લંડનઃ વડા પ્રધાન થેરેસા મેએ ચેતવણી આપી છે કે ત્રાસવાદ સામેના યુદ્ધમાં તેઓ માનવાધિકાર કાયદાઓને બદલાવી શકે છે. તેમણે ત્રાસવાદ સામે અને જે જેહાદીઓ દેશની સલામતી સામે ખતરારુપ છે પરંતુ, કાયદેસરની કાર્યવાહી કરી શકાતી નથી તેવા સંજોગોમાં પણ કઠોર નિયંત્રણો સહિત આકરા પગલા લેવાની પણ ખાતરી આપી હતી.
વડા પ્રધાન મેની યોજનામાં મહત્તમ અટકાયત સમય બમણો કરી ૨૮ દિવસ કરવાનો સમાવેશ થાય છે. લંડન બ્રિજ હુમલાખોર ખુર્રમ બટ ટીવી ડોક્યુમેન્ટરીમાં દેખાયો અને તેના વિશે કાઉન્ટર-ટેરર હોટલાઈનને માહિતી અપાયા છતાં સલામતી જાળમાંથી છટકી ગયો તેનો સ્વીકાર કરતાં મેએ કહ્યું હતું કે આ કેસની સમીક્ષા કરાશે.
થેરેસા મેએ એમ પણ કહ્યું હતું કે બ્રિટનમાં કોમ્યુનિટીઓમાં કટ્ટરવાદ ખતમ કરવાની જરુર છે. ખતરો દેખાશે તો પોલીસ અને સિક્યુરિટી સર્વિસીસને વધુ સત્તા અપાશે, ત્રાસવાદના ગુનેગારોને લાંબો કારાવાસ, વિદેશી ત્રાસવાદી શકમંદોને તેમના દેશમાં હકાલપટ્ટી, ખતરારુપ ત્રાસવાદી શકમંદોની આઝાદી અને મુક્ત અવરજવર પર નિયંત્રણ સહિતના પગલાં લેવાશે. જો માનવાધિકાર કાયદાઓ આપણને આમ કરતા અટકાવશે તો કાયદા પણ બદલી નખાશે.

