લંડનઃ લોર્ડ ભીખુ પારેખ દ્વારા હાઉસ ઓફ લોર્ડ્સમાં 29 એપ્રિલ 2025ના રોજ ડો. પુલક સહાય લિખિત કાવ્યસંગ્રહ પુસ્તક ‘એ બેન્કવેટ ઓફ પોએમ્સ’નાં લોન્ચિંગ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં એમેરિટસ પ્રોફેસર અને ડબ્લિનની ટ્રિનિટી કોલેજની મેડિકલ ફેકલ્ટીના પૂર્વ ડીન પ્રોફેસર કોલ્મ ઓ’મોરેઈન, લંડનથી એમેરિટસ પ્રોફેસર ઓફ ન્યૂરોલોજી ડો. રોબર્ટો ગુઈલોફ અને શ્રૂસબરીના પ્રતિષ્ઠિત કાર્ડિયોલોજિસ્ટ ડો. પીટર વિલ્મ્સ્હર્સટ સહિત લબ્ધપ્રતિષ્ઠિત મહાનુભાવો અને અસંખ્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પુસ્તકની વિવિધ કવિતાઓ સંદર્ભે લોર્ડ ભીખુ પારેખ, પ્રોફેસર ઓ’મોરેઈન, પ્રોફેસર ગુઈલોફ અને ડો. સહાય વચ્ચે ગરમાગરમ અને ઊંડાણપૂર્વકની ચર્ચાઓ થઈ હતી. આ પછી, પ્રોફેસર ગુઈલોફ અને ડો. સહાયે વિવિધ કાવ્યોનું પઠન કર્યું હતું જેને વધાવી લેવાયું હતું. પુસ્તક લોન્ચિંગની હૃદયસ્પર્શી બાબત એ રહી કે પુસ્તકના વેચાણની તમામ આવક CARD (કેમ્પેઈન અગેઈન્સ્ટમડિસીઝ) ચેરિટીને અપાઈ હતી.
આ ચેરિટી યુકેમાં રજિસ્ટર્ડ મેડિકલ ચેરિટી છે જેની સ્થાપના ડો. પુલક સહાયે 2010માં રિફ્લક્સ રોગ વિશે સામાન્ય જનતામાં જાગૃતિ કેળવવા માટે કરી હતી. યુકે અને વિશ્વભરમાં લાખો લોકો આ રોગથી પીડાય છે. રિફ્લક્સ રોગનો સામનો કરવા અને અટકાવવા માટે જીવનશૈલી સુધારવા લોકોને શિક્ષિત કરવા આવશ્યક છે. વધી રહેલો આ રોગ આગળ વધીને ઈસોફીગલ એડેનોકાર્સિનોમા (અન્નનળીના કેન્સર) તરીકે ફેલાય છે જેની જટિલતાથી યુકેમાં દર વર્ષે 8000 થી વધુ લોકો મોતને ભેટે છે. રિફ્લક્સનું વેળાસર નિદાન અને અટકાવથી આ રોગથી થતાં વાર્ષિક મૃત્યુમાં લગભગ 1000 જેટલો ઘટાડો કરી શકાય છે!
લોર્ડ ભીખુ પારેખે સ્વાગત પ્રવચનમાં ડો. પુલક સહાયનો પરિચય આપ્યો હતો. ડો. સહાયે ઓડિયન્સ સમક્ષ આ પુસ્તક શા માટે લખાયું તેની વાત કરી હતી. ઈવેન્ટના સમાપને પ્રોફેસર કોલ્મ ઓ’મોરેઈને આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને CARD ચેરિટીને બહોળી પ્રસિદ્ધિ આપવા ઓડિયન્સને જણાવ્યું હતું.
ડો. પુલક સહાય લિખિત કાવ્ય પુસ્તક ‘એ બેન્કવેટ ઓફ પોએમ્સ’ એમેઝોન પર વિશ્વભરમાં મળી શકશે. આ પુસ્તક વાચકના સર્જનાત્મક અંતરાત્માને સંતોષ આપશે તેમજ સામાન્ય જનતાને શિક્ષિત કરી પ્રીવેન્ટિવ મેડિસીનને પ્રોત્સાહિત કરતી ઉમદા ચેરિટીને સપોર્ટ, એમ બે હેતુને પરિપૂર્ણ કરે છે.