લંડનઃ બ્રિટિશ રાજઘરાનામાં નવા સભ્યના આગમનની આલબેલ વાગી ગઈ છે. ડ્યૂક અને ડચેસ ઓફ કેમ્બ્રિજના ઘેર પ્રિન્સ જ્યોર્જ અને પ્રિન્સેસ શાર્લોટ પછી ત્રીજા સંતાનનું પારણું બંધાવાનું છે તેવી સત્તાવાર જાહેરાત કરી દેવાઈ છે. આ સંતાન આગામી વર્ષના એપ્રિલ અથવા મે મહિનામાં આવી શકે છે. પૌત્ર વિલિયમને ત્યાં ત્રીજા સંતાનના આગમનના સમાચારે મોટા દાદી ક્વીન એલિઝાબેથ દ્વિતીય અને પ્રિન્સ હેરીએ પણ હરખ દર્શાવ્યો હતો. બુકી જૂથોના જણાવ્યા મુજબ કેટ-વિલિયમને પુત્ર જન્મે તો તેનું નામ આલ્બર્ટ અથવા આર્થર રખાશે અને પુત્રી માટે એલાઈસ અથવા વિક્ટોરિયા નામ ફેવરિટ છે.
કેટ અને પ્રિન્સ વિલિયમે તેઓ ત્રીજા સંતાનની અપેક્ષા રાખતાં હોવાનું કહ્યાં પછી આ સમાચાર ફેલાઈ ગયા હતા. ભારે મોર્નિંગ સિકનેસ Hyperemesis Gravidarumની ફરિયાદ પછી ૩૫ વર્ષીય ડચેસે તેમના જાહેર કાર્યક્રમો રદ કરવાની ફરજ પડી હતી. તેમની ગર્ભાવસ્થા આઠથી ૧૨ સપ્તાહ વચ્ચે હોવાનું કહેવાય છે. ચાર વર્ષના પ્રિન્સ જ્યોર્જ અને બે વર્ષની પ્રિન્સેસ શાર્લોટની ગર્ભાવસ્થા સમયે પણ ડચેસ બીમાર થઈ ગયાં હતાં.
મહારાણીએ જણાવ્યું હતું કે છઠ્ઠા ગ્રેટ-ગ્રાન્ડચાઈલ્ડનું આગમન થવાનું છે તે જાણતાં તેઓ ભારે આનંદ અનુભવે છે. માન્ચેસ્ટર જઈ રહેલા પ્રિન્સ હેરીએ થમ્બ્સ અપ સાથે આનંદ વ્યક્ત કરતા કહ્યું હતું કે ત્રીજા ભત્રીજા કે ભત્રીજીનું આગમન ફેન્ટાસ્ટિક બની રહેશે.
કેટ અને વિલિયમ જુલાઈ મહિનામાં પરિવાર સાથે પોલેન્ડની સત્તાવાર મુલાકાતે ગયા હતા ત્યારે તેમને બાળકો માટે રુંઝાદાર રમકડાની ભેટ આપવામાં આવી હતી. આ સમયે તેમણે મજાકમાં જ વિલિયમને કહ્યું હતું કે આપણે હવે વધુ બાળકો જોઈશે.
કેટ અને વિલિયમનાં ત્રીજા બાળકના આગમન સાથે તે બ્રિટિશ તાજના પાંચમા વારસદાર બનીને પ્રિન્સ હેરીને છઠ્ઠા સ્થાને ધકેલશે. બ્રિટિશ તાજના વારસદારોની લાઈનમાં પ્રિન્સ ઓફ વેલ્સ પ્રથમ છે. તેમના પછી ડ્યૂક વિલિયમ, પ્રિન્સ જ્યોર્જ અને પ્રિન્સેસ શાર્લોટ અને પ્રિન્સ હેરીનો ક્રમ આવે છે.
શાહી ઘરાનામાં નવા સભ્યના આગમનના સમાચારે દેશમાં હર્ષોલ્લાસ છવાયો છે ત્યારે ડ્યૂક અને ડચેસ ઓફ કેમ્બ્રિજના ત્રીજા સંતાનનું નામ શું હોઈ શકે તેના પર સટ્ટો પણ આરંભાયો છે. ઈન્ટરનેશનલ ઓનલાઈન બેટિંગ પ્રોવાઈડર બેટફેરના જણાવ્યા અનુસાર જો સંતાન પુત્રી હશે તો તેનું નામ એલાઈસ અથવા વિક્ટોરિયા (૧૦/૧) તેમજ પુત્ર હોય તો આર્થર અથવા હેન્રી (૧૦/૧) હોટ ફેવરિટ છે. આ ઉપરાંત, ડાયેના, એલિઝાબેથ, ફિલિપ, ચાર્લ્સ, કેમિલા અને કેરોલ નામ પર પણ સટ્ટો લગાવાઈ રહ્યો છે.


