ત્રાસવાદ અને જેહાદી નેટવર્ક સાથે સંકળાયેલો સમગ્ર આબેદી પરિવાર

અલ-કાયદા સમર્થક પિતા રામદાન અને ISIS ના કાવતરાખોર ભાઈ હાશેમની લિબિયામાં ધરપકડ

Thursday 25th May 2017 07:19 EDT
 
 

લંડનઃ ગત સોમવારે રાત્રે માન્ચેસ્ટર અરીનામાં પોપગાયિકા આરિયાના ગ્રાન્ડના કોન્સર્ટ પછી બોમ્બવિસ્ફોટ કરનારા સુસાઈડ બોમ્બર સલમાન આબેદીનો સમગ્ર પરિવાર ત્રાસવાદ અને જેહાદી નેટવર્ક સાથે સંકળાયેલો હોવાનું બહાર આવ્યું છે. સલમાનને પેરિસ અને બ્રસેલ્સના હુમલાખોરો સાથે સંપર્ક હતો, જ્યારે તેના લિબિયન બળવાખોર પિતા રામદાન આબેદી અલ-કાયદા સંગઠનના સમર્થ છે અને તેનો નાનો ભાઈ હાશેમ ISIS કાવતરાને અંજામ આપવામાં વ્યસ્ત હતો. લિબિયન મૂળના સલમાને નોર્થ આફ્રિકાના આ દેશની નિયમિત મુલાકાતે લેવા ઉપરાંત, ત્રાસવાદની તાલીમ પણ મેળવી હતી. આબેદીએ કરેલા વિસ્ફોટમાં ૨૨ લોકોનાં મોત નીપજ્યાં હતાં અને ૧૧૯ને ઈજા પહોંચી હતી. હુમલાનો મુખ્ય કાવતરાખોર હજુ હાથ લાગ્યો નથી તેવી શંકા વચ્ચે સલમાનના પિતા અને બે ભાઈ સહિત કુલ નવ વ્યક્તિની ધરપકજ કરવામાં આવી છે.

પિતા રામદાન અને ભાઈ હાશેમની લિબિયામાં ધરપકડ

સલમાનના પિતા રામદાન આબેદી અને નાના ભાઈ હાશેમની લિબિયામાં ધરપકડ કરાયા પછી કસ્ટડીમાં રખાયા છે. કાઉન્ટર-ટેરર પોલીસ ડિટેક્ટિવ્ઝના જણાવ્યા અનુસાર હાશેમ સાથે સંકળાયેલો હતો અને ટ્રિપોલીમાં ત્રાસવાદી હુમલો કરવાની યોજના ઘડી રહ્યો હતો. હાશેમને એક મહિના અગાઉથી સલમાનની ઘૃણાસ્પદ હત્યાકાંડની યોજનાની જાણ હોવાનું કહેવાયું છે. સલમાનના પિતા સિરિયામાં ગદ્દાફીનો વિરોધ કરનારા અને અલ-કાયદા સાથે સંકળાયેલા જૂથને ખુલ્લો ટેકો આપનારા લડવૈયા છે. સલમાનના મોટા ભાઈ ઈસ્માઈલની પણ માન્ચેસ્ટરમાં ધરપકડ કરવામાં આવી છે, જેના વિશે પણ મુસ્લિમ કોમ્યુનિટીના સભ્યોએ કાઉન્ટર-ટેરરિઝમ યુનિટ સમક્ષ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. યુનિવર્સિટી ડ્રોપ-આઉટ સલમાને મિડલ ઈસ્ટનો સઘન પ્રવાસ કરવા ઉપરાંત, સિરિયામાં ત્રાસવાદી તાલીમ મેળવી હોવાનું પણ કહેવાય છે. હુમલાના થોડા દિવસ અગાઉ જ તે લિબિયાથી પરત આવ્યો હતો. તેણે કેટલા દેશની અને કેટલી વખત મુલાકાતો લીધી હતી તે વિશે સિક્યુરિટી એજન્સીઓ હજુ સ્પષ્ટ નથી.

ચેતવણીઓ છતાં પગલા ન લેવાયા વિશે પ્રશ્નાર્થ

સલમાન ખતરનાક જેહાદી હોવાની ચિંતા અવારનવાર વ્યક્ત કરાયા છતાં તેને નજરઅંદાજ કેમ કરાયો તેના સંબંધે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. એક થીઅરી એવી પણ છે કે આબેદી કદાચ પેરિસ અને બ્રસેલ્સમાં સામૂહિક હત્યાઓ સાથે સંડોવાયેલા ‘મેન ઈન ધ હેટ’ મોહમ્મદ આબ્રિની સહિતના મોટા ત્રાસવાદી જૂથનો હોવાની શક્યતા છે. હુમલા પહેલા સોમવારે લંડનથી માન્ચેસ્ટર ટ્રેનમાં આવ્યા પછી સલમાન તેના સાથીઓને મળ્યો હોય અથવા તેને વિસ્ફોટક સાધન પુરુ પાડવામાં આવ્યું હોવાની શંકા પણ દર્શાવાઈ છે. સલમાનના ઘરમાં જ બોમ્બ બનાવવાનું વર્કશોપ મળી આવ્યું હતુ અને દેખીતી રીતે જ વધુ બોમ્બ બનાવવા માટે જરૂરી રસાયણોનો સંગ્રહ પણ તેણે કર્યો હતો.

આબેદીના પૂર્વ પડોશીએ પાંચ વર્ષ પહેલા જ તેના કટ્ટરવાદી શંકાસ્પદ ઈરાદાઓ વિશે પોલીસને જાણ કરી હતી. આ વખતે સલમાને એવી બડાશ હાંકી હતી કે સુસાઈડ બોમ્બર બનવામાં કશું ખોટું નથી. તેણે લિબિયામાં સંઘર્ષ અને સુસાઈડ ઓપરેશન્સ વિશે કટ્ટરવાદી વાતો કરી હતી. આમ છતાં, તેના વિરુદ્ધ કોઈ પગલાં લેવાયાં ન હતાં. કોમ્યુનિટીના અન્ય અગ્રણીએ પણ બે વર્ષ અગાઉ સલમાન કટ્ટરવાદ અને ત્રાસવાદ સાથે સંકળાયેલો હોઈ શકે તેવો રિપોર્ટ પોલીસને કર્યો હતો.

સલમાનની ન્યુક્લીઅર વિજ્ઞાની માતા સામીઆ તબાલના ત્રાસવાદી સંપર્કો

માન્ચેસ્ટર બોમ્બર સલમાનની ૫૦ વર્ષીય માતા સામીઆ તબાલ અણુવિજ્ઞાની હોવાનું પારિવારિક મિત્રે જણાવ્યું હતું. સામીઆએ ટ્રિપોલી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. તે અલ કાયદાના પૂર્વ કમાન્ડર અબુ અનાસ અલ-લિબીની પત્ની ઉમ્મ અબ્દુલ રહેમાનની ગાઢ મિત્ર હતી. અબુ એક સમયે ના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં હતો અને તેના માથા પર ૨૦ મિલિયન પાઉન્ડનું ઈનામ હતુ. તેણે ૧૯૯૫માં બ્રિટનમાં રાજ્યાશ્રય મેળવ્યો હતો અને માન્ચેસ્ટરમાં પાંચ વર્ષ વીતાવ્યા હતા. એમ કહેવાય છે કે હુમલાના થોડા સમય પહેલા જ સલમાને ભાઈની મદદથી તેની માતાને ફોન કર્યો હતો.

તેને મુસ્લિમ બાળકોનું વેર વાળવું હતુંઃ જોઆના આબેદી

રામદાને તેનો પુત્ર સલમાન નિર્દોષ હોવાનું અને નિર્દોષોના જાન લઈ ન શકે તેવું રટણ કર્યું હતું, જ્યારે આબેદીની નાની બહેન જોમાનાએ સલમાન પ્રેમાળ અને દયાળુ હોવાનું જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે,‘મને લાગે છે કે તેણે બધે જ બાળકો-મુસ્લિમ બાળકોને મરતાં જોયા હતા અને તે વેર વાળવા ઈચ્છતો હતો. તેણે સિરિયામાં અમેરિકાને બાળકો પર વિસ્ફોટકો ફેંકતા જોયા હતા અને તેને વેર વાળવું હતું.’

પૂર્વ લિબિયન સિક્યુરિટી ઓફિસર અબ્દેલ-બાસિત હારુમે જણાવ્યું હતું કે પૂર્વ એરપોર્ટ સિક્યુરિટી વર્કર રામદાન ૧૯૯૦ના દાયકામાં અલ-કાયદા સાથે સંકળાયેલા લિબિયન ઈસ્લામિક ફાઈટિંગ ગ્રૂપનો સભ્ય હતો અને પાછળથી ત્રાસવાદી સલાફી જિહાદી ચળવળ સાથે જોડાયો હતો. તેણે સિરિયામાં ગદ્દાફી શાસન સામે લડતા બળવાખોર જૂથોને ખુલ્લો ટેકો પણ આપ્યો હતો. તેણે નાના પુત્ર હાશેમની મશીન ગન સાથેની તસ્વીરો પણ પ્રસિદ્ધ કરી હતી. અબુ ઈસ્માઈલ નામે પણ ઓળખાતો રામદાન ધરપકડના ભયે ૧૯૯૩માં ટ્રિપોલીથી નાસી છૂટ્યો હતો અને બ્રિટનમાં રાજ્યાશ્રય મેળવ્યો હતો. રામદાન એક મહિના અગાઉ સલમાન અને હાશેમને માન્ચેસ્ટરથી લિબિયા લાવ્યો હતો અને તેમના પાસપોર્ટ્સ જપ્ત કરી લીધા હતા. ઉમરાહ માટે સાઉદી અરેબિયા જવાના બહાના હેઠળ સલમાને પોતાનો પાસપોર્ટ મેળવી લીધો અને તે ઈંગ્લેન્ડ આવી ગયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter