લોસ એન્જલસઃ મુંબઈ, ભારતના ડો. વીમી (વૈશાલી) સંઘવીએ જૂન 2024માં યુએસએના ચાર મુખ્ય શહેર લોસ એન્જલસ, સાન ફ્રાન્સિસ્કો, હ્યુસ્ટન અને ફોનિક્સની મુલાકાત લીધી હતી અને ભારતીય હિન્દુ પદ્ધતિએ સંતાનોના ઉછેરનો માર્ગ શીખવ્યો હતો. તેમણે યુએસ મુલાકાત દરમિયાન હિન્દુ ધર્મ, પેરન્ટિંગ, જીવનશૈલી, હિન્દુના મૂળની જાણકારી તેમજ કર્મકાંડ અને રીતરિવાજોના મહત્ત્વ સંબંધિત વિવિધ વિષયો પર પ્રવચનો આપ્યાં હતાં.
ઈન્ટરનેટ ટેકનોલોજીના બેકગ્રાઉન્ડ સાથે મેનેજમેન્ટ સ્નાતક ડો. સંઘવી વેદિક ગ્રંથોમાં રસ ધરાવે છે અને તેમણે વેબસાઈટ www.hinduscriptures.com ઉભી કરવાની સાથોસાથ ત્રણ ભાગમાં ‘હિન્દુ કલ્ચર એન્ડ લાઈફસ્ટાઈલ’ પુસ્તકની શ્રેણી પણ લખી છે. વડતાલ સ્વામિનારાયણ મંદિર સહિત વિવિધ મંદિરો અને કોમ્યુનિટી સેન્ટર્સ ખાતે હાજર ઓડિયન્સને યુએસએમાં રહેતા બાળકોમાં હિન્દુ મૂલ્યો કેવી રીતે સ્થાપિત કરવા તે શીખવા મળ્યું હતું. મોટા ભાગના સ્થળોએ બાળકો માટે અને પેરન્ટ્સ માટે એમ બે સત્રો રખાયાં હતાં. બાળકો અને પેરન્ટ્સને વીમીજી પાસેથી હિન્દુ સંસ્કૃતિના નવા પરિમાણો સમજવા મળ્યાં હતાં.
ડો. સંઘવીએ સમયની કસોટીની એરણ પર પાર ઉતરેલાં, વ્યવહારુ અને વર્તમાન વિશ્વમાં સુસંગત મૂલ્યો આત્મસાત કરવા વિશે જ્ઞાન આપ્યું હતું. તેમનો અભિગમ યુવા પેરન્ટ્સને અપીલ કરી શકાય તેમજ પરંપરાગત રીતરિવાજોને વધુ તર્કબદ્ધ અને વ્યવહારુ રીતે સમજાવી શકાય તે માટે પરંપરાગત પદ્ધતિઓને આધુનિકતાનો ઓપ આપવાનો રહ્યો હતો.
આ ઉપરાંત, ડો. વીમી સંઘવીના પાંચ સેશન્સ રેડિયો અને ટેલિવિઝન ચેનલ્સ દ્વારા લોકોના ઘર સુધી પહોંચ્યાં હતા. એક સેશન ગુજરાતીમાં હતું જ્યારે બાકીના સેશન્સ ઈંગ્લિશમાં હતાં.


