લંડનઃ આપણા સહુના પ્રિય તેજસભાઈ અમીન મંગળવાર 1 જુલાઈ 2025ના રોજ અક્ષરધામ પ્રયાણ કરી ગયા છે. ઘનશ્યામભાઈ અને દમયંતીબહેન અમીનના પનોતા પુત્ર તથા ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના પ્રકાશક-તંત્રી સી.બી. પટેલના ભત્રીજા તેજસભાઈનો જન્મ 12 નવેમ્બર 1978ના રોજ વ્હિપ્સ ક્રોસ હોસ્પિટલમાં થયો હતો અને બાળપણમાં ઈસ્ટ લંડનના લેટન વિસ્તારમાં નિવાસ કરતા હતા. તેમના એક નાના ભાઈનું નામ દર્શનભાઈ અમીન છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં આસ્થા ધરાવતા પરિવારે તેમનામાં હિન્દુ ધર્મના મજબૂત મૂલ્યોના મૂળિયાં પ્રસ્થાપિત કર્યા હતા.
તેઓ નાની વયથી જ સંત ભગવાન સાહેબજીની પ્રેરણા થકી અનુપમ મિશન સ્વામિનારાયણ સત્સંગ સાથે જોડાયા હતા. તેમણે ભારતમાં સદગુરુ સંત પૂજ્ય શાંતિદાદા અને સાધુ પૂજ્ય પરેશદાસજીની સંભાળ હેઠળ પાંચ વર્ષ સુધી બોર્ડિંગ સ્કૂલમાં હાજરી આપી હતી. તેમણે શૈક્ષણિક ઉત્કૃષ્ટતા હાંસલ કરવા સાથે આધ્યાત્મિક યાત્રામાં પણ પગરણ માંડ્યા હતા.
યુકે પરત આવ્યા પછી તેઓ ફાઈનાન્સિયલ ઈન્ડસ્ટ્રીના કામકાજમાં જોડાયા અને કેનારી વ્હાર્ફ ગ્રૂપમાં ફાઈનાન્સિયલ એનાલિસ્ટ તરીકે કામ કર્યું હતું. તેઓ સમર્પિત ભક્ત હતા અને અનુપમ મિશન યુકે યુવાજૂથના સભ્ય તરીકે નિઃસ્વાર્થ ભાવે મંદિરની સેવામાં નિયમિત હાજરી આપતા હતા. અનુપમ મિશન મંદિરમાં 1989માં મૂર્તિઓની પ્રતિષ્ઠા કરાયા પછી તેઓ પોતાના જીવનના પાયા અને સ્તંભ તરીકે આસ્થા પર કેન્દ્રિત રહ્યા હતા. તેમણે મંદિર કેમ્પસમાં અને તમામ ભક્તજનોને હૃદયપૂર્વક અને વિનમ્રપણે વિવિધ પ્રકારની સેવા આપી હતી.
તેમની મુલાકાત જીવનસાથી નીપાબહેન સાથે થઈ અને યુનાઈટેડ સ્ટેટ્સમાં તેમની સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતા. તેમણે નોર્થ કેરોલીનાના શાર્લોટમાં સ્થિર વસવાટ કરી ફાઈનાન્સિયલ ઈન્ડસ્ટ્રીમાં કારકિર્દી આગળ વધારી હતી. તેમનો પુત્ર સંયમ હાલ 13 વર્ષનો છે. તેઓ પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના સમર્પિત અનુયાયી હતા અને શાર્લોટના BAPS મંદિરમાં સેવા આપતા રહ્યા હતા. તેજસભાઈમાં જીવન પ્રત્યે ભારે ઉત્સાહ હતો. તેમના પરિવાર અને મૂલ્યવાન મિત્રસમૂહો પ્રત્યે મક્કમતા અને વફાદારી સાતત્યપૂર્ણ હતી. તેઓ આર્સેનલ ફૂટબોલના પ્રસંશક હોવા સાથે ભારે સ્પર્ધાત્મક હતા. તેઓ તમામ પ્રકારની રમતોને ચાહતા અને વિવિધ વાર્ષિક કોમ્યુનિટી ટુર્નામેન્ટ્સમાં નિયમિત હાજરી પણ આપતા હતા. તેઓ બુદ્ધિપ્રતિભાવંત અને આકર્ષક વ્યક્તિત્વ ધરાવતા જેન્ટલમેન હતા, જેમના સ્માર્ટ ડ્રેસ કોડની સહુ પ્રશંસા કરતા હતા.
કમનસીબે તેઓ પાંચ કરતાં વધુ વર્ષથી કેન્સર સામે લડી રહ્યા હતા અને જીવન ભારે સંઘર્ષમય બની ગયું હતું. આમ છતાં, ભગવાન સ્વામિનારાયણમાં અડગ શ્રદ્ધાએ તેમને આ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવાની તાકાત આપી હતી. તેમની ધીરજ અને હિંમતનો આ શ્રદ્ધાસભર પુરાવો છે. અમે તેમના આકર્ષક વ્યક્તિત્વ, હાસ્ય અને તમામ પ્રત્યે ઉદારતાને હંમેશાં યાદ રાખીશું. તેઓ જરૂર પડે અન્યોને મદદ કરવા હંમેશાં તત્પર રહેતા અને ગમે તેવા સંજોગોમાં અંતરના અજવાળાને મંદ પાડવા દેતા નહિ.
તેજસભાઈની ઘણી ખોટ સાલશે. ભગવાન સ્વામિનારાયણ તેમના આત્માને શાંતિ અને સ્નેહ પ્રદાન કરે તેવી પ્રાર્થના છે.