ડો. નટુભાઈ શાહની જીવન ઝરમર

- લીના શાહ – અજય શાહ Tuesday 08th March 2022 12:15 EST
 
 

અત્યંત ખેદ સાથે જણાવવાનું કે ડો. નટુભાઈ શાહનું તા. 6 માર્ચ 2022 ને રવિવારે લંડન ખાતે દુઃખદ અવસાન થયું છે. ડો. નટુભાઈ જૈન નેટવર્કના ચેર અને સીઈઓ હતા. તેઓ કેટલાંક દસકાથી દુનિયાભરમાં જૈન મૂલ્યોના પ્રચાર – પ્રસાર માટે તેમના અથાગ અને દૂરંદેશી નેતૃત્વ માટે જાણીતા હતા. તેમણે જૈન સમુદાયો વચ્ચે એકતા સ્થાપી હતી અને અન્ય ધર્મો સાથે પણ મજબૂત સંબંધો સ્થાપ્યા હતા. જૈન મૂલ્યોના પ્રચાર – પ્રસાર માટે તેમણે શૈક્ષણિક પ્રવચનોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. તેઓ સ્થાનિક અને રાષ્ટ્રીય અગ્રણીઓ સાથે જોડાયા અને લાંબા સમય સુધી અસરકારક રહે તેવા પ્રોજેક્ટ્સનું તેમણે સંચાલન કર્યું. તેમાં સૌથી મોખરે ૧૯૮૮માં તેમણે લેસ્ટરમાં જૈન સેન્ટરની સ્થાપના કરી તે હતું. પરંપરાગત ઈંગ્લિશ શહેરની મધ્યમાં અદભૂત સ્થાપત્ય અને સમુદાય માટે પૂજા તથા પ્રવૃત્તિઓનું તે આજની તારીખે પણ કેન્દ્ર રહ્યું છે.

રિટાયર્ડ મેડિકલ પ્રેક્ટિશનર નટુભાઈ શાહ સાચા અર્થમાં સ્કોલર હતા. તેમણે નિવૃત્તિ પછી જૈન ધર્મમાં PhDની ડિગ્રી મેળવી હતી. તેમણે ઘણું લેખન કર્યું છે. તેમાં ‘Jainism: The World of Conquerors’નો સમાવેશ થાય છે. તેમણે કેટલીક ટોચની ઈન્ટરનેશનલ યુનિવર્સિટીમાં ‘જૈન સ્ટડીઝ’ ડિપાર્ટમેન્ટની સ્થાપનામાં યોગદાન આપ્યું હતું. તેમણે આવી વિદ્વત્તાપૂર્ણ પ્રવૃત્તિઓના પ્રચાર – પ્રસાર માટે મંચ તરીકે જૈન એકેડમીની સ્થાપના પણ કરી હતી. તેઓ યુનિવર્સિટી ઓફ એન્ટવર્પ (બેલ્જિયમ) ખાતે જૈન સ્ટડીઝમાં વિઝિટીંગ પ્રોફેસરશિપ ધરાવતા હતા. તેમણે ગરીબી નાબૂદી માટે અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવા માટે ઈન્ટરનેશનલ વેલ્ફેર ચેરિટી ‘અહિંસા ફોર ક્વોલિટી ઓફ લાઈફ’ની સ્થાપના કરી હતી.

યુકેમાં ઈન્ટરફેથ એક્ટિવિટીઝની શરૂઆતમાં તેમનું ખૂબ મહત્ત્વનું યોગદાન હતું. તેઓ ખ્રિસ્તી, યહૂદી અને અન્ય ધર્મોના વડાઓ સાથે મળીને કાર્ય કરતા હતા. તેમને દેશના મહત્ત્વના કાર્યક્રમોમાં યુકે જૈન કોમ્યુનિટીના પ્રતિનિધિ તરીકે નિયમિતપણે આમંત્રણ અપાતું હતું.

શ્રી નટુભાઈનો છેલ્લો અને ખૂબ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ લંડનના કોલીન્ડલમાં જૈન સેન્ટર સ્થાપવાનો હતો. તેનું કાર્ય પૂર્ણતાની નજીક છે અને 2023માં તેની પ્રતિષ્ઠાનું આયોજન છે. તે ભવ્ય ૧૦૮ પાર્શ્વનાથ જીનાલય, કોમ્યુનિટી સેન્ટર, મલ્ટિફેઇથ સેન્ટર, તમામ જૈન પરંપરાના અભ્યાસ અને પૂજાનું સ્થળ અને આદી બહુવિધ પ્રવૃત્તિઓ સાથેનું ત્રણ માળનું જૈન સેન્ટર છે, જે વૈશ્વિક સ્તરે જૈન ધર્મ અને જૈન મૂલ્યોના પ્રચાર – પ્રસાર માટેનું આદર્શ કેન્દ્ર બનશે.

ડો. નટુભાઈ શાહનો જન્મ મહેમદપૂરમાં થયો હતો. તેઓ તેમના પરિવારમાં અભ્યાસ માટે યુનિવર્સિટી જનારા અને ડોક્ટરની ડિગ્રી મેળવનારા પ્રથમ સભ્ય હતા. 1968માં તેઓ તેમના પત્ની ભાનુમતીબેન સાથે લેસ્ટર (યુકે) આવ્યા હતા. તેઓ ધાર્મિક, શૈક્ષણિક, સામાજિક અને ચેરિટેબલ કાર્ય સાથે સંકળાયા તે અગાઉ ખૂબ સફળ જનરલ પ્રેક્ટિશનર હતા. તેમને હંમેશા તેમના પત્ની ભાનુમતીબેનનો સહયોગ પ્રાપ્ત હતો. તેઓ બ્રીજ ગેમના નિષ્ણાત હતા. 1997માં તેઓ લેસ્ટરથી લંડન આવ્યા. પરંતુ, નટુભાઈ માટે ‘રિટાયરમેન્ટ’ માત્ર દવા નહીં ફૂલટાઈમ જોબ હતી. તેમને ઘણાં એવોર્ડ મળ્યા હતા. તેમાં 2001માં ભારતના વડા પ્રધાનના હસ્તે ‘જૈન રત્ન’ એવોર્ડ, 2012માં હર મેજેસ્ટી ધ ક્વિનના હસ્તે ‘MBE’, અમેરિકન બાયોગ્રાફિક ઈન્સ્ટિટ્યુટ દ્વારા ‘મેન ઓફ ધ યર’ અને લંડન બરો ઓફ બાર્નેટ દ્વારા અપાયેલ સિવિક એવોર્ડ મુખ્ય હતા. Who’s Who International અને અમેરિકન બાયોગ્રાફિકલ ઈન્ટરનેશનલ બુક ઓફ ઓનર, 5000 Personalities of the World માં તેમને સ્થાન મળ્યું હતું.

નટુભાઈ ખૂબ ઉર્જા, દ્રઢ સંકલ્પ અને સમર્પણ સાથે પોતાનું જીવન જીવ્યા હતા. સ્વભાવે કોમળ હોવાની સાથે સાથે ક્યારેક તેઓ કઠોર લાગતા હતા, જે તેમની ક્ષમતા હતી. તેઓ હંમેશા જટિલ કાર્યોને પૂર્ણ કરવા માટે તત્પર રહેતા હતા. આ પ્રવૃત્તિઓમાં તેઓ હંમેશા યુવા પેઢીને સામેલ કરવાનો પ્રયાસ કરતા હતા. નોંધપાત્ર વાત તો એ છે કે તેમના જીવનના 90મા વર્ષ સુધી અને દેખીતી રીતે જ અંત સુધી તેઓ સંપૂર્ણપણે સ્વતંત્ર અને સક્રિય રહ્યા હતા.

સ્વ. નટુભાઈ તેમની પાછળ તેમના પુત્રી લીના, પુત્ર સમીર, જમાઈ અજય, પુત્રવધૂ નીતા અને ચાર ગ્રાન્ડચીલ્ડ્રન રવિ, જસ્મીન, અલ્યાસા અને રાજીવને છોડી ગયા છે. તેમણે જીવનભર કરેલા સમાજસેવાના ઉમદા અને શ્રેષ્ઠ કાર્યોથી તેઓ હંમેશા સૌને યાદ રહેશે.

નવનાત વણિક એસોસિએશન દ્વારા શ્રદ્ધાંજલિ

નવનાત વણિક એસોસિએશને પણ ડો. નટુભાઈ શાહના અવસાન અંગે દુઃખ અને ઘેરો શોક વ્યક્ત કર્યો હતો. વર્ષો સુધી જૈન સમુદાયના વિકાસ માટે અને સમુદાયને એકસૂત્રે સાંકળવા માટે તથા જૈન મૂલ્યોના પ્રચાર અને પ્રસાર માટે ડો. નટુભાઈ શાહે કરેલા કાર્યોને એસોસિએશન દ્વારા બીરદાવવામાં આવ્યા હતા. તેમના જવાથી જૈન સમુદાયને મોટી ખોટ પડી હોવાનું જણાવીને એસોસિએશન દ્વારા સ્વ. નટુભાઈ શાહના આત્માને પ્રભુ ચિર શાંતિ અર્પે તેવી લાગણી વ્યક્ત કરાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter