તમે મને ચૂપ નહિ કરી શકોઃ પ્રીતિ પટેલનો રોષ ભભૂક્યો

Friday 19th June 2020 02:35 EDT
 
 

લંડનઃ લેબર પાર્ટીના સાંસદોએ રંગભેદ બાબતે પોતાનાં અનુભવોની વાત કરીને હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ BLM સમર્થકો પર શંકા ઉઠાવી રહ્યા હોવા મતલબનો પત્ર પાઠવ્યો હતો. આ પત્રમાં સાંસદોએ રંગભેદ વિવાદમાં ‘તમારાં વારસા અને રંગભેદના અનુભવોનો ઉપયોગ’ કરવાનો આક્ષેપ તેમનાં પર લગાવ્યો હતો. હોમ સેક્રેટરીએ રોષે ભરાઈ વળતા પ્રહારમાં જણાવ્યું હતું કે તેમને ‘ચૂપ કરી શકાશે નહિ.’

લેબર પાર્ટીના કેટલાક સાંસદોએ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલને પત્ર પાઠવી આક્ષેપ લગાવ્યો હતો કે,‘સમગ્ર યુકેમાં અશ્વેત લોકો અને કોમ્યુનિટીઓ વાસ્તવિક રંગભેગનો સામનો કરી રહ્યા છે ત્યારે તેમનું મહત્ત્વ ઘટાડવા તમે જે રીતે તમારા વારસા અને રંગભેદના અનુભવોનો ઉપયોગ કરો છો તેનાથી અશ્વેત એશિયન અને વંશીય લઘુમતી (BAME) લેબર સાંસદોને નિરાશા ઉપજે છે. અમે બધા, અમારી ત્વચાના રંગ અથવા અમારી પસંદના ધર્મના કારણે રંગભેદનો સામનો કરવાની અંગત કથાઓ ધરાવીએ છીએ. રંગીન ત્વચાની વ્યક્તિ હોવાથી તમે આપમેળે તમામ પ્રકારના રંગભેદ વિશે ઓથોરિટી-નિષ્ણાત બની જતાં નથી.’ લેબર પાર્ટીના નાઝ શાહના લેટરહેડ પર લખાયેલા પત્રમાં હાઉસના શેડો લીડર વેલેરી વાઝ અને પૂર્વ શેડો હોમ સેક્રેટરી ડીઆન એબોટ સહિતના સભ્યોએ હસ્તાક્ષર કર્યાં હતાં.

વળતા તીખા પ્રહારમાં હોમ સેક્રેટરી પટેલે જણાવ્યું હતું કે,‘ વંશીય લઘુમતીએ કેવી રીતે વર્તન કરવું જોઈએ તે વિશે મત સાથે અસહમત લોકોના પ્રદાનને સતત નકારી કાઢતા યુકેના લેબર સાંસદોથી હું ચૂપ નહિ થાઉં.’ અગાઉ, મિસ પટેલે કોમન્સમાં BLM ના હિંસક દેખાવો બાબતે જણાવ્યું હતું કે પોલીસ અધિકારીઓ પર હુમલાઓ કદી સ્વીકાર્ય નથી. વિપક્ષી રાજકારણીની ટીપ્પણીઓનો ઉત્તર વાળતાં તેમણે જણાવ્યું હતું કે,‘જ્યારે રેસિઝમ, સેક્સિઝમ, સામાજિક ન્યાય માટે સહિષ્ણુતાની વાત આવશે ત્યારે મારે હાઉસના સામેના પક્ષ તરફથી લેક્ચર સાંભળવાની જરુર નથી.’ 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter