ડ્યૂક ઓફ એડિનબરાની જાહેર જીવનને અલવિદા

Friday 05th May 2017 07:08 EDT
 
 

લંડનઃ સાત દાયકાની જાહેર સેવા પછી આખરે ડ્યૂક ઓફ એડિનબરા, પ્રિન્સ ફિલિપે જાહેર જીવનને અલવિદા કરી છે. ક્વીન એલિઝાબેથ દ્વિતીય અને શાહી પરિવારના સભ્યો સાથે લાંબી મંત્રણાઓના અંતે ગુરુવાર,૪ મે ૨૦૧૭ના દિવસે ૯૫ વર્ષના પ્રિન્સ ફિલિપે બકિંગહામ પેલેસમાં ઓટમથી પોતાની નિવૃત્તિની જાહેરાત કરી હતી. સમગ્ર દેશમાંથી શાહી પરિવારના આશરે ૫૫૦ કર્મચારીને તાકીદની બેઠક માટે લંડન બોલાવી લેવાયા હતા. પ્રિન્સ ફિલિપની જાહેરાતના પગલે સ્ટાફ અને સમગ્ર દેશમાં સ્તબ્ધતા છવાઈ ગઈ હતી. નિવૃત્તિની જાહેરાત પછી પ્રિન્સ ટ્રેનમાં બેસી પોતાના મિત્રો સાથે રહેવા ઉત્તર તરફ ચાલી નીકળ્યા હતા. જોકે, ગત મહિને જ ૯૧મા વર્ષમાં પ્રવેશેલાં ક્વીન પોતાનું જાહેર સમયપત્રક યથાવત રાખવાનાં છે.

સાત દાયકા લાંબા જાહેર જીવન પછી પ્રિન્સ ફિલિપ ઘણા સમયથી નિવૃત્તિ વિશે વિચારતા હતા. ક્વીન સાથે તેમના લગ્નને આ નવેમ્બર મહિનામાં ૭૦ વર્ષ પૂર્ણ થશે. આટલા વર્ષોમાં તેઓ ક્વીન સાથે સતત જાહેર સત્તાવાર સમારંભોમાં હાજરી આપતા રહ્યા છે. ક્વીન તથા ગ્રાન્ડચિલ્ડ્રન્સ સહિત પરિવારના સભ્યો સાથે નિવૃત્તિની ચર્ચા કર્યા પછી બધાએ પ્રિન્સને આગળ વધવા જણાવ્યું હતું. અનોખી રમૂજો માટે પ્રખ્યાત ડ્યૂકે પોતાના એક ગાઢ મિત્રને મજાકમાં જણાવ્યું હતું કે હવે મારી ઉંમર થઈ ગઈ છે. (‘I’m past my sell-by date!’) ગત વર્ષે ક્વીનનાં ૯૦મા જન્મદિનની ઉજવણી પછી તેમનો વિચાર વધુ દૃઢ બન્યો હતો. જોકે, પેલેસના સૂત્રોએ જણાવ્યું હતું કે તેમના આરોગ્ય વિશે કોઈ ચિંતાનું કારણ નથી.

ઓગસ્ટ મહિના સુધી કાર્યરત રહેશે

શાહી ફરજોમાંથી નિવૃત્ત થયેલા પ્રિન્સ ફિલિપે છેક ૧૯૫૨થી એકલા ૨૨,૧૯૧ જાહેર કાર્યક્રમોમાં હાજરી આપી છે. આમ, તેમણે દર વર્ષે સરેરાશ ૩૭૧ સત્તાવાર કાર્યક્રમમાં હાજરી આપી છે. તેમણે ક્વીનની સાથે સત્તાવાર ૨૫૧ વિદેશ પ્રવાસ કર્યા છે તેમજ ૧૪૩ દેશમાં એકલા ૬૪૭ સત્તાવાર પ્રવાસ કર્યા છે. પ્રિન્સે રોયલ યોટ બ્રિટાનિયામાં કુલ ૭૨,૪૩૦ માઈલની મુસાફરી કરી છે, જેમાં બે વખત રાઉન્ડ ધ વર્લ્ડ એટલે કે વિશ્વયાત્રાનો સમાવેશ થાય છે. પેલેસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિના સુધી પ્રિન્સ વ્યક્તિગત અને ક્વીનની સાથે તમામ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. મે મહિનામાં જ તેમની ડાયરીમાં ૩૦ કાર્યક્રમ નોંધાયેલા છે. પ્રિન્સ ફિલિપ ૭૮૫ સંસ્થાઓના પેટ્રન, પ્રેસિડેન્ટ અથવા સભ્ય તરીકે સંકળાયેલા છે અને ઈચ્છશે ત્યાં સુધી જોડાયેલા રહેશે.

કવીન સાથે શાહી ફરજોમાં વધુ સભ્યો જોડાશે

ક્વીન પોતાની શાહી ફરજો નિભાવતાં રહેશે પરંતુ, પ્રિન્સ ચાર્લ્સ, પ્રિન્સેસ એન અને પ્રિન્સ એન્ડ્રયુ તેમની સાથે શાહી ફરજોમાં વધુ સામેલ થશે. રોયલ ફેમિલીના યુવાન સભ્યો ડ્યૂક અને ડચેસ ઓફ કેમ્બ્રિજ તેમજ પ્રિન્સ હેરી પણ શાહી ફરજોમાં વધુ યોગદાન આપશે. આ માટે ડ્યૂક અને ડચેસ ઓફ કેમ્બ્રિજ હવે લંડન સ્થળાંતર કરવા પણ તૈયાર થયાં છે. ગયા વર્ષે પ્રિન્સ હેરી (૮૬), પ્રિન્સ વિલિયમ (૮૦) અને કેટ મિડલટને ૬૩ દિવસ શાહી ફરજોના જાહેર સમારંભોમાં આપ્યાં હતાં તેમની સરખામણીએ ડ્યૂક ઓફ એડિનબરાએ જૈફ વયે પણ ૧૧૦ દિવસ જાહેર સમારંભોને આપ્યા હતા.

ગાઢ મિત્રની વિદાય પછી પ્રિન્સનો નિર્ણય

શાહી ફરજોમાંથી મુક્ત થવાના પ્રિન્સ ફિલિપના નિર્ણય પાછળ તેમના ગાઢ મિત્ર અને ‘ગેટકીપર’ તરીકે જાણીતા સર બ્રિઆન મેક્ગ્રાથનું નિધન પણ જણાવાય છે. ગત વર્ષે પ્રિન્સ ફિલિપના ૯૫મા જન્મદિન અગાઉ જ સર મેક્ગ્રાથનું ૯૦ વર્ષની વયે નિધન થયું હતું. મિત્રોએ જણાવ્યું હતું કે પ્રિન્સનો આ નિર્ણય ઘણો જ અંગત છે. સર બ્રિઆન ૧૯૮૨માં પ્રિન્સના સહાયક પ્રાઈવેટ સેક્રેટરી તરીકે જાડાયા હતા અને તે પછી તેમના ગાઢ મિત્ર બની ગયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter