ડોવરના એકમાત્ર ફિઝિયોથેરાપિસ્ટ માથે ડિપોર્ટેશનનો ભય

Wednesday 12th December 2018 01:33 EST
 
 

લંડનઃ ઈમિગ્રેશન અધિકારીઓએ ડોવરના એક માત્ર ફિઝિયોથેરાપિસ્ટ સતીષ ગૌંડરના આંટ્રપ્રિન્યોર વિઝા રિન્યુ કર્યા નથી. તેનાથી તેમના માથે ડિપોર્ટેશનનો ભય તોળાઈ રહ્યો છે. ડોવર અને ડિલના સાંસદ ચાર્લી એલ્ફીકે આ બાબતે તાત્કાલિક હસ્તક્ષેપ કરવા માટે હોમ સેક્રેટરીને અનુરોધ કર્યો છે. સતીષને દેશનિકાલ થતા બચાવવા કરાયેલી પિટિશન પર ૬૬,૦૦૦ લોકોએ સહી કરી હતી.

બ્રિટનમાં ૫,૦૦૦ જેટલાં ફિઝિયોથેરાપિસ્ટ્સની જરૂર છે તેવા સંજોગોમાં પોતાને બળજબરીપૂર્વક ભારત પાછા મોકલી દેવાનો હોમ સેક્રેટરી સાજિદ જાવિદ પર સતીષ ગૌંડરે આક્ષેપ કર્યો હતો. ડોવરમાં તેમની પ્રેક્ટિસ માટે બીજા આંટ્રપ્રિન્યોર શોધી શક્યા ન હતા. તેમણે બ્રિટનમાં આઠ વર્ષ સુધી કામ કર્યું હોવા છતાં તેમના વિઝા રિન્યુ કરાયા નથી. તેમણે ડોવરમાં પ્રેક્ટિસ માટે હજારો પાઉન્ડનો ખર્ચ કર્યો છે. જાવિદ સામે રોષ વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું હતું, ‘હેલ્થ સેક્રેટરી તેમજ હોમ સેક્રેટરી જાવિદ સહિત સરકાર કહે છે કે તેમને મારા જેવા હેલ્થ પ્રોફેશનલ્સની જરૂર છે. પરંતુ, મદદ માટે તેઓ કશું કરી શકતા નથી.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter