ત્રણ શીખોએ ૭૦ અફઘાન શરણાર્થીઓને પાઘડી પહેરાવી યુકેમાં ઘૂસાડ્યા

Wednesday 19th July 2017 07:06 EDT
 
 

લંડનઃ એક પરિવારના ત્રણ બ્રિટિશ શીખોએ ૬૦૦,૦૦૦ પાઉન્ડના મહાકૌભાંડમાં ૭૦ ગેરકાયદે શરણાર્થી અફઘાનીઓ પાસેથી નવ હજાર પાઉન્ડ લઈ તેમને ગેરકાયદે બ્રિટનમાં ઘૂસાડવાના આરોપમાં ત્રણેયને કુલ ૧૯ વર્ષની જેલ થઈ હતી. દલજીત કપૂરને સાત વર્ષ, હરમીત કપૂરને સાડા ચાર વર્ષ અને તેમના દૂરના પરિવારના દેવિન્દર ચાવલાને સાડા સાત વર્ષની સજા કરાઈ હતી.

પેરિસના એરપોર્ટ પર એરલાઈન સ્ટાફને અપાયેલા પાસપોર્ટ્સ અને પ્રવાસીઓ વચ્ચે સામ્ય ન જણાતા કપૂર ભાઈઓ અને ચાવલા પકડી લેવાયા હતા. આ લોકો બ્રિટિશ અને બનાવટી નોર્વેજિયન પાસપોર્ટ્સના ઉપયોગથી ૧૧ પ્રવાસીને લૂટન મોકલવા પ્રયાસ કરતા હતા. યુકેમાં ઘૂસાડવા માટે તેમને દરેક સભ્ય દીઠ ૯૦૦૦ પાઉન્ડ મળતાં હતાં. આમ કરીને તેમને ૭૦ લોકોને બ્રિટનમાં ઘૂસાડ્યા હતા અને કુલ ૬૨૦,૦૦૦ પાઉન્ડની કમાણી કરી હતી. ૪૦ વર્ષની આસપાસના દલજીત, હરમીત અને દેવિન્દરે બ્રિટનમાં વિદેશીઓને ઘૂસાડવાના ગુનાની કબૂલાત કરી લેતાં ઈનર લંડન ક્રાઉન કોર્ટે તેમને સજા સંભળાવી હતી. જજ નાઈજેલ સીડે આરોપીઓને કહ્યું હતું કે,‘માત્ર નાણાકીય લાભ માટે જ મોટાપાયે ઓપરેશન કરાયું હતું અને ઈમિગ્રેશનની સમગ્ર પદ્ધતિને નુકસાન પહોંચાડાયું હતું.

આરોપીઓ ફ્રાન્સ જતા અને તેમની રાહ જોઈ રહેલા અફઘાની ઈમિગ્રન્ટ્સને પાઘડીઓ પહેરાવી પાસપોર્ટ આપી દેતાં હતા. યુકે બોર્ડરનો સ્ટાફ તફાવત પારખી ન શકતા દેશમાં પ્રવેશવું સરળ બની ગયું હતું. આ ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ સલામત રીતે યુકેમાં પહોંચે તે પછી તેમની પાસેથી પાસપોર્ટ પરત લઈ લેવાતાં હતાં. ઈમિગ્રન્ટ્સ પાસેથી પરત લેવાયેલા કાયદેસરના અને બનાવટી પાસપોર્ટ્સ અન્ય લોકોને દેશમાં ઘુસાડવા માટે ફરી કામમાં લેવાતાં હતાં. કુલ ૬૯ લોકોને ઓળખી કઢાયા હતા, જેમાંથી ૫૯ લોકોએ એસાઈલમની અરજી કરી નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter