ડો. નિક કોટેચા OBE DL યુનિવર્સિટી ઓફ લેસ્ટરના નવા પ્રો-ચાન્સેલરપદે નિયુક્ત

Wednesday 29th July 2026 09:46 EDT
 
 

લંડનઃ યુનિવર્સિટી ઓફ લેસ્ટર દ્વારા સાયન્ટિસ્ટ, એન્ટ્રેપ્રીન્યોર અને ફીલાન્થ્રોપિસ્ટ ડો. નિક કોટેચા OBE DLને તેના નવા પ્રો-ચાન્સેલર (Enterprise) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ 1 સપ્ટેમ્બર 2026થી આ માનદ પોઝિશન સંભાળશે. યુનિવર્સિટીઓ આર્થિક વૃદ્ધિને વધારવા અને પ્રાદેશિક સમૃદ્ધિને સપોર્ટ કરવાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે ત્યારે ડો. નિક કોટેચાની નિયુક્તિ બિઝનેસ, ઈનોવેશન અને એન્ટ્રેપ્રીન્યોરશિપ સાથે યુનિવર્સિટીની કામગીરીને મજબૂત બનાવશે.

નિર્વાસિત તરીકે લેસ્ટરમાં આવેલા ડો. કોટેચાએ 1991માં તેમના ઘરના ગેરેજમાંથી મોર્નિંગસાઈડ ફાર્માસ્યુટિકલ લિમિટેડની સ્થાપના કરી હતી. આ બિઝનેસ 120થી વધુ દેશોમાં મેડિસિન્સના ગ્લોબલ સપ્લાયર તરીકે વિકસ્યો છે.

તેઓને એન્ટ્રેપ્રીન્યોરશિપ, ઈનોવેશન અને ફીલાન્થ્રોપી ક્ષેત્રોમાં સેવા બદલ OBE એનાયત કરાયો છે. તેઓ રેન્ડાલસન કેપિટલના સ્થાપક અને ચેરમેન પણ છે અને સંખ્યાબંધ પ્રભાવશાળી રાષ્ટ્રીય અને રીજિયોનેલ બિઝનેસ, ઈનોવેશન અને સિવિક ભૂમિકાઓ ધરાવે છે. લાંબા સમયથી યુનિવર્સિટીના સમર્થક રહેલા ડો. કોટેચાને 2023માં લેસ્ટર યુનિવર્સિટી દ્વારા ઓનરરી ડોક્ટર ઓફ સાયન્સ ડીગ્રી એનાયત કરાઈ હતી. તેમણે પત્ની મોની સાથે મળીને 2017માં સ્થાપેલા રેન્ડાલ ફાઉન્ડેશન થકી લેસ્ટર મેડિકલ સ્કૂલ તેમજ બ્યુમોન્ટ લેઝમાં ઈન્ટુયુનિવર્સિટી સેન્ટરની સ્થાપના સહિત અનેક ઈનિશિયેટિવ્ઝને તેમણે સપોર્ટ કર્યો છે. તેમનું ફાઉન્ડેશન વિશ્વમાં એક મિલિયન જીંદગીઓ બચાવવાની મહત્ત્વાકાંક્ષા પાર પાડવા પાર્ટનર્સ અને સંસ્થાઓ સાથે મળીને કામ કરે છે. તેમના વ્યાપક વર્તમાન ગ્લોબલ બિઝનેસ પોર્ટફોલીઓમાં હેલ્થ, લાઈફ સાઈન્સીસ અને ઉચ્ચ ઈનોવેશન્સ, IP રીચ બિઝનેસીસમાં રસ સાથે સ્ટાર્ટ-અપ્સથી માંડી પેશન્ટ કેપિટલમાં રોકાણોનો સમાવેશ થાય છે.

ડો. નિક કોટેચાએ જણાવ્યું હતું કે,‘ યુનિવર્સિટી ઓફ લેસ્ટરમાં પ્રો-ચાન્સેલર (Enterprise) તરીકે નિયુક્ત કરાવાથી મને ઘણો આનંદ થયો છે. લેસ્ટરમાં ઉછેર થયો હોવાથી શહેરની ઓળખમાં યુનિવર્સિટી હંમેશાંથી અગ્ર હિસ્સો બની રહેલ છે. રાષ્ટ્રીય માન્યતા સાથે શૈક્ષણિક ઉત્કૃષ્ટતાના કેન્દ્ર તરીકે જ નહિ, આપણા શહેર અને દેશમાં નાગરિક, આર્થિક અને નવતર પહેલના ગતિશીલ બળ તરીકે અસામાન્ય યોગદાન તેના દ્વારા અપાયું છે મેં નજરે નિહાળ્યું છે. યુનિવર્સિટીના મહત્ત્વાકાંક્ષી એન્ટરપ્રાઈઝ અને ઈનોવેશન એજન્ડાના સતત વિકાસ, બિઝનેસ, ઈન્ડસ્ટ્રી અને વ્યાપક કોમ્યુનિટી સાથેના સંપર્કોને મજબૂત બનાવવામાં તેને સપોર્ટ આપવા હું ઉત્સુક છું. વિશ્વસ્તરીય સંશોધનને વાસ્તવિક અસરમાં ફેરવતી તકોના સર્જન તેમજ યુનિવર્સિટી ઓફ લેસ્ટરના અનુભવની વ્યાખ્યા કરતા અભૂતપૂર્વ શિક્ષણ, સંશોધન અને ઈનોવેશનમાં શક્ય હોય તે રીતે યોગદાન આપવા યુનિવર્સિટીની લીડરશિપ ટીમ સાથે કામ કરવા હું ઉત્સાહી છું.’

યુનિવર્સિટી ઓફ લેસ્ટરના પ્રેસિડેન્ટ અને વાઈસ ચાન્સેલર પ્રોફેસર નિશાન કાનાગારાજાહે જણાવ્યું હતું કે,‘ લોકો અને કોમ્યુનિટીઓ માટે તકોના સર્જન અને આર્થિક વૃદ્ધિને સપોર્ટ કરીને યુનિવર્સિટીઓએ ઈનોવેશનને આગળ વધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવવાની હોય છે. નિક બિઝનેસ, એન્ટરપ્રાઈજ અને ઈનોવેશન ક્ષેત્રોનો અસામાન્ય અનુભવ અને સમજ લઈને આવે છે અને અમે સંશોધન અને એન્ટરપ્રાઈઝ મહત્ત્વાકાંક્ષાઓને વિકસાવતા રહીશું ત્યારે તેઓ યુનિવર્સિટી માટે મજબૂત હિમાયતી બની રહેશે.’

લેસ્ટર યુનિવર્સિટી દ્વારા 2023માં ડો. વિજય શર્માની પ્રો-ચાન્સેલર (કોમ્યુનિટી એન્ગેજમેન્ટ)ની નિયુક્તિ કરાયા પછી પ્રોફેસર રોબિન ગ્રેહામ-બ્રાઉનને પ્રો-ચાન્સેલર (ફીલાન્થ્રોપી) તરીકે નિયુક્ત કરાયા છે. આ સાથે, કોમ્યુનિટી સાથે સંપર્કો, ફીલાન્થ્રોપી અને એન્ટરપ્રાઈઝ ક્ષેત્રોમાં બાહ્ય પ્રભાવ અને પહોંચને વ્યાપક બનાવાયાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter