લંડનના ત્રણ ગુજરાતી ફાર્માસીસ્ટ કોવિડ-૧૯નો ભોગ બન્યા છે.
ફાર્માસીસ્ટ મેહુલભાઇ હર્ષદભાઇ પટેલ ફ્રન્ટલાઇન હીરો...
નોર્થ લંડનમાં બ્લીસ કેમીસ્ટના ફાર્માસીસ્ટ મેહુલભાઇ હર્ષદભાઇ પટેલ એક મહિના સુધી કોરોના વાયરસ સામે ઝઝૂમ્યા બાદ ૨૩ એપ્રિલ ૨૦૨૦ના રોજ ૪૮ વર્ષની વયે કરૂણ મોત નીપજવાથી એમના કુટુંબ અને સમાજમાં ભારે આઘાતની લાગણી વ્યાપી ગઇ છે. એમનાં પત્ની અર્પીતાબેને પતિને શ્રધ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે, “તેઓ NHSના રીયલ હીરો હતા. દર્દીઓને મદદ કરવી એ પોતાનો ધર્મ માનતા હતા. એમણે પોતાનો ધર્મ છેલ્લે સુધી નિભાવી આખરે દમ તોડ્યો.
મારા તથા મારા પરિવારજનો અને મિત્રોને એમની ખોટ સદાય સાલતી રહેશે.’’ રોયલ ફાર્માસ્યુટીકલ બોર્ડના સભ્ય ડો. મહેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, “મેહુલ જેવા ફાર્માસીસ્ટ કોવીદ-૧૯ સામેના યુધ્ધમાં ફ્રન્ટ લાઇન પર પોતાનું જીવન આગળ ધપાવી રહ્યા હતા. તેમની વ્યવસાય પ્રત્યેની પ્રતિબધ્ધતા, પ્રયત્નો અને સમર્પણના મૂલ્યો વિષેનું વર્ણન કરવા શબ્દો નથી. મારી સહાનુભૂતિ અને સંવેદના એમના પરિવાર સાથે છે.”
સૌને હસાવનાર જયેશ પટેલ બધાંને રડાવીને ચાલી ગયા..
૫૩ વર્ષના ફાર્માસીસ્ટ જયેશભાઇ પટેલનું ૨૨ એપ્રિલ ૨૦૨૦ના રોજ એપ્સમ જનરલ હોસ્પીટલમાં દુ:ખદ અવસાન નીપજ્યું છે. પાંચ ભાઇઓના એ સૌથી નાના ભાઇ હતા. ૨૩ વર્ષના સુખી દામ્પત્ય જીવન બાદ કોરોનાએ એમને ભરખી લીધા. ૧૯ અને ૧૬ વર્ષની બે દિકરીઓના પિતા છે. એમના એક સગાં શ્રી ભરતભાઇ પટેલે જણાવ્યું હતું કે, મિત્રોમાં અને સ્વજનોમાં "સેન્સ ઓફ હ્યુમર" માટે જાણીતા હતા. મિત્રો અને કુટુંબીજનોમાં એમની ન પૂરાય એવી ખોટ પડી છે.
“કાકા" શશીકાન્ત પારેખની કોરોનામાં ચિરવિદાય
ઇલ્ફર્ડમાં વ્હાઇટ હાઉસ લેન, સ્ટીફની ખાતે ૨૦ વર્ષથી મેડીકેમ ફાર્મસી ચલાવતા અને ગ્રાહકોમાં "અંકલ"ના હુલામણા નામે જાણીતા શ્રી શશીકાન્ત પારેખનું ૮૩ વર્ષની વયે લેમ્બેથની સેંટ થોમસ હોસ્પીટલમાં ૩૦ એપ્રિલના રોજ પ્રાણ પંખેરૂં ઊડી ગયું હતું. મેયરે એમને "મહાન શિક્ષક અને ઓછા બોલા પરંતુ શાણાં તથા સૌને મદદદરૂપ થાય એવા" લેખાવ્યા હતા.
શશીકાન્તભાઇ ૧૯૭૯માં ટાન્ઝાનીયાથી લંડન આવી ઇલ્ફર્ડમાં સ્થાયી થયા હતા. તેમણે સ્પિટલફિલ્ડ્સમાં વેરહાઉસમાં કામ કર્યું હતું અને સમયાંતરે વર્ષ ૨૦૦૦માં સ્ટેપનીમાં ફાર્મસી ખરીદી હતી. તેમનો પરિવાર ચિગવેલમાં રહે છે.
હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે દાવો કર્યો હતો કે, ૯૮ ફ્રન્ટ લાઇનના સ્ટાફના મોત કોવીદ-૧૯ના કારણે થયા છે. અન્યો એ આંક ૧૪૦થી વધુ હોવાનું જણાવે છે. કેટલાક પરિવારોએ જણાવ્યું હતું કે, તેમના સ્વજનોના મોતના કારણમાં PPE સાધનોનો અભાવ હતો.