ડો. કમલ હોથીને બેન્કિંગ ક્ષેત્રની સેવાની કદરરુપે OBE જાહેર

Wednesday 21st June 2017 06:31 EDT
 
 

લંડનઃ લોઈડ્સ બેન્કિંગ ગ્રૂપના રિસ્પોન્સિબલ બિઝનેસ સ્પેશિયલ પ્રોજેક્ટ્સના વડા ડો. કમલ હોથીને બેન્કિંગ ક્ષેત્રમાં ડાઈવર્સિટીની સેવાની કદર કરી ક્વીન્સ બર્થડે ઓનર્સ લિસ્ટમાં OBE (ઓર્ડર ઓફ બ્રિટિશ એમ્પાયર) ઈલકાબની જાહેરાત કરવામાં આવી છે.

કમલ છ વર્ષની વયે તેમના પરિવાર સાથે ભારતથી સ્લાઉ વસવાટ કરવા આવ્યાં હતાં. શાળા છોડ્યાં પછી તેમણે TSB (લોઈડ્સ બેન્ક સાથે મર્જર અગાઉ)માં કેશિયર તરીકે નોકરી સ્વીકારી હતી. તેઓ કારકિર્દીના પંથે આગળ વધતાં મેઈડનહીડ ખાતે આસિસ્ટન્ટ મેનેજર અને તે પછી વોલ્ટન ઓન થેમ્સ ખાતે તેમનમા પ્રથમ એશિયન બેન્ક મેનેજર બનવાનું સન્માન પ્રાપ્ત કર્યું હતું. બેન્કની અન્ય શાખાઓમાં કાર્ય પછી તેઓ TSB અને લોઈડ્સ બેન્કના વિલિનીકરણ સુધી ૧૬૦ બ્રાન્ચને આવરી લેતી થેમ્સ વેલી ખાતે એરિયા મેનેજર બન્યાં હતાં. તેમને મર્જરમાં સહાયરુપ બનવા જણાવી લંડનની હેડ ઓફિસમાં ટ્રાન્સફર કરાઈ હતી.

આ પછી તેઓ આગળ વધતાં જ ગયાં અને ૩૮ વર્ષના બેન્કિંગ અનુભવ પછી સમગ્ર લોઈડ્સ બેન્કિંગ ગ્રૂપમાં એશિયન સ્ટ્રેટેજી પાછળના સ્થપતિ તરીકે તેમની કદર કરાઈ છે. સોશિયલ એજન્ડાના ભાગરુપે ડો. હોથીએ પ્રિન્સ ચાર્લ્સની ચેરિટી સાથે બિઝનેસ કનેક્ટર પ્રોગ્રામ તેમજ સ્કૂલ ફોર સોશિયલ એન્ટ્રેપ્રીન્યોર્સ સાથે પ્રોગ્રામ તૈયાર કરવામાં મદદ કરી હતી. લોઈડ્સ બેન્કની ૨૫૦મી વર્ષગાંઠ ઉજવણી અભિયાન સહિત સંખ્યાબંધ પ્રોજેક્ટસ તેમણે સંભાળ્યાં છે. તેમણે ગ્રૂપના ૮૦,૦૦૦ સાથીઓ માટે સ્કીલ્સ વોલન્ટીઅરીંગ સ્ટ્રેટેજી વિકસાવી હતી,જેણે કોર્પોરેટ્સ અને કેબિનેટ ઓફિસનું ધ્યાન પણ ખેંચ્યું છે.

પોતાની કદર અંગે બોલતાં કમલ હોથી જણાવે છે કે,‘આ રીતે મારું સન્માન કરાતાં હું વિનમ્રતાની લાગણી અનુભવું છું. પરંતું, આ સન્માન મારાં માતાપિતા માટે છે, જેમણે ભારત અને પાકિસ્તાનનું વિભાજન, મોટા પાયે નિર્વાસિતોનું સ્થળાંતર નિહાળ્યું હતું અને સારા ભવિષ્ય માટે અમને યુકે લઈ આવ્યાં હતાં. જો મારાં માતાપિતા આજે હોત તો ક્વીન પાસેથી OBE મેળવતા એક વાત પુરવાર થઈ હોત કે તમારી પશ્ચાદભૂ ગમે તે હોય, તમારી મહેનતની કદર થાય જ છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter