તપસ્વી મનસુખલાલભાઇને ઘણી ખમ્માઃ સળંગ ૧૪ વર્ષ અને ૨૦ દિવસની તપસ્યાની ભવ્ય પૂર્ણાહૂતિ

Wednesday 20th September 2023 05:13 EDT
 
 

શ્રી મનસુખલાલભાઇ પદમશી શાહ (૭૬ ) એ શ્રી વર્ધમાન તપ ૧૦૦મી આયંબીલ ઓળી પૂર્ણ કરી રવિવાર ૬ ઓગષ્ટ ૨૦૨૩ના રોજ કિંગ્સબરીના એકતા સેન્ટરમાં નવકારમંત્ર પૂજનથી સુમધુર સંગીત અને ભક્તિમય વાતાવરણ વચ્ચે ભવ્ય ઉજવણી કરી. હોલમાં મનસુખભાઇ અને એમનાં પત્ની ચંપાબહેનનો પ્રવેશ ઢોલ અને સંગીતના તાલે વાજતે-ગાજતે ઉપસ્થિત ૩૨૫ જેટલા ભાવિકોની હાજરીમાં અનુમોદનાના સંદેશા સહ થયો.
નકુરૂ-કેન્યામાં ૧૯૪૭માં જન્મેલ શ્રી મનસુખલાલભાઇએ લંડન આવી કેમ્બ્રીજમાં ઇલેક્ટ્રોનીક એન્જીનીયરનો અભ્યાસ કર્યો. તેમની આધ્યાત્મિક યાત્રાનો આરંભ શ્રી ગુલાબભાઇ મેઘજી શાહની પ્રેરણાથી થયો.
આ આયંબિલ તપ એટલે રસેન્દ્રિયનો ત્યાગ. ડેરી પ્રોડક્ટસ, ઘી, તેલ, શાકભાજી, મસાલા વગેરેનો ત્યાગ કરી માત્ર બાફેલ ધાન્ય જ એક વખત ખાવાનું.
આ તપમાં ૧ આયંબિલ, ૧ ઉપવાસ એમ કરતા કરતા ૧૦૦ આયંબિલ સુધીની સફરમાં કુલ્લે ૫૦૫૦ આયંબિલ અને ૧૦૦ ઉપવાસ સળંગ પૂર્ણ કરતા ૧૪ વર્ષ અને ૨૦ દિવસ લાગ્યા. લાંબા સમયની આ આકરી તપશ્ચર્યા ઉપરાંત ૧૯૮૭ થી ૨૦૧૭ સુધી દર વર્ષે અઠ્ઠાઇ તપથી માંડી ત્રીસ વર્ષ દરમિયાનમાં અનેક નાની મોટી તપસ્યા કરી દેહ શુધ્ધિ અને આત્મ શુધ્ધિનું અભિયાન આચાર્યો, સાધુ ભગવંતના આશીર્વાદ અને જીનેશ્વર ભગવંતની કૃપાથી આદરનાર શ્રી મનસુખભાઇની અનુમોદના કરીએ એટલી ઓછી છે. ધન્ય છે એ તપસ્વીને! પરદેશમાં જન્મીને પોતાના ધર્મના સંસ્કારને ઉજાગર કરનારને નત મસ્તકે કોટિ પ્રણામ!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter