કોઈ પણ બાબતે વાસ્તવિકતા સર્જાય તે પહેલા તે માટેનું સ્વપ્ન નિહાળવું આવશ્યક હોય છે. તમારા સ્વપ્નની કલ્પનાની સાથે રહેવું હોય ત્યારે તમે તેના માટે પ્રેરિત રહો અથવા પ્રોત્સાહિત રહો તે શીખ્યા સિવાય અશક્ય બની રહે છે. તમે પ્રોત્સાહિત રહો તે માટે તેમજ રોજબરોજની ખલેલ, વિક્ષેપ, ચિંતા અને ભયથી દૂર રહેવા માટે તમારે સ્વશિસ્તમાં રહેવું પણ એટલું જ આવશ્યક છે.
આથી, તમારે સૌપહેલા તો પોતાની જાતને શિસ્તબદ્ધ કેવી રીતે બનાવી શકાય તે શીખવું જોઈએ. કોઈ પણ સૈનિક તેને અપાયેલા કાયદેસરના આદેશનું તત્કાળ પાલન કરશે, ભલે આ કાર્યમાં તેણે જાન ગુમાવવાનું જોખમ હોય. આમ શા માટે? કારણકે તેને પોતાના ઉપરીઓના આદેશોનું પાલન કરવાની શિસ્તની તાલીમ મળી હોય છે. જો તમે તમારા લક્ષ્યને હાંસલ કરવા એક સૈનિકની માફક મજબૂત શિસ્તની ભાવના વિકસાવશો તો પ્રેરણા અને તેના પરિણામસ્વરૂપ ફળ તમને સરળતાથી પ્રાપ્ત થશે. વીજળીના અમેરિકન શોધક થોમસ એડિસને કહ્યું હતું કે, ‘જીનિયસ એટલે 10 ટકા પ્રેરણા અને 90 ટકા પરસેવો.’ આ જ મોટિવેશન અથવા ચાલકબળ અને શિસ્તની સર્જનાત્મક શક્તિ છે.
શિસ્તબદ્ધતાનો સૌથી મોટો અવરોધ એ છે કે માનવમન તત્કાળ સંતોષની ઈચ્છા રાખે છે. સમસ્યા એ છે કે તત્કાળ સંતોષ પ્રાપ્ત કર્યા પછી તે મોટા ભાગે અસંતોષમાં બદલાઈ જાય છે. ઉદાહરણ જોઈએ તો, આ વંસતકાળમાં મારે નવા માળીની જરૂર હતી. તત્કાળ સંતોષ મેળવવા મેં મારા ઘેર આવેલા પહેલા માળીને કામે રાખી લીધો. તેણે કામ કરી લીધા પછી મેં દરેક ફૂલની ક્યારીઓની તપાસ કરી તો તેનું કામ ઘણું જ નબળું લાગ્યું-અને મારે નવો માળી શોધવાની ફરજ પડી. આવું પરિણામ ટાળવા માટે મારે ઓછામાં ઓછાં ત્રણ માળીનો સંપર્ક કરવાની જરૂર રહે, તેમને આવાં કામકાજનો કેટલો અનુભવ છે અને તેમની ભલામણ કોણે કરી છે તે જાણવાનું વધુ સારું રહેત. આમાં થોડો સમય વધુ જાય, પરંતુ તેના લીધે સંતોષકારક પરિણામ સાંપડ્યું હોત.
શિસ્ત ઘણી મોટી બાબત છે, પરંતુ તેની સાથે નકારાત્મક વિચારો જોડાય તો તમારા પ્રોજેક્ટની શરૂઆત થતાં પહેલા જ બાળમરણ થઈ જાય. કેટલાક લોકો તો ‘હું આમ નહિ કરી શકું.’ જેવા નકારાત્મક વિચારથી જ શરૂઆત કરે છે. જો તમે તમારા સ્વાસ્થ્ય, કેરીઅર, અથવા બિઝનેસ વિશે નકારાત્મકતા સાથે વિચારશો તો તમારે આખરમાં નિષ્ફળ પરિણામ ભોગવવાનો વારો આવશે. આપણે ખુદ આત્મવિશ્વાસ વિકસાવીને નકારાત્મક વિચારોનો સામનો કરવો જોઈએ. આ કેવી રીતે થઈ શકે? સૌ પહેલા તો મારી પાસે યોગ્ય શિક્ષણ નથી, હું નસીબદાર નથી, અથવા મારી પશ્ચાદભૂ ખોટી છે જેવાં બહાનાઓ ફગાવી દો. આ બધું બકવાસ-વાહિયાત છે. જો એક ચાવાળા દેશનો પ્રતિષ્ઠિત વડા પ્રધાન અને આદરપાત્ર આંતરરાષ્ટ્રીય નેતા બની શકે તો તમે પણ તમારી કોઈ પણ પશ્ચાદભૂ હોય, તમારી ઈચ્છા હોય તે બની શકો છો. નિષ્ફળતાનો કદી ભય રાખશો નહિ. ‘આપણે તો જે હાંસલ કરવાનું છે તેના વિશે જ વિચારવાનું છે.’ સૌ પહેલા તો તમારા પ્રોજેક્ટમાં સંભવિત જોખમ વિશે વિચાર કરો. જો કોઈ જોખમ સર્જાય તો તેના માટે યોજના તૈયાર રાખો. આ પછી, તે યોજનાને બાજુએ રાખી દો અને તમારા સાહસની સફળતા પર ધ્યાન કેન્દ્રિત કરો.
તમારી જાતને પ્રોત્સાહિત કરવા માટે નીચે મુજબના પગલાં લો, આ દરેક પગલાંમાં સફળતા છુપાયેલી છે.
(1) નકારાત્મક વિચારો દૂર કરો, બહાનાબાજી ફગાવો, (2) તમે જે બનવા ઈચ્છો છે તેવી વ્યક્તિ તરીકે તમારી કલ્પના કરો, (3) તમારી ભૂતકાળની સફળતાઓને યાદ કરો, આનાથી તમારો આત્મવિશ્વાસ બેવડાશે. (4) રૂઆબદાર વસ્ત્રપરિધાન કરો. સ્માર્ટ દેખાવા સાથે આત્મવિશ્વાસ વધે છે. (5) વ્યવહારુ જરૂર બનો, પરંતુ વધુપડતા સાવધાન ન રહેશો. સકારાત્મક વિચાર સાથે વ્યવહારદક્ષ બની રહો.
વધુપડતી સાવધાની રાખી નકારાત્મકતા લાવશો નહિ. મૂળ વાત તો આત્મવિશ્વાસની છે. આત્મવિશ્વાસ રાખો. તમારી જાતને બહેતર બનાવવા માટે ફીડબેક અવશ્ય મેળવો, પરંતુ બીજા પાસે પ્રશંસા મેળવવા પર આધારિત ન રહો. હકીકતે એક વાત નોંધવાલાયક છે કે જેમ આપણે બહેતર બનતા જઈશું તેમ આપણને મળતી પ્રશંસા ઘટતી જશે.
સૌ પહેલા તો તમારે નક્કી કરવાનું રહેશે કે તમારે શું હાંસલ કરવું છે. તમારું સ્વપ્ન શું છે? તમારું લક્ષ્ય શું છે અને તમે કેટલા સમયમાં તેને હાંસલ કરવા ઈચ્છો છો? ઉદાહરણ જોઈએ તો, તમારે યુનિવર્સિટીની ડીગ્રી મેળવવી છે. આનું વાસ્તવવાદી સમયમાળખું ત્રણ વર્ષનું છે અને દરેક વર્ષના અંતે આપણે આખરી યુનિવર્સિટી પરીક્ષા તરફ આપણી પ્રગતિને માપવા માટે કોલેજની આંતરિક પરીક્ષા પણ આપવાની રહે છે. આથી, તમારા લક્ષ્યની ઓળખ કરો અને લક્ષ્ય માટે વાસ્તવવાદી સમયમાળખું આપો. તમારે લખી રાખવું જોઈએ કે તમારે શું હાંસલ કરવાનું છે. તમારા લક્ષ્યની વ્યાખ્યા કરો. ઉદાહરણ જોઈએ તો તમારું લક્ષ્ય તમારી કારકીર્દિમાં બઢતી મેળવવાનું છે. તમારે જે સ્થાન પર બઢતી-પ્રમોશન મેળવવું છે, આ પ્રમોશન સાથે તમારી કેટલી જવાબદારીઓ આવશે, તમારી નવી પોઝિશનમાં સારુ પરફોર્મન્સ આપવા તમારે કઈ ટ્રેનિંગ અથવા લાયકાતો મેળવવી પડશે, આ બધું જ લખી રાખો. તમારે જે પગલાં લેવાના રહે તે બધા માટે રિમાઈન્ડર્સ પણ નોંધી રાખો.
હવે તમે પ્લાન-યોજના તૈયાર કરી લીધા છે ત્યારે પ્રગતિ પર દેખરેખ રાખવા તેનો ઉપયોગ કરો. દરેક તબક્કા માટે સિદ્ધિની માપણી કરવાની તારીખ પણ નિશ્ચિત કરવી જોઈએ. તમે લક્ષ્યની દિશામાં આગળ કામ કરો ત્યારે દરરોજના કંટાળાજનક કામ પહેલા પૂર્ણ કરો જેથી તમને આગળના તબક્કાઓનું કામ માણવાલાયક જણાય. આનાથી તમને કામકાજ વહેલા પૂર્ણ કરવાનું પ્રોત્સાહન સાંપડશે. જોકે, આમાં એક અપવાદ પણ છે. તમારે કામના મહત્ત્વ અને તાકીદ અનુસાર કાર્યોને પ્રાથમિકતા આપવી જોઈશે. આ બાબતે જ તમારી સ્વયંશિસ્તનો ઉપયોગ કરવાનો આવે છે. જો તમારી આસપાસ નકારાત્મક વિચારો કરનારા હોય તો તેમને ટાળો, દૂર કરો. તમારી વિકસેલી સ્વયંશિસ્ત અને મોટિવેશન અદ્ભૂત પરિણામો ઉભાં કરશે. તમારું સ્વપ્ન વાસ્તવિકતામાં ફેરવાશે!


