તાજ મહાલની પ્રેમકથા ‘શિરાઝ’ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત કરાશે

Saturday 16th September 2017 05:21 EDT
 
 

લંડનઃ યુકે ઈન્ડિયા યર ઓફ કલ્ચરના ભાગરુપે BFI નેશનલ આર્કાઈવ્ઝ દ્વારા હિમાંશુ રાયના ૧૯૨૮ના પ્રોડક્શન ‘Shiraz ’ નું પુનઃસ્થાપન કરવામાં આવનાર છે. આ સાયલન્ટ ફિલ્મનું પ્રીમિયર આર્કાઈવ્ઝ ગાલા સ્વરુપે અમેરિકન એક્સપ્રેસના સહયોગમાં બાર્બિકન ખાતે ૧૪ ઓક્ટોબરે ૬૧મા BFI ફિલ્મ ફેસ્ટિવલ ખાતે યોજાવામાં આવશે.યુકે અને ભારત વચ્ચે દીર્ઘકાલીન સંબંધોની ઊજવણી તરીકે બંને દેશોમાં ૨૦૧૭ના વર્ષમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રદર્શનો અને પ્રવૃત્તિઓનું આયોજન હાથ ધરાયું છે.

તાજ મહાલના નિર્માણની પ્રેરણા આપનારી ૧૭મી સદીની પ્રિન્સેસની પ્રેમકથાને ‘શિરાઝ’ ફિલ્મમાં વણી લેવાઈ છે. ભારતમાં આ ફિલ્મ ૧૯૨૮ પછી દર્શાવવામાં આવી નથી અને ભારતમાં તાજ મહાલની પૃષ્ઠભૂમિમાં જ આ ફિલ્મનું સ્ક્રીનિંગ કરવાનું આયોજન કરાઈ રહ્યું છે. આ સ્ક્રીનિંગમાં ભારતીય સંગીતકાર અને સિતારવાદક અનુષ્કા શંકર દ્વારા ખાસ રચાયેલી સંગીતરચનાનું જીવંત પરફોર્મન્સ પણ આપવામાં આવશે. આ પછી યુકે અને ભારતમાં ઉત્સવો અને સિનેમાગૃહોમાં શિરાઝ ફિલ્મ દર્શાવવામાં આવશે.

શિરાઝ તાજમહાલના નિર્માણ પાઠળની કથા કહે છે. પ્રેમના પ્રતીક સમાન આ ઈમારતના ડિઝાઈનર શિરાઝ અને તેની બાળપણની પ્રેમિકા પ્રિન્સેસ વચ્ચેના પ્રેમ અને સમર્પણની આ વાત છે. પ્રિન્સેસ મોટી થઈને સુલતાના મુમતાઝ મહાલ બને છે, જેની યાદમાં આ મકબરો તૈયાર કરાયો છે.

આ ફિલ્મ તાજમહાલ જેટલી જ નોંધપાત્ર અને ભવ્ય છે. ભારતીય અને પશ્ચિમી સંગીતવાદ્યોના સહારે અનુષ્કા શંકર દ્વારા પરફોર્મ કરાનારું સંગીત આ ઈમારતની ભવ્યતાનો પડઘો બની રહેશે. અનુષ્કા વિશ્વમાં સિતારને લોકપ્રિય બનાવવામાં મુખ્ય પ્રદાન આપનારા લોકપ્રિય સિતારવાદક રવિ શંકરની પુત્રી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter