ડો. ઓપિન્દરજિત કોર ટખર MBE એવોર્ડથી સન્માનિત થયાં

Friday 07th December 2018 07:15 EST
 
 

લંડનઃ યુનિવર્સિટી ઓફ વુલ્વરહમ્પટનના એકેડેમિક ડો. ઓપિન્દરજિત કોર ટખરને શીખ કોમ્યુનિટી સંબંધિત સંશોધન માટે પ્રિન્સ ચાર્લ્સ, પ્રિન્સ ઓફ વેલ્સના હસ્તે બકિંગહામ પેલેસ ખાતે MBE એવોર્ડથી સન્માનિત કરાયાં હતાં. ડો. ટખર યુનિવર્સિટી ખાતે તાજેતરમાં લોન્ચ કરાયેલા સેન્ટર ફોર શીખ એન્ડ પંજાબી સ્ટડીઝના ડાયરેક્ટર તેમજ ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં રીલિજિયસ સ્ટડીના સીનિયર લેક્ચરર છે. તેમને ક્વીન દ્વારા ન્યૂ યર ઓનર્સ લિસ્ટમાં એવોર્ડની જાહેરાત કરાઈ હતી.

ડર્બીના ડો. ટખર શીખ કોમ્યુનિટી સંબંધિત વિષયો તેમજ જ્ઞાતિ અને લૈંગિક સમતુલા સહિતના વિષયોમાં સંશોધન માટે પ્રખ્યાત છે. તેમણે વેસ્ટ મિડલેન્ડ્સમાં અને તેની બહાર શીખ કોમ્યુનિટી અંગે સંશોધન કરેલું છે. હાયર એજ્યુકેશન એકેડેમીના ફેલો ડો. ટખર કેનેડામાં જર્નલ ફોર રીલિજિયન્સ ઓફ સાઉથ એશિયા તેમજ જર્નલ શીખ ફોર્મેશન માટે એડિટોરિયલ બોર્ડના સભ્ય પણ છે. ડો. ટખરે વિશ્વની અનેક યુનિવર્સિટીઓમાં પોતાનાં સંશોધનો રજૂ કર્યાં છે. તેમણે ફીલોસોફી એન્ડ એથિક્સ વિશે OCR GCSEના અભ્યાસક્રમો માટે ટેક્સ્ટબુક્સ અને ટીચર્સ ગાઈડ પણ લખ્યાં છે. શીખ આઈડેન્ટિટી વિશે તેમનું ૨૦૦૫નું પુસ્તક વિશ્વની યુનિવર્સિટીઓમાં ભણાવાય છે. તેઓ બ્રિટિશ શીખ રિપોર્ટ તેમજ યુકે શીખ સર્વેમાં નોંધપાત્ર યોગદાન આપતાં રહે છે તેમજ ૨૦૧૫ની બ્રિટિશ પાર્લામેન્ટ ચૂંટણીમાં શીખ નેટવર્ક (યુકે) દ્વારા તૈયાર કરાયેલા શીખ મેનિફેસ્ટોના લેખકોમાં તેઓ પણ એક હતાં.

ડો. ટખરે જણાવ્યું હતું કે,‘બકિંગહામ પેલેસ ખાતે આવું પ્રતિષ્ઠિત સન્માન મેળવવાં બદલ હું ભારે રોમાંચ અને વિનમ્રતા અનુઙવું છું. હું ધાર્મિક કોમ્યુનિટીઝને સાથે લાવવા પ્રતિબદ્ધ રહેવાં સાથે શીખ કોમ્યુનિટીના પ્રોફાઈલને ઉંચુ લાવવા કાર્ય કરીશ. મારાં સંશોધનો આપણા વિદ્યાર્થીઓ તેમજ કોમ્યુનિટીઓના જીવનને સમૃદ્ધ બનાવી રહ્યાં હોવાની મને આશા છે.’

યુનિવર્સિટી ઓફ વુલ્વરહમ્પટનના વાઈસ ચાન્સેલર પ્રોફેસર જ્યોફ લેયરે આ સન્માન હાંસલ કરવા બદલ યુનિવર્સિટી તેમજ સહુ વતી ડો. ટખરને અભિનંદન પાઠવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter