લંડનઃ બ્રિટને મેડિસિન ક્ષેત્રમાં એક પ્રણેતાને ગુમાવી દીધા છે. ડો. કૈલાસ ચંદ OBEનું ૨૬ જુલાઈએ ૭૩ વર્ષની વયે કાર્ડિયાક એરેસ્ટથી માન્ચેસ્ટરમાં અવસાન થયું હોવાની માહિતી તેમના પુત્ર ડો. અસીમ મલ્હોત્રાએ આપી હતી. તેઓ BMAના માનદ વાઈસ પ્રેસિડેન્ટ, BMA કાઉન્સિલના પૂર્વ ડેપ્યુટી અધ્યક્ષ અને NHS ટ્રસ્ટના અધ્યક્ષ હતા. BMA, BAPIO સહિત તમામ મેડિકલ સંસ્થાઓ અને તેમના ચાહક એવા પ્રતિષ્ઠિત ડોક્ટર્સ તરફથી શ્રદ્ધાંજલિનો અવિરત પ્રવાહ વહી રહ્યો છે.
કૈલાસ ચંદનો જન્મ ઉત્તર ભારતના સિમલા ખાતે ૧૯૪૮માં થયો હતો. તેમના પિતા બારતીય રેલવેમાં હતા અને કેલાસ ચંદે પંજાબમાં શિક્ષણ મેળવ્યું હતું. તેઓ પંજાબી યુનિવર્સિટી પટિયાલામાંથી મેડિસીનના સ્નાતક બન્યા હતા અને કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાં મેડિકલ ઓફિસર તરીકે નોકરી શરુ કરી હતી. યુકેના લિવરપૂલમાં એલ્ડર હે હોસ્પિટલમાં જોડાવા અને લિવરપુલ યુનિવર્સિટીમાં ટ્રોપિકલ મેડિસીનના ઉચ્ચ અભ્યાસ માટે ભારતથી આવ્યા તે પહેલા તેમના લગ્ન થયા હતા અને તેમને બે બાળકો પણ હતા.
તેમનો ઈરાદો અભ્યાસ પૂર્ણ થયા પછી ભારતમાં પરિવાર સાથે રહેવાનો હતો પરંતુ, પત્ની અને બાળકો યુકે આવ્યા પછી તેમણે અહીં જ વસવાટનો નિર્ણય લીધો હતો. યુકેમાં ૧૫૦,૦૦૦ ડોક્ટર્સનું પ્રતિનિધિત્વ કરતા સંગઠન બ્રિટિશ મેડિકલ એસોસિયેશન (BMA) કાઉન્સિલના ડેપ્યુટી ચેરમેન તરીકે ચૂંટાવાનું બહુમાન મેળવનારા ડો. ચંદ પ્રથમ એશિયન બન્યા હતા.
ડો. કૈલાસ ચંદે એશ્ટન અંડર લાયનેમાં GP તરીકે ૨૫ વર્ષ સેવા આપી હતી અને ડોક્ટર મેગેઝિન તરફથી ‘ડેડિકેટેડ ડોક્ટર ઓફ ધ યર’ તેમજ રોયલ કોલેજ ઓફ જનરલ પ્રેક્ટિશનર્સ તરફથી ‘GP ઓફ ધ યર’ ઉપરાંત, અનેક સન્માન પ્રાપ્ત કર્યા હતા. તેઓ બ્રિટિશ મેડિકલ એસોસિયેશનના સીનિયર ફેલો પણ હતા અને NHSને સેવા આપવા બદલ તેમને ક્વીન તરફથી OBE સન્માન એનાયત કરાયું હતું. ડો. ચંદ GP અને ટેમસાઈડ એન્ડ ગ્લોસોપ પ્રાઈમરી કેર ટ્રસ્ટના ચેરમેનપદેથી નિવૃત્ત થયા હતા. તેમની પત્ની ડો. અનીષા મલ્હોત્રાનું ૨૦૧૮માં અવસાન થયું હતું.
ડો. ચંદે પોતાના જીવનના આખરી પડાવમાં પણ NHS હેલ્થ કેર વર્કર્સને મૂંઝવતા મુદ્દાઓ પર કેમ્પેઈન ચલાવ્યું હતું. તેમણે સાજિદ જાવિદને લખેલા એક ટ્વીટમાં કોવિડથી ડરવાનું અટકવાનું જણાવવાને ‘મુર્ખામી સાથે વણાયેલી ઉદ્ધતાઈ અને વિશાળ અહંકાર!’ની ભાષા તરીકે ગણાવા સાથે જાવિદે માગેલી માફીને અર્થહીન કહી હતી.
હકીકત તો એ છે કે NHS તેમના દિલમાં વણાઈ ગઈ હતી જેનું પ્રતિબિંબ તેમના સૌથી વધુ યાદગાર આખરી ટ્વીટ્સમાં જોવા મળે છે. ડો. ચંદે ટ્વીટમાં જણાવ્યું હતું કે,‘ જિંદગીનો બોધપાઠ એ છે કે તમારા કાર્યો શબ્દોથી વધુ ઊંચા સ્વરે બોલે છે. આપણે ભલે વારંવાર માફી માગતા રહીએ પરંતુ, આપણા કાર્યો નહિ બદલાય તો શબ્દો ખોખલા-અર્થહીન બની રહેશે... ! ‘પરિવર્તનનો આરંભ કરો.’...’