી તેના બેન્ક એકાઉન્ટને સ્થગિત કરી દીધું છે. ગરીબીનિવારણ અને રાહતકાર્યની ધાર્મિક ચેરિટીના સખાવતી ફંડના ૮૫૦,૦૦૦ પાઉન્ડ એક ટ્રસ્ટીના ખાતામાં ટ્રાન્સફર કરાયાનું બહાર આવતા તપાસ શરુ થઈ છે. આવી ટ્રન્સફર શા માટે કરાઈ અને તેનાથી ચેરિટીના હેતુ કેવી રીતે સચવાય તે બાબત અસ્પષ્ટ છે કમિશને નિવેદનમાં જણાવ્યું છે કે દાનની રકમો ચેરિટીના ખાતામાં યોગ્યપણે જમા કરાવાતી ન હોવાની તેને ચિંતા છે.
ચેરિટી કમિશનને ઓગસ્ટ ૨૦૧૮થી ચેરિટીના સંચાલન અને વહીવટ સંબંધે ચિંતા થઈ હતી. રેગ્યુલેટર દ્વારા અગાઉ જે નિયંત્રક માર્ગદર્શન અપાયું હતું તેનો અમલ પણ ચેરિટી દ્વારા કરાયો છે કે નહિ તેની તપાસ પણ કરાશે. ચેરિટી તેના હિસાબો સમયસર ફાઈલ કરવામાં નિષ્ફળ રહી છે ત્યારે આ તપાસ શરુ કરાઈ હોવાનું પણ રેગ્યુલેટરે જણાવ્યું છે. ચેરિટી રજિસ્ટરની માહિતી અનુસાર ચેરિટીની નાણાકીય માહિતી ૧૦ મહિના મોડી છે.
ચેરિટીની આવક માર્ચ ૨૦૧૭ સુધીના વર્ષ માટે ૪૨૪,૦૦૦ પાઉન્ડ હતી. કમિશને એમ પણ જણાવ્યું હતું કે ટ્રસ્ટી બોર્ડમાં હિતોના સંઘર્ષો મુદ્દે પણ તે તપાસ કરશે. વર્ષ ૨૦૦૪માં સ્થપાયેલી ચેરિટી કેનેડા, ભારત, યુનાઈટેડ સ્ટેટ્સ અને યુનાઈટેડ કિંગ્ડમમાં કાર્યરત છે.
ડેવોન ચેરિટેબલ ટ્રસ્ટનો વહીવટ છ ટ્રસ્ટીઓ મારફત કરાય છે અને કમિશનમાં તેનું સરનામુ Flat 9, Cornerways, 112 Sudbury Court Road, Harrow, HA1 3SJ તરીકે નોંધણી કરાયેલું છે. તેના ટ્રસ્ટીઓમાં પુરુષોત્તમ એમ. મજિઠીઆ, નિશાકુમારી પુરુષોત્તમ મજિઠીઆ, મંજુલા વ્રજલાલ રાડિઆ, લીલાવતી મજિઠીઆ, જય ડાબ્બા અને વ્રજલાલ કાનજી રાડિઆનો સમાવેશ થાય છે.

