લંડનઃ બાંગલાદેશમાં હિન્દુ સહિત સમુદાય પર લઘુમતી સમુદાય પર હિંસક હુમલાઓ વધી રહ્યા છે ત્યારે હિન્દુ કાઉન્સિલ યુકે દ્વારા નોર્વેજિયન નોબેલ કમિટીને પત્ર પાઠવી આ હુમલાઓમાં ભૂમિકા બદલ બાંગલાદેશના વર્તમાન અત્યાચારી શાસનના ચીફ એડવાઈઝર ડો. મુહમ્મદ યુનુસને એનાયત કરાયેલું નોબેલ શાંતિ પારિતોષિક પાછું ખેંચી લેવા વિનંતી કરાઈ છે.
નોબેલ કમિટીને પાઠવેલા પત્રમાં બાંગલાદેશી ન્યૂઝ પેપર્સ, માનવાધિકાર સંસ્થાઓ, સત્તાવાર કાયદાપાલન નિવેદનો અનેક સ્વતંત્ર અને વિશ્વસનીય સ્રોતોના રિપોર્ટ્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સ્રોતો અનુસાર બાંગલાદેશમાં ત્રણ હિન્દુઓની કરપીણ હત્યા કરવામાં આવી છે. પત્રમાં જણાવાયું છે કે દરરોજ હિન્દુઓ પર હુમલાઓ થતા રહ્યા છે. યુએન સહિત અનેક આંતરરાષ્ટ્રીય સંધિઓ અન્વયે દેશમાં લઘુમતી સમુદાયના સભ્યોના રક્ષણની કાનૂની અને નૈતિક જવાબદારી બાંગલાદેશ સરકારે નિભાવી નથી. બાંગલાદેશી હિન્દુ ડાયસ્પોરા સહિત બ્રિટિશ હિન્દુઓનું પ્રતિનિધિત્વ કરતી હિન્દુ કાઉન્સિલ યુકેએ બાંગલાદેશમાં ધાર્મિક લઘુમતીઓની હાલતને ધ્યાનમાં લેવા નોબેલ કમિટીને અનુરોધ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે બાંગલાદેશ હિન્દુ એસોસિયેશન દ્વારા 21 જાન્યુઆરી 2026ના રોજ વેસ્ટમિન્સ્ટર પાર્લામેન્ટ સ્ક્વેર ખાતે બપોરના 2થી સાંજના 5 કલાક દરમિયાન વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હાજર રહેવા સહુને વિનંતી કરવામાં આવી છે.


