લંડનઃ ઓલ્ડ બેઈલી કોર્ટે ૩૭ વર્ષીય માતાને તેની ત્રણ વર્ષની બાળકીનું ખતના (female genital mutilation) કરવાના કેસમાં દોષિત જાહેર કરી તેને ૧૧ વર્ષ જેલની સજા સંભળાવી છે, જે યુકેમાં સર્વપ્રથમ કિસ્સો છે. આ ઉપરાંત, બાળકીની આ સ્થિતિમાં તસવીરો વહેંચવા બદલ વધુ બે વર્ષની સજા ફરમાવાઈ છે. આ રીતે કેસમાં દોષિત ઠરાવાયેલી આ પ્રથમ મહિલા છે. યુગાન્ડાની આ મહિલાએ ૨૦૧૭માં પૂર્વીય લંડનમાં સ્થિત તેના ઘરે બાળકીનું ખતના કર્યું હતું. મિસિસ જસ્ટિસ વ્હીપલે ખતનાને ‘બર્બર અને ઘૃણાસ્પદ’ ગુનો જાહેર કરી બાળશોષણનો એક પ્રકાર ગણાવ્યો હતો.
હાલ બાળગૃહમાં રખાયેલી બાળકીની માતાને સજા ફરમાવતા જજે કહ્યું હતું કે,‘એક માતા તરીકે તમે તમારામાં રાખેલાં વિશ્વાસનો ભંગ કર્યો છે. શારીરિક યાતનાની ઈજામાંથી સાજા થયાં પછી પણ તેની માનસિક અસર લાંબો સમય સુધી રહેશે.’ આ પરિવારના લંડનસ્થિત મકાનમાં ૨૮ ઓગસ્ટ ૨૦૧૭માં ખતનાની વિધિ કરવામાં આવી હતી. આ પછી બાળકી પર ઈમર્જન્સી સર્જરી કરવાની ફરજ પડી હતી. વ્હીપ્સ ક્રોસ હોસ્પિટલના સર્જનને ઈરાદાપૂર્વક ચીરફાડ કરાયાના પુરાવા મળતા પોલીસને બીજા દિવસે એલર્ટ કરાઈ હતી.
આ બાળકીની માતાને ફેબ્રુઆરીમાં ગુના માટે દોષિત ઠરાવાઈ હતી. યુકેમાં ફીમેલ સર્કમસાઈઝેશન એક્ટ ૧૯૮૫ દ્વારા આવી પ્રવૃત્તિને ગુનો ગણાવાયો હતો અને તેની જગ્યાએ ૨૦૦૩માં વધુ સખત કાયદો ફીમેલ જેનિટલ મ્યુટિલેશન એક્ટ લાગુ કરાયો હતો. આ અપરાધમાં મહત્ત્મ ૧૪ વર્ષના કારાવાસની સજા થઈ શકે છે.

